- 160 વર્ષ જીવવાનું સપનું જોનાર બ્રાયન જ્હોનસનને 11 વર્ષ સુધી આયર્નની ઉણપનું કારણ ન મળ્યું, આખરે બાયોપ્સીમાં સામે આવી દુર્લભ બીમારી
- કરોડો ખર્ચીને એન્ટી એજિંગ પ્રયોગો કરનાર બ્રાયન જ્હોનસનની બિમારીની વર્ષો સુધી ડોક્ટરોને પણ ખબર ન પડી
લાંબું આયુષ્ય અને યુવાની જાળવવા કરોડો રુપિયા ખર્ચનારા અને પોતાના અનોખા મિશન માટે વિશ્વભરમાં જાણીતા ટેક ઉદ્યોગપતિ અને લોન્ગેવિટી (Longevity) એટલે કે દીર્ધાયુષ્યના નિષ્ણાત બ્રાયન જ્હોનસને (Bryan Johnson) પોતાની તબિયત અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
48 વર્ષીય બ્રાયન જ્હોનસને જણાવ્યું કે તેમને દુર્લભ ઓટોઇમ્યુન ગેસ્ટ્રાઇટિસ (Autoimmune Gastritis-AIG) નામની લાંબા સમય સુધી ચાલતી બીમારી હોવાનું નિદાન થયું છે. આ એવી સ્થિતિ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જ પેટની અંદરના કોષો પર હુમલો કરે છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે "મારું પેટ જ પોતાને ખાઈ રહ્યું છે."
લોસ એન્જલસમાં રહેતા બ્રાયન જ્હોનસન દર વર્ષે કરોડો ડોલર એન્ટી એજિંગ (Anti-ageing) સારવાર અને આરોગ્યની સતત દેખરેખ પાછળ ખર્ચે છે. તેમનું લાંબા સમયથી લક્ષ્ય માનવ આયુષ્યની મર્યાદા વધારીને 160 વર્ષ સુધી જીવવાનો માર્ગ શોધવાનો છે. તેમ છતાં તેમણે સ્વીકાર્યું કે આ બીમારી વર્ષો સુધી તેમના શરીરમાં શાંતિથી વિકસતી રહી અને તેમની આરોગ્યપ્રદ જીવનશૈલી છતાં પકડાઈ નહીં.
ઓટોઇમ્યુન ગેસ્ટ્રાઇટિસ એવી લાંબા ગાળાની બીમારી છે જેમાં શરીર પેટમાં એસિડ બનાવતા કોષો પર જ હુમલો કરે છે. સમય જતાં પેટમાં એસિડનું ઉત્પાદન ઘટી જાય છે, જેના કારણે વિટામિન B12નું શોષણ પ્રભાવિત થાય છે. પરિણામે આયર્નની ઉણપ, એનિમિયા (Anaemia) અને કેટલાક કિસ્સાઓમાં પેટના કેન્સરનું જોખમ પણ વધી શકે છે.
બ્રાયન જ્હોનસને જણાવ્યું કે આ બીમારી શરૂઆતના તબક્કામાં ખૂબ સામાન્ય લક્ષણો ધરાવતી હોવાથી સરળતાથી નજર બહાર રહી જાય છે. તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક દાયકાથી વધુ સમય સુધી ડોક્ટરો સમજી શક્યા નહોતા કે ખોરાકમાં ફેરફાર અને વારંવાર આયર્ન સપ્લિમેન્ટ્સ લેવા છતાં તેમના શરીરમાં આયર્નનું સ્તર સતત ઓછું કેમ રહે છે.
તેમણે લખ્યું કે શરીરમાં આયર્નનો સંગ્રહ ઓછો હોવા છતાં તે સામાન્ય ગણાઈ જાય છે અને ઘણી વખત એનિમિયા દેખાય ત્યાં સુધી તેની ગંભીર તપાસ કરવામાં આવતી નથી. મારા કેસમાં પણ આ કારણે નિદાન મોડું થયું.
બ્રાયન જ્હોનસને ખુલાસો કર્યો કે છેલ્લા લગભગ 11 વર્ષથી તેમના શરીરમાં ફેરિટિન (Ferritin)નું સ્તર અસામાન્ય રીતે ઓછું રહ્યું છે. ફેરિટિન શરીરમાં આયર્ન સંગ્રહ કરતું પ્રોટીન છે. તેમણે વિવિધ પ્રકારના આયર્ન સપ્લિમેન્ટ્સ અજમાવ્યા, દવા લેવાનો સમય બદલ્યો અને ખોરાકમાં પણ ફેરફાર કર્યા, છતાં શરીર પૂરતું આયર્ન શોષી શક્યું નહીં.
