Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સીબીએસઇના ધોરણ 12ના પરિણામ સામે વિદ્યાર્થીઓમાં વ્યાપક અસંતોષ: 40,000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્તરવહી ચકાસણી માટે અરજી કરી

સીબીએસઇના ધોરણ 12ના પરિણામ સામે વિદ્યાર્થીઓમાં વ્યાપક અસંતોષ: 40,000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્તરવહી ચકાસણી માટે અરજી કરી

સીબીએસઇને 43,980 અરજી મળી, 39,056 વિદ્યાર્થીઓએ રી-ઇવેલ્યુએશન માગ્યું

6 જૂનની મધરાત સુધી અરજી કરી શકાશે, પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ પરિણામની માહિતી અપાશે


સીબીએસઇ (CBSE) દ્વારા આ વર્ષે અમલમાં મૂકાયેલી નવી ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉઠેલા સવાલો હવે આંકડાઓમાં પણ જોવા મળી રહ્યા છે. ધોરણ 12નાપરિણામ જાહેર થયા બાદ હજારો વિદ્યાર્થીઓએ પોતાના માર્ક્સ અંગે શંકા વ્યક્ત કરી છે અને ઉત્તરવહીની ફરી તપાસ તથા પુનઃમૂલ્યાંકન માટે મોટી સંખ્યામાં અરજી કરી છે.

સીબીએસઇના જણાવ્યા મુજબ બુધવારે બપોર સુધીમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓએ વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન માટે અરજી કરી હતી.

સીબીએસઇએ એક નિવેદનમાં જણાવ્યું કે પોર્ટલ પર 5મેના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં વેરિફિકેશન માટે 4,924 અને રી-ઇવેલ્યુએશન માટે 39,056 અરજી મળી છે. આમ કુલ 43,980 અરજીઓ નોંધાઈ છે.

બોર્ડે જણાવ્યું કે વિદ્યાર્થીઓ પોતાની અરજીની ફી ભરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને ઇન્ડિયન બેંકના પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરી શકે છે. સીબીએસઇએ સ્પષ્ટ કર્યું કે, વિદ્યાર્થીઓ પાસે આ બેંકોમાં ખાતું હોવું જરૂરી નથી. તેઓ કોઈપણ પેમેન્ટ ગેટવે મારફતે ચુકવણી કરી શકે છે.

રી-ઇવેલ્યુએશન અને વેરિફિકેશન માટેનું પોર્ટલ 2 જૂનના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે અગાઉ સીબીએસઇએ જણાવ્યું હતું કે ઉત્તરવહીની ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટેની અરજી પ્રક્રિયા 29 મે સુધી શરૂ થવાની હતી. પોર્ટલ શરૂ કરવામાં થયેલા વિલંબની વચ્ચે આ વર્ષે અમલમાં આવેલી નવી ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સીબીએસઇએ જણાવ્યું છે કે તમામ અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓને પરિણામ અંગેની માહિતી આપવામાં આવશે. બોર્ડે ઉમેદવારોને 6 જૂનની મધરાત સુધીમાં પોતાની અરજી સબમિટ કરવાની સલાહ આપી છે. વિદ્યાર્થીઓને પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરવામાં મદદ મળે તે માટે સીબીએસઇએ એક વિઝ્યુઅલ ગાઇડ અને ટ્યુટોરિયલ વીડિયો પણ અપલોડ કર્યો છે.

બોર્ડે વધુમાં જણાવ્યું કે સુરક્ષાના કારણોસર વિદ્યાર્થીઓ માટે આધાર આધારિત વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જોકે આધાર ચકાસણીને ફરજિયાત બનાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના અગાઉના એક ચુકાદા સાથે સુસંગત નથી તેવી ચર્ચા પણ ચાલી રહી છે. નવી મૂલ્યાંકન પદ્ધતિ અંગે ઉઠેલા પ્રશ્નો અને મોટી સંખ્યામાં મળેલી અરજીઓ દર્શાવે છે કે આ વર્ષે સીબીએસઇની મૂલ્યાંકન પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે ચર્ચાનો મુખ્ય વિષય બની છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vibes of India Gujarati