- કેતન અગ્રવાલની હત્યાના આરોપી સિયા અને ચેતન ચૌધરીના અન્ય વીડિયો અને ફોટા પણ ફરી સામે આવ્યા
- સિયા ગોયલના પિતાએ કુંડળી મેળવવાથી લઈને વકીલના વિવાદ અંગે શું કહ્યું?
પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યા કેસમાં એક પછી બાબતો બહાર આવી રહી છે. કેતનની હત્યાની મુખ્ય આરોપી સિયા ગોયલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર તેનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પબમાં દારૂ પીતી જોવા મળે છે અને ફોન પર ઉગ્ર ભાષામાં વાત કરતી સાંભળવા મળે છે.
આ વીડિયો ડિસેમ્બર 2025માં રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં સિયા ગોયલ એક નાઇટક્લબમાં હાથમાં બીયરની બોટલ જેવી બોટલ સાથે ફોન પર વાત કરતી જોવા મળે છે. વાતચીત દરમિયાન તે ગાળો બોલતી પણ સાંભળાય છે અને કહે છે, "પહેલા એ મારી સાથે દગો કરે છે, પછી મને ફોન કરે છે."
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને કેતન અગ્રવાલ હત્યા કેસ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. સિયા ગોયલ અને તેનો પ્રેમી અવા સહઆરોપી ચેતન ચૌધરીના અન્ય ઘણા વીડિયો અને ફોટા પણ ફરી સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આવા જ એક વીડિયોમાં બંને એક ક્રિકેટ લીગ મેચ સાથે જોતા જોવા મળે છે, જે હત્યા પહેલાંનો હોવાનું કહેવાય છે.
પુણેના કેતન અગ્રવાલની 18 જૂને પુણે જિલ્લાના લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારીને હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. સિયા ગોયલ અને કેતન અગ્રવાલની સગાઈ થઈ હતી અને બંનેના લગ્ન આ વર્ષે નવેમ્બરમાં થવાના હતા.
પોલીસના જણાવ્યા મુજબ સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ મળીને કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઘટના બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસના વિવિધ પાસાઓની તપાસ ચાલી રહી હોવાથી તેમને 3 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
આ દરમિયાન સિયાના પિતા પ્રવીણ ગોયલે બુધવારે કહ્યું હતું કે તેમને પોતાની દીકરી અને ચેતન ચૌધરીના સંબંધ વિશે અગાઉ કોઈ જાણકારી નહોતી. તેમણે કહ્યું કે જો તેમને આ અંગે ખબર હોત તો તેઓ લગ્ન અંગે ફરી વિચાર કરત.
પુણે પોલીસની લાંબી પૂછપરછ પછી તેમણે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને આ કેસ વિશે કોઈ માહિતી નહોતી. જો મને કંઈ ખબર હોત તો હું જરૂર કંઇક કરત. હું સંબંધિત વ્યક્તિ સાથે વાત કરત અને કદાચ આ સંબંધ અંગે ફરી વિચાર કરત. પરંતુ આવી કોઈ વાત મારી જાણમાં એક ટકા પણ આવી નહોતી.
પ્રવીણ ગોયલે વધુમાં જણાવ્યું કે સિયા અને કેતનની સગાઈ પહેલાં બંનેની કુંડળી મેળવવામાં આવી હતી અને કેતનના પરિવાર તરફથી તેમને જણાવવામાં આવ્યું હતું કે 27થી 28 ગુણ મળ્યા હતા. તેમણે કહ્યું કે સામેના કેતનના પરિવારે સિયાની જન્મકુંડળી માગી હતી, તેથી મેં આપી હતી. પછી તેમણે જણાવ્યું કે 27થી 28 ગુણ મળ્યા છે અને સંબંધ તેમને મંજૂર છે. હિન્દુ માન્યતા મુજબ 36 ગુણની અષ્ટકૂટ પદ્ધતિમાં 26થી 32 ગુણ મળે તો સારો મેળ માનવામાં આવે છે.
તેમણે આ દાવાને પણ નકાર્યો કે બંને પરિવારો વચ્ચે તેમના પુત્ર અને કેતન અગ્રવાલની બહેનના લગ્ન અંગે પણ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે અમારા પરિવારમાં આવી કોઈ પરંપરા કે પ્રથા નથી.
વકીલ આશુતોષ શ્રીવાસ્તવને લઈને થયેલા આરોપો અંગે જવાબ આપતા પ્રવીણ ગોયલે કહ્યું કે તેમણે ક્યારેય તેમને વકીલને તરીકે રાખ્યા નહોતા કે તેમની સાથે મુલાકાત પણ કરી નહોતી. તેમણે કહ્યું કે પરિવારના કોઈ સભ્યએ તેમની સેવા સત્તાવાર રીતે લીધી નહોતી.
તેમણે કહ્યું કે મારી દીકરીએ કદાચ તેની સામે મૂકવામાં આવેલા કેટલાક દસ્તાવેજો પર સહી કરી હશે, પરંતુ એ સિવાય અમે ક્યારેય તેમને વકીલ તરીકે રાખ્યા નહોતા.

