- ક્લાસ 12ના પરિણામોમાં ટેકનિકલ છબરડાં, અન્ય વિદ્યાર્થીની આન્સરશીટ મળતાં OSM સિસ્ટમ સવાલોમાં
- તેલંગાણા પરીક્ષા વિવાદમાં ઘેરાયેલી કંપની હવે સીબીએસઈના રડારમાં
- 98 લાખ આન્સરબુકના ડિજિટલ મૂલ્યાંકનમાં ભૂલો, 23 વિદ્યાર્થીઓને અન્ય ઉમેદવારની આન્સરશીટ મળતાં સીબીએસઈ સમિતિએ શરૂ કરી તપાસ
ગુજરાત સહિત દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે આ વર્ષે સીબીએસઈની ડિજિટલ મૂલ્યાંકન પ્રણાલી ચિંતાનો વિષય બની છે.
ક્લાસ 12ના પરિણામોમાં હજારો બ્લર સ્કેન, ખોટી આન્સરશીટ અપલોડ થવા અને ટેકનિકલ ગડબડીઓ સામે આવતા સીબીએસઈ હવે ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ સંભાળતી હૈદરાબાદની કંપની કોમ્પ્ટ એડ્યુટેક પ્રાઇવેટ લિમિટેડને દંડ કરવા વિચાર કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ જ કંપની અગાઉ તેલંગાણા પરીક્ષા કૌભાંડમાં પણ વિવાદોમાં આવી ચૂકી છે.
આ વર્ષે ક્લાસ 12 બોર્ડ મૂલ્યાંકન દરમિયાન હજારો બ્લર આન્સરબુક સ્કેન અને વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓની આન્સરશીટ અપલોડ થવાના બનાવો બન્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી સીબીએસઈએ 5,000 જેટલા બ્લર સ્કેન શોધ્યા છે અને 23 કેસ એવા સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓને અન્ય ઉમેદવારની આન્સરશીટની સ્કેન કોપી મળી હતી.
સીબીએસઈએ ક્લાસ 12ના પરિણામો માટે પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તેમાં 18 લાખથી વધુ વિદ્યાર્થીઓની 98 લાખથી વધુ આન્સરબુકનો સમાવેશ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે સીબીએસઈની સમિતિ હવે સ્કેનિંગમાં થયેલી ભૂલોનું મૂલ્યાંકન કરશે અને અસરગ્રસ્ત આન્સરબુકની સંખ્યાના આધારે દંડ નક્કી કરશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કંપનીની પસંદગી પર સવાલ ઉઠાવ્યા બાદ અધિકારીઓએ જણાવ્યું કે કોમ્પ્ટ તેલંગાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ મોટા પાયે ડિજિટલ મૂલ્યાંકન કાર્ય સંભાળે છે અને નાણાકીય રીતે સૌથી સસ્તી કંપની હતી.
પરંતુ કંપનીનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. વર્ષ 2019માં ગ્લોબરેના ટેક્નોલોજીઝ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી આ કંપની તેલંગાણા બોર્ડ પરીક્ષા ડેટા પ્રોસેસિંગ ગડબડ સાથે જોડાઈ હતી. તે સમયે લગભગ 9.74 લાખ વિદ્યાર્થીઓમાંથી 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ નિષ્ફળ જાહેર થયા હતા.
પરિણામ જાહેર થયા બાદ 18 વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો સામે આવ્યા હતા. ત્યારબાદ બીઆરએસ સરકારે કંપનીનો કરાર રદ કર્યો હતો. તેલંગાણા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ એન નારાયણાએ સવાલ કર્યો હતો કે હોશિયાર વિદ્યાર્થીઓને 5 કે 10 માર્ક્સ કેમ મળ્યા? ઘણા વિદ્યાર્થીઓને હાજર હોવા છતાં ગેરહાજર કેમ બતાવવામાં આવ્યા? એક વિદ્યાર્થીનીના તેલુગુ વિષયના માર્ક્સ રી-ઇવેલ્યુએશનમાં 0માંથી 99 સુધી કેવી રીતે પહોંચી ગયા?
TSBIEના પૂર્વ કમિશનર સૈયદ ઓમર જલીલે જણાવ્યું હતું કે ગ્લોબરેનાએ "અનટેસ્ટેડ અને અનસર્ટિફાઇડ સોફ્ટવેર"નો ઉપયોગ કર્યો હતો. પછી ગ્લોબરેના કંપનીએ કામગીરી તેની સહયોગી કંપની કોમ્પ્ટ એડ્યુટેકને સોંપી દીધી હતી.
વર્ષ 2010માં જવાહરલાલ નહેરુ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી-કાકીનાડાએ ગ્લોબરેના સામે 20 કરોડ રૂપિયાના કરારમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ નોંધાવ્યો હતો. એફઆઇઆરમાં કંપની પર નીચી ગુણવત્તાની સેવા અને સર્વિસ ટેક્સ ન ભરવાનો આરોપ મૂકાયો હતો. સીબીએસઈએ જૂન 2025માં તેની ગવર્નિંગ બોડી બેઠકમાં કોમ્પ્ટની OSM સિસ્ટમ મંજૂર કરી હતી. સભ્યોને કહેવામાં આવ્યું હતું કે ડિજિટલ મૂલ્યાંકનથી ભૂલો ઘટશે અને મૂલ્યાંકન વધુ મજબૂત બનશે.
પરંતુ બેઠકની નોંધ મુજબ, પહેલા પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ભલામણ કરવામાં આવી હતી. છતાં માત્ર પાંચ સ્કૂલોમાં ત્રણ દિવસની ડ્રાય રન બાદ સિસ્ટમ લાગુ કરી દેવાઈ. વિદ્યાર્થીઓએ તેમની સ્કેન કોપી મેળવ્યા બાદ બ્લર પેજ, ગુમ થયેલા પેજ અને ખોટી આન્સરશીટ મળવાની ફરિયાદો કરી હતી. રી-ઇવેલ્યુએશન માટેની પેમેન્ટ સિસ્ટમ પણ ક્રેશ થઈ ગઈ હતી.
સીબીએસઈના જણાવ્યા મુજબ આ વર્ષે 2.94 લાખ અરજીઓ દ્વારા 8.56 લાખ આન્સરબુક માટે રી-ચેકિંગ માંગવામાં આવ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીએ બમણાથી વધુ છે. અધિકારીઓએ જણાવ્યું કે કંપની સૌથી ઓછી બોલી લગાવનાર હતી. 40 પેજની આન્સરબુક માટે સ્કેનિંગ અને સોફ્ટવેર કામ માટે પ્રતિ કોપી 25 રૂપિયા ખર્ચ થયો હતો, જ્યારે બીજી કંપનીએ 60 રૂપિયાની ઓફર કરી હતી.

