Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 48 કલાક ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિની ચેતવણી, રાજ્યમાં 48 રસ્તા બંધ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 48 કલાક ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિની ચેતવણી, રાજ્યમાં 48 રસ્તા બંધ

  • અમદાવાદ સહિત અનેક શહેરોમાં પણ ભારે વરસાદની શક્યતા, 8થી 9 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાના સંકેત

ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતું જાય છે અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ સતત વરસાદને કારણે રાજ્યમાં કુલ 48 માર્ગો બંધ થઈ ગયા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. વડોદરાના અનેક વિસ્તારોમાં 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે 6 અને 7 જુલાઈથી ફરી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત અને અનરાધાર વરસાદ પડી શકે છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ વરસાદને કારણે જમીનના પાણીના તળ ઊંચા આવશે.

સૌરાષ્ટ્રના પોરબંદર અને જામનગરમાં વરસાદની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. હળવદ, ધ્રાંગધ્રા, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ થઈ શકે છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 8 અને 9 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં નવી હવામાન સિસ્ટમ બનવાની શક્યતા છે. આ સિસ્ટમ સક્રિય બનશે તો તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ આવી શકે છે. તેમણે રથયાત્રા દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

તેમણે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. તેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધવાની સંભાવના છે. બીજી તરફ ભારે વરસાદના કારણે રાજ્યના અનેક માર્ગો પર અસર જોવા મળી રહી છે. પાણી ભરાવા, ઓવરટોપિંગ અને રસ્તા ધોવાઈ જવાના કારણે કુલ 48 માર્ગો હાલ બંધ છે.

મળતી માહિતી મુજબ ચાર સ્ટેટ હાઈવે બંધ છે. જેમાં ખેડા જિલ્લામાં ત્રણ અને જૂનાગઢ જિલ્લામાં એક સ્ટેટ હાઈવે બંધ થયો છે. જામનગર જિલ્લામાં એક નેશનલ હાઈવે પણ બંધ છે.

પંચાયત હસ્તકના કુલ 36 માર્ગો બંધ છે. તેમાં વલસાડ જિલ્લામાં 14, નવસારી જિલ્લામાં 10 અને જૂનાગઢ જિલ્લામાં 8 રસ્તાઓ બંધ થયા છે. સુરત, જામનગર અને અમરેલી જિલ્લામાં એક એક માર્ગ બંધ છે. આ ઉપરાંત અન્ય 7 માર્ગો પણ હાલ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગ પણ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી ચૂક્યું છે. આવી સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ નદી કાંઠાના ગામોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અને જરૂરી હોય ત્યાં સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vibes of India Gujarati