- લઘુ ભારત એવું ભરૂચ બન્યું મચ્છરનગરી, મચ્છરોના આતંકમાં કણસતા ભૃગુવાસીઓ
- ભરૂચની પ્રજાને મચ્છરની મહામારીમાંથી ઉગારવા તંત્ર ક્યારે હાથ ધરશે મચ્છર મુક્ત ભરૂચ અભિયાન
Watch Gujarat. ભાઈ સાબ તમારા ભરૂચમાં તો બોહ મચ્છર... આ ઉદગારો ગુજરાતના અન્ય જિલ્લાના લોકોના છે જે ભરૂચ આવી, મચ્છરોની મહામારીથી કણસી ઉઠે છે.
ભરૂચને લઘુ ભારતનું બિરુદ મળ્યું છે, હાલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરોડોના વિકાસ કામોની એક જ દિવસે ભેટ આપી ગયા અને આ કાર્યક્રમમાં મંત્ર પણ ગુજયો કે ભાંગ્યું ભાંગ્યું નહિ પણ ભર્યું ભર્યું ભરૂચ.
પણ ભરૂચનું પાલિકા, આરોગ્ય તંત્રે ભરૂચને ગુજરાતમાં મચ્છરનગરીનું ઉપનામ અપાવી દીધું છે. હાલ આકરી ગરમી પડી રહી છે પણ મચ્છરોનો આતંક ઘટવાને બદલે ગંભીર રીતે વધી રહ્યો છે.
ભરૂચની પ્રજા તો મચ્છરોના ત્રાસ, અગરબત્તીઓ, મચ્છર મારવા અનેક નુસખાઓ અને રૂપિયાના ધુમાડાઓ કરવા છતાં મચ્છરની મહામારીમાંથી બહાર આવી શકતી નથી. ગુજરાતના બીજા કોઈપણ જિલ્લા, શહેર, મહાનગરો કે ગામોમાં પણ જેટલા મચ્છરો નથી એટલા ભરૂચ શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યાં છે.
ભરૂચ પાલિકા કે આરોગ્ય તંત્ર મચ્છરોના ઉપદ્રવને નાથવા કોઈ કામગીરી કરી રહી નહિ હોવાનો કરડતા મચ્છરો વચ્ચે પ્રજા કચવાટ અનુભવી રહી છે. મચ્છરોના નિયંત્રણ માટે ભરૂચમાં છેલ્લે ફોગીંગ કે અન્ય કોઈ કામગીરી ક્યારે કરાઈ તે પણ એક સવાલ છે. મચ્છર મુક્ત ભરૂચ અભિયાન ચલવી પાલિકા અને આરોગ્ય તંત્ર ભરૂચની પ્રજાને મચ્છરોના આતંકથી છુટકારો અપાવી ગુજરાતમાં ભરૂચની મચ્છરનગરીની છાપને ભાંગે તે અત્યંત જરૂરી બન્યું છે.
ભાઈ સાબ તમારા ભરૂચમાં તો બોહ મચ્છર.. આ શબ્દો છે ગુજરાતના અન્ય જિલ્લાના લોકોના

