- કપુરથલાના મહારાજાના પરિવારનો 49 વર્ષ જૂનો વિવાદ આખરે સમાપ્ત
- માત્ર 'ગાદી' પર જ લાગુ પડશે પ્રાઇમોજેનિચરનો નિયમ, ખાનગી સંપત્તિ પર નહીં
- મહારાજાની ખાનગી સંપત્તિ હિંદુ વારસા કાયદા મુજબ વહેંચાશે
પૂર્વ રાજવી પરિવારોની સંપત્તિ અને વારસાગત હકોને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પૂર્વ મહારાજાની માત્ર 'ગાદી' અથવા 'થ્રોન' જ મોટા પુત્રને મળી શકે, પરંતુ ખાનગી સંપત્તિ અને રાજવી મિલકતો તમામ કાનૂની વારસદારોમાં હિંદુ અથવા મુસ્લિમ વારસા કાયદા મુજબ વહેંચવી પડશે.
જસ્ટિસ પંકજ મિથલ અને એસવીએન ભટ્ટીની બેન્ચે કહ્યું કે માત્ર માનવામાં આવતી રાજગાદી જ પ્રાઇમોજેનિચર એટલે કે જયેષ્ઠાધિકાર નિયમ મુજબ મોટા પુત્રને મળે છે, પરંતુ શાસકની ખાનગી વ્યક્તિગત સંપત્તિ પર આ નિયમ લાગુ પડતો નથી. કોર્ટે હાઈકોર્ટનો તે નિર્ણય પણ રદ કર્યો જેમાં કહેવાયું હતું કે સંપત્તિના વારસામાં પણ પ્રાઇમોજેનિચરનો નિયમ લાગુ પડશે.
આ ચુકાદા સાથે કપુરથલાના મહારાજા પરમજીત સિંહના વારસદારો વચ્ચે છેલ્લા 49 વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સૌથી મોટા પુત્રને હિંદુ વારસા કાયદા મુજબ અન્ય કાનૂની વારસદારો સાથે સંપત્તિ વહેંચવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે મહારાજાએ ભારત સરકાર સાથે કરેલા મર્જર એગ્રીમેન્ટમાં માત્ર રાજગાદીના વારસ માટે જ પ્રાઇમોજેનિચરનો નિયમ જાળવવામાં આવ્યો હતો. ખાનગી અથવા વ્યક્તિગત સંપત્તિ માટે આ પ્રકારની કોઈ ગેરંટી આપવામાં આવી નહોતી.
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે રાજવીઓએ ભારતમાં ભળવાના કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ પોતાની સર્વસત્તા છોડી દીધી હતી અને ત્યારબાદ તેઓ સામાન્ય નાગરિક બની ગયા હતા, જેમને બંધારણ મુજબ કેટલીક વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી.
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, "આવા વ્યક્તિને 'રૂલર' તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેની પાસે કોઈ પ્રદેશ નથી અને તે કોઈ પ્રજા પર સત્તા ચલાવતો નથી. તે માત્ર ભારતના એક સામાન્ય નાગરિક છે, જેમને કેટલીક વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે કારણ કે તેમણે અથવા તેમના પૂર્વજોએ પોતાની સત્તા અને પ્રદેશ ભારતને સોંપ્યા હતા. વાસ્તવમાં આવા રાજાઓ માત્ર નામ પૂરતા રાજા રહ્યા હતા. તેઓ 'પ્રજા વગરના રાજા' હતા.
બેન્ચે અંતમાં કહ્યું મહારાજાની ખાનગી સંપત્તિ હિંદુ કાયદા અથવા વારસા કાયદા મુજબ જ વહેંચાશે, પ્રાઇમોજેનિચર નિયમ મુજબ નહીં. તેથી હાઈકોર્ટના સિંગલ જજ અને ડિવિઝન બેન્ચનો નિર્ણય કાયદાકીય રીતે ગેરમાન્ય અને ટકી ન શકે એવો છે.

