- 135-ડી નોટિસની અનિવાર્યતા દૂર, હવે એક જ દિવસે વેચાણ નોંધણી શક્ય
- એક વર્ષથી રેકોર્ડ સ્થિર અને વિવાદ મુક્ત હોય તો તરત જ વેચાણ મંજૂર
- ગ્રામીણ વિસ્તારોમાં જમીનના ટુકડા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યો
ગુજરાત સરકારે જમીન અને મિલકતના વેચાણ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરીને સામાન્ય નાગરિકોને મોટી રાહત આપી છે. હવે ચોક્કસ શરતો પૂર્ણ થાય તો 30 દિવસની નોટિસની ફરજમાંથી મુક્તિ મળશે અને વેચાણ દસ્તાવેજ એક જ દિવસે મંજૂર થઈ શકશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે જ્યાં મિલકતના રેકોર્ડમાં છેલ્લા એક વર્ષથી કોઈ ફેરફાર નોંધાયો ન હોય, કોઈ વિવાદ કે કેસ બાકી ન હોય અને તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય, ત્યાં 135-ડી નોટિસ આપવાની જરૂર રહેશે નહીં.
આ ફેરફાર જમીન મહેસૂલ અધિનિયમ 1879 હેઠળ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે વટહુકમ બહાર પાડવામાં આવશે. આ સુધારા પછી વેચાણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. પહેલાં જ્યાં 30 દિવસની નોટિસ ફરજિયાત હતી, ત્યાં હવે સીધી જ નોંધ કરી તત્કાળ એન્ટ્રી પ્રમાણિત કરી શકાશે.
સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલી એક મોટી સમસ્યા દૂર થવાની આશા છે. ઘણા કિસ્સાઓમાં 30 દિવસની નોટિસનો ગેરલાભ લઈ કેટલાક લોકો ખોટા વાંધા ઉઠાવી વેચનાર કે ખરીદનાર પાસેથી પૈસા પડાવવાના પ્રયાસ કરતા હતા. આ પ્રક્રિયામાં ક્યારેક અધિકારીઓ સુધીની સંડોવણી હોવાના આક્ષેપો પણ થતા હતા.
હવે જો કોઈ કેસ તપાસ લાયક હોય, જેમ કે તાજેતરમાં રેકોર્ડમાં ફેરફાર થયો હોય, પાવર ઓફ એટર્ની દ્વારા વેચાણ થયું હોય અથવા તમામ હકદારની સહી ન હોય, તો આવી સ્થિતિમાં નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. આથી સાચા હકદારોને પોતાના દાવા રજૂ કરવા પૂરતો સમય મળશે અને સાથે સાથે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે.
આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ ઘર, ફ્લેટ અને દુકાન જેવી મિલકતો માટે પણ લાગુ પડશે. જેના કારણે સામાન્ય નાગરિકોને કાયદાકીય ગુંચવણ અને વિલંબથી રાહત મળશે. ખાસ કરીને પરિવાર વચ્ચે થતી મિલકતની તબદિલીમાં અનાવશ્યક મુશ્કેલીઓ ઘટશે.
સરકારે સાથે સાથે જમીનના ટુકડા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ પિયત અને બિન પિયત જમીન માટે અલગ મર્યાદા હતી, પરંતુ હવે રાજ્યભરમાં ઓછામાં ઓછા 10 ગુંઠાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે, 10 ગુંઠાથી વધુ જમીનના ટુકડાનો વેચાણ હવે સરળતાથી થઈ શકશે.
આ નિયમ ગ્રામિણ વિસ્તારોમાં લાગુ પડશે, જ્યારે શહેરી વિસ્તારો માટે તેનો અમલ નહીં થાય. સરકારનો દાવો છે કે આ સુધારાથી જૂના વિવાદો ઘટશે, જમીનના ટાઈટલ સ્પષ્ટ થશે અને નાગરિકોને સરળ અને પારદર્શક સેવા મળશે.

