Dailyhunt
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથથી આગળ વધી અનેક જિલ્લાઓમાં કેરીની ખેતીમાં વધારો : કેસર કેરીનો દબદબો યથાવત

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથથી આગળ વધી અનેક જિલ્લાઓમાં કેરીની ખેતીમાં વધારો : કેસર કેરીનો દબદબો યથાવત

  • 5 વર્ષમાં વાવેતર વિસ્તારમાં 10000 હેક્ટર ઉત્પાદનમાં 1 લાખ મેટ્રિક ટનનો વધારો
  • સૌરાષ્ટ્રમાં કેરીની ખેતી બની રોકાણકારો માટે પણ આકર્ષણનું કેન્દ્ર

કેસર કેરી માટે વિખ્યાત સૌરાષ્ટ્રમાં કેરીના વાવેતર વિસ્તારમાં અનિયમિત હવામાન, કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવા પડકારો વચ્ચે વધારો થઇ રહ્યો છે. ગુજરાત હોર્ટિકલ્ચર વિભાગના આંકડાઓ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં કેરીના વાવેતર વિસ્તારમાં લગભગ 10000 હેક્ટરનો વધારો થયો છે જ્યારે ઉત્પાદન 1 લાખ મેટ્રિક ટનથી વધુ વધ્યું છે.

એક સમયે જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા પરંપરાગત વિસ્તારો સુધી મર્યાદિત રહેલી કેરીની ખેતી હવે સૌરાષ્ટ્રના લગભગ તમામ તાલુકાઓમાં ફેલાઈ ગઈ છે. ખેડૂતો સોનપરી અને પૂસા અરુણિમા જેવી હાઇબ્રિડ જાતો તેમજ નવાબના સમયની દૂધ પેંડો અને બેગમ પસંદ જેવી વારસાગત જાતો પણ ઉગાડે છે, પરંતુ કેસર કેરીનું પ્રભુત્વ યથાવત છે.

2020-21માં કેસર કેરીનો વિસ્તાર લગભગ 35000 હેક્ટર હતો અને ઉત્પાદન 1.89 લાખ મેટ્રિક ટન હતું. 2024-25 સુધીમાં વિસ્તાર વધીને 44000 હેક્ટરથી વધુ થયો છે અને ઉત્પાદન 3.15 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે. 2025-26ના આંકડાઓ હજી જાહેર થવાના બાકી છે.

નિષ્ણાતો કહે છે કે કેસર કેરીનો સ્વાદ, સામાન્ય રોગો સામે કુદરતી પ્રતિકારક શક્તિ અને મજબૂત માંગ અને નિકાસ તેની સફળતાના મુખ્ય કારણો છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં વસતા ગુજરાતી લોકોમાં તેની ભારે માંગ છે.

સૂત્રો મુજબ અનેક પૈસાપાત્ર લકો ગીર વિસ્તારમાં ખેતીની જમીનમાં રોકાણ કરી રહ્યા છે અને કેરીની ખેતી પસંદ કરી રહ્યા છે. એક ખેડૂતે જણાવ્યું કે આ લોકો નફા માટે નહીં પરંતુ શોખ માટે કેરી ઉગાડે છે. તેઓ પોતાના પરિવાર અને મિત્રોને સાથે બાગમાં સમય પસાર કરવા માંગે છે અને કેરી તેમના મિત્રો અને સગાસંબંધીઓને આપે છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કોલેજ ઓફ હોર્ટિકલ્ચરના પ્રિન્સિપલ અને ડીન ડી કે વરૂએ જણાવ્યું કે નવા વિસ્તારોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. યુવા ખેડૂતો નવા પ્રયોગો કરી રહ્યા છે. રાણાવાવ, પોરબંદર ,ભાણવડ અને કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા, ઉપલેટા, રાજકોટ અને અમરેલી જિલ્લાના જેસર જેવા વિસ્તારોમાં કેસર કેરીના નવા ઝોન વિકસ્યા છે. તેમણે ઉમેર્યું કે ભાવનગર રાજકોટ મોરબી અને જામનગર જેવા જિલ્લાઓ પણ હવે કેસર ખેતી અપનાવી રહ્યા છે.

ગીર વિસ્તારમાં કાર્યરત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર તુષાર ધામેલિયાએ જણાવ્યું કે યુવા ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને હોર્ટિકલ્ચર તરફ જઈ રહ્યા છે અને કેસર કેરી તેમની પ્રથમ પસંદ છે કારણ કે તે રોકડિયો પાક આપે છે અને છે અને શરૂઆતના બે થી ત્રણ વર્ષ પછી વધારે સંભાળની જરૂર રહેતી નથી.

તેમણે જણાવ્યું કે ઘણા ખેતી ઉત્પાદનોને સારો ભાવ મળતો નથી પરંતુ કેરી શહેરના બજારમાં હંમેશા સારો ભાવ આપે છે અને નિકાસ માટે વિશાળ સંભાવનાઓ ઉભી કરે છે. આ કારણે ખેડૂતોને ડોલરમાં કમાણી કરવાની તક મળે છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vibes of India Gujarati