- 4000 કરોડના બજેટવાળી ફિલ્મમાં ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીનું પાત્ર ભજવે છે
- રણબીરના પરદાદા પૃથ્વીરાજ કપૂરે 1934ની બંગાળી ફિલ્મ સીતામાં રામનું પાત્ર ભજવ્યું હતું
લાંબા સમયની રાહ બાદ નિદેશક નિતેશ તિવારીની ફિલ્મ રામાયણનું નવું ટીઝર જાહેર થયું છે પરંતુ તેના પર સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદ પણ શરૂ થઈ ગયા છે. ખાસ કરીને ટીઝર અંગે મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને હનુમાનજીના લુકની ઝલક જોવા મળતા અનેક દર્શકોએ નિરાશા વ્યક્ત કરી છે.
ટીઝર રિલીઝ થતાં જ એક મોટી ચર્ચા હનુમાનના પાત્રને લઈને ઉભી થઈ છે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવે છે. પરંતુ આ ટીઝરમાં તે નથી. અહેવાલ મુજબ સની દેઓલ હાલમાં અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેમણે ફિલ્મના પ્રથમ ભાગ માટે શુટિંગ કર્યું છે, જ્યારે બીજા ભાગના સીન હજી શૂટ થવાના બાકી છે. માનવામાં આવે છે કે આ ટીઝર લાંબા પ્રમોશનલ કેમ્પેઇનનો એક ભાગ છે અને નિર્માતા હનુમાનનો લુક આગળના ટીઝરમાં જાહેર કરી શકે છે અથવા ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી ગુપ્ત રાખી શકે છે.
હનુમાન જયંતિના દિવસે ટીઝર જાહેર થતા દર્શકોને આશા હતી કે હનુમાનજીનો સરપ્રાઇઝ લુક જોવા મળશે, પરંતુ તે જોવા ન મળતા ઘણા ફેન્સ નિરાશ થયા. દર્શકોનું માનવું છે કે ઓછામાં ઓછી હુનમાનજીના રોલમાં સની દેઓલની એક ઝલક દેખાડવી જોઈતી હતી.
બીજી તરફ ટ્રેડ નિષ્ણાતો માને છે કે સ્ટાર પાવર ફિલ્મ થિયેટર સુધી દર્શકોને ખેંચવામાં મહત્વપૂર્ણ હોય છે, પરંતુ પછી ફિલ્મની સ્ટોરી અને રજૂઆત મહત્વ ધરાવે છે. આ માત્ર ટીઝર હોવાથી ફિલ્મ કેવી હશે તે કહેવું વહેલું છે. કેટલાક દર્શકો માને છે કે સની દેઓલનો ટૂંકો રોલ પણ ફિલ્મ પર મજબૂત અસર કરી શકે છે.
આ વચ્ચે રણબીર કપૂરનો લુક પણ જાહેર થયો છે, જેની ઇન્ટરનેટ પર ભારે ચર્ચા ચાલી રહી છે. રણબીર ભગવાન રામના પાત્રમાં નજરે પડે છે અને એવું માનવામાં આવે છે કે તેઓ તેમના પરદાદા પૃથ્વીરાજ કપૂરની પરંપરા આગળ વધારી રહ્યા છે, જેમણે 1934ની બંગાળી ફિલ્મ સીતામાં ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું.
સીતા ફિલ્મ 1933ની ટોકી બંગાળી ફિલ્મ હતી, જેને દેવકી બોઝે નિર્દેશિત કરી હતી અને ઇસ્ટ ઇન્ડિયા ફિલ્મ કંપનીએ બનાવેલી હતી. તેમાં ગુલ હમીદ, પૃથ્વીરાજ કપૂર, દુર્ગા ખોટે અને ત્રિલોક કપૂર જેવા કલાકારો હતા. આ ફિલ્મને 1934ના વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ડિપ્લોમા મળ્યો હતો અને તે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવેલી પ્રથમ ભારતીય ટોકી બની હતી.
ટીઝરમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં શાંતિ, સૌમ્યતા અને ગૌરવ સાથે દેખાય છે. પંચવટીના વનવાસથી લઈને રાજ્યાભિષેક સુધીની ઝલક દર્શાવવામાં આવી છે. અંતે યશનો રાવણ તરીકેની ટૂંકી ઝલક પણ જોવા મળે છે.
પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે રામનું પાત્ર માનવજાત માટે આદર્શ છે કારણ કે તેમણે હંમેશા પોતાની ઇચ્છા કરતાં કર્તવ્યને મહત્વ આપ્યું હતું. રણબીરે ન્યૂયોર્કમાં ક્યૂ એન્ડ એ સેશન દરમિયાન જણાવ્યું કે શરૂઆતમાં તેમણે આ રોલ માટે પોતે યોગ્ય નથી એવું માન્યું હતું, પરંતુ બાદમાં આ તક તેમના જીવનમાં મહત્વપૂર્ણ વળાંક બની હતી.
રણબીર અને આલિયા ભટ્ટે નવેમ્બર 2022માં દીકરી રાહાને જન્મ આપ્યો હતો. ફિલ્મ લગભગ 4000 કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે. નમિત મલ્હોત્રાએ કહ્યું કે આ પ્રોજેક્ટ પર છેલ્લા 6 થી 7 વર્ષથી કામ ચાલી રહ્યું છે અને કુલ બજેટ લગભગ 500 મિલિયન ડોલર છે.
આ ફિલ્મમાં એ આર રહમાન અને હાન્સ ઝિમર પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. યશ અને સની દેઓલ ઉપરાંત સાઈ પલ્લવી, રવિ દુબે પણ આ મોટા પ્રોજેક્ટનો ભાગ છે.