શરૂઆતમાં તેમને લાગતું હતું કે આ સમસ્યા તેમની કડક ફિટનેસ જીવનશૈલીના કારણે હશે. તેઓ ભારે વર્કઆઉટ કરે છે, નિયમિત સોના (Sauna) સેશન લે છે અને હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી પણ કરે છે, જેના કારણે શરીરને વધુ આયર્નની જરૂર રહે છે. જોકે બાદમાં થયેલી વિગતવાર તપાસમાં હકીકત સામે આવી.
ડોક્ટરોએ તેમની કોલોનોસ્કોપી અને અપર એન્ડોસ્કોપી કરી તેમજ પેટમાંથી અનેક બાયોપ્સી (Biopsy) નમૂનાઓ લીધા. તપાસમાં શરૂઆતના તબક્કાની ઓટોઇમ્યુન ગેસ્ટ્રાઇટિસ હોવાનું નિદાન થયું અને જાણવા મળ્યું કે નુકસાન માત્ર પેટની એસિડ બનાવતા પડ સુધી મર્યાદિત હતું.
પાછળના દિવસોને યાદ કરતાં બ્રાયન જ્હોનસને જણાવ્યું કે તેઓ લોન્ગેવિટી પ્રયોગો માટે જાણીતા બન્યા તે પહેલાં જ તેમની તબિયત બગડવા લાગી હતી. યુવાનીમાં તેઓ ખાંડવાળા સિરિયલ, સોફ્ટ ડ્રિન્ક્સ અને ફાસ્ટ ફૂડથી ભરપૂર આહાર લેતા હતા. ત્રણ બાળકોનો ઉછેર અને બિઝનેસ સંભાળવાની વ્યસ્તતા વચ્ચે તેમનું વજન લગભગ 40 પાઉન્ડ વધી ગયું હતું અને તેઓ લાંબા સમય સુધી ડિપ્રેશનનો પણ સામનો કરતા રહ્યા હતા.
તેમનું માનવું છે કે આ જ સમયગાળા દરમિયાન તેમના શરીરમાં થાઇરોઇડ અને પેટને અસર કરતી ઓટોઇમ્યુન બીમારીઓ વિકસવા લાગી હતી. હાલ ઓટોઇમ્યુન ગેસ્ટ્રાઇટિસનો કોઈ કાયમી ઈલાજ ઉપલબ્ધ નથી. જોકે બ્રાયન જ્હોનસને જણાવ્યું કે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયોટેકનોલોજી અને પ્રિસિઝન મેડિસિનની નવીન તકનીકોનો ઉપયોગ કરીને સંભવિત સારવાર શોધવાનો પ્રયાસ કરશે.
આ વર્ષે પણ તેમણે પોતાના લાંબા ગાળાના લક્ષ્ય "લોન્ગેવિટી એસ્કેપ વેલોસિટી" (Longevity Escape Velocity)ની ફરી ચર્ચા કરી હતી. તેનો અર્થ એવો તબક્કો છે જ્યાં વૈજ્ઞાનિક શોધો માનવ શરીરના વૃદ્ધત્વ કરતાં વધુ ઝડપે આયુષ્ય વધારતી રહે. બ્રાયન જ્હોનસને સ્વીકાર્યું કે 160 વર્ષ સુધી જીવવાનું તેમનું લક્ષ્ય સફળ થશે તેની કોઈ ખાતરી નથી, પરંતુ તેઓ વિજ્ઞાનની નવી સીમાઓ અજમાવવાનો પ્રયાસ ચાલુ રાખશે.
તેમણે કહ્યું કે આજના યુગમાં માત્ર એટલા માટે કોઈ બીમારીને અસાધ્ય માની લેવી જોઈએ નહીં કે આજની ટેક્નોલોજીથી તેને ઉકેલવાનો પ્રયાસ હજુ સુધી કોઈએ કર્યો નથી. બ્રાયન જ્હોનસને લોકોને પોતાની તબિયત પ્રત્યે વધુ સચેત રહેવાની અપીલ કરી હતી. તેમનું કહેવું છે કે ઘણી ગંભીર બીમારીઓ વર્ષો સુધી શરીરમાં છુપાયેલી રહેતી હોય છે અને લાંબા સમય બાદ જ તેનું નિદાન થઈ શકે છે.

