- "મારી પાસે રહેલા છેલ્લા 6.5 કરોડ ચૂકવવા પડશે, મને કોઈ અફસોસ નથી, હું ફરી કમાઈશ"
- એનસીએલટીએ દેવું ચૂકવવાની યોજના મંજૂર ચંકર્યા બાદ ચંદ્રાએ જણાવી આગામી યોજના
- 75 વર્ષના એસેલ ગ્રુપના ચેરમેન કહે છે કે તેમની પાસે ભાડે આપેલું નાનું મકાન છે અને તેમાંથી મળતી આવકથી હાલનો ખર્ચ ચલાવે છે
મોટા દેવાના સંકટ બાદ એસેલ ગ્રુપના ચેરમેન અને મીડિયા બેરન સુભાષ ચંદ્રા હવે નવી શરૂઆતની તૈયારીમાં છે.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટીએ તેમના લેણદારો માટેની ચુકવણી યોજના મંજૂર કર્યાના થોડા દિવસ બાદ ચંદ્રાએ પોતાની બિઝનેસની આગામી યોજનાનો ખુલાસો કર્યો છે. તેઓ સ્વિટ્ઝર્લેન્ડમાં રોકાણ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો સાથે કામ કરવાની યોજના બનાવી રહ્યા છે. સાથે જ સંભવિત સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે પરિવાર પાસેથી પરિવાર પાસેથી રુપિયા 2થી 4 કરોડ ઉધાર લેવાની વિચારણા કરી રહ્યા છે.
અહેવાલ મુજબ, ચંદ્રાએ જણાવ્યું કે તેઓ સ્વિટ્ઝર્લેન્ડમાં રોકાણ ક્ષેત્ર સાથે જોડાયેલા પોતાના મિત્રો સાથે કામ કરવા માગે છે. આગામી 1થી 2 સપ્તાહમાં આ અંગે વધુ વિગતો આપવાની અપેક્ષા છે. તેમણે એમ પણ કહ્યું કે વૃદ્ધિની સારી સંભાવના ધરાવતા કેટલાક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માગે છે.
આ દરમિયાન ઇન્સોલ્વન્સી ટ્રિબ્યુનલ એનસીએલટીએ સુભાષ ચંદ્રાની વ્યક્તિગત ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયામાં લેણદારો માટેની ચુકવણી યોજના મંજૂર કરી છે. આ યોજના હેઠળ સુભાષ ચંદ્રા સ્વીકારાયેલા લેણદાર દાવાઓમાંથી આશરે 22,006.57 કરોડ સામે માત્ર રુપિયા 6.5 કરોડ ચૂકવશે.
આનો અર્થ એ થાય છે કે લેણદારોને તેમની કુલ સ્વીકારાયેલી રકમના આશરે 0.03 ટકા જેટલી જ રિકવરી મળશે, જ્યારે લગભગ 99.97 ટકાનો કટ થશે. યોજના હેઠળ વિતરણ માટે આશરે રુપિયા 6.5 કરોડ ઉપલબ્ધ થશે.
એક વીડિયો નિવેદનમાં 75 વર્ષીય સુભાષ ચંદ્રાએ પોતાની સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે આજે હું એકદમ સરળ રીતે વાત કરી રહ્યો છું. હું એવી વ્યક્તિ વિશે વાત નથી કરી રહ્યો જેણે બધું ગુમાવી દીધું છે. મારી પાસે બચેલા છેલ્લા રુપિયા 6.5 કરોડ યોજના મુજબ ચૂકવવાના રહેશે. મારી પાસે એક નાનું રહેણાંક મકાન છે, જે મેં ભાડે આપ્યું છે અને તેમાંથી મળતી આવકથી હું મારો ખર્ચ ચલાવી રહ્યો છું. મને કોઈ અફસોસ નથી. હું ફરી કમાઈશ. હું અગ્રણી રહ્યો છું. સારી અને નવી વસ્તુઓ કેવી રીતે કરવી તે હું જાણું છું અને આગળ પણ તેમ કરતો રહીશ. ચંદ્રાએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની વર્તમાન પરિસ્થિતિને બધું ગુમાવી ચૂકેલા વ્યક્તિ તરીકે જોતા નથી.
તેમણે એ પણ કહ્યું કે તેમને કોઈ અફસોસ નથી અને તેઓ ફરી કમાણી કરશે. ચંદ્રાએ પોતાને પોતાના ક્ષેત્રમાં અગ્રણી ગણાવતાં કહ્યું કે તેઓ સારી અને નવી વસ્તુઓ કરવાનું જાણે છે અને આગળ પણ તેમ કરવાનું ચાલુ રાખશે.

