Watch Gujarat. વડોદરા શહેર નજીક આવેલી વાઘોડીયા ચોકડી પાસે કારમાં સવાર એક વેપારી પર ગત તા. 26 જૂનના રોજ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતુ. આ ઘટનામાં વેપારીને એક ગોળી ખભાના ભાગે ગરભી ગઇ હતી. ગુનાની તપાસ કરી રહેલી વડોદરા જિલ્લા પોલીસે વિવિધ પાસાઓની તપાસ કરતા આખરે કોન્ટ્રાક્ટ કિલીંગનો મામલો સામે આવ્યો હતો. જેમાં છત્તીસગઢના દુર્ગ ખાતેથી ફાયરીંગ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યાં છે.

વાઘોડીયા ચોકડી પાસે આવેલા હનુમાનપુરા ગામની સીમમાં આવેલા પ્રાઇમ સીટીમાં રહેતા આશીષકુમાર મદનલાલ બાકોલીયા કપડાનો વેપાર કરે છે. તેઓ ગત તા. 26 જૂન, 2026ના રોજ રાત્રીના સમયે પોતાની દુકાન બંધ કરી કારમાં ઘરે જઇ રહ્યાં હતા. ત્યારે વાઘોડીયા ચોકડી પાસે બાઇક પર આવેલા હેલ્મેટધારી બે શખ્સોએ તેમની ઉપર ફાયરીંગ કર્યું હતુ. જેમાં એક ગોળી વેપારીના ખભાના ભાગે ગરભી ગઇ હતી.

આ મામલે વરણામા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં વડોદરા જિલ્લા પોલીસે દિવસ રાત એક કરી 2000 કરતા વધુ સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વલેન્સની તપાસ કરતા એક કેમેરામાં ફાયરીંગ કરનાર શખ્સો કેદ થયા હતા. જેની તપાસ કરતા બન્ને છત્તીસગઢના દુર્ગના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે ગુપ્ત રાહે દુર્ગ ખાતે ઓપરેશન હાથ ધર વેપારી ઉપર ફાયરીંગ કરનાર વિક્રમપ્રતાપ ગોપીચંદ્ર સિંઘ અને ગુનાહીત ઇતીહાસ ધરાવતા ગુરજીત ઉર્ફે ગુરમીતસિંહ ભટ્ઠીની ધરપકડ કરી છે. પોલીસે બન્ને પાસેથી એક પિસ્તોલ, 2 મેગેઝીન અને 10 કારતુસ જપ્ત કર્યા છે.

ફીજીની દયાલ સ્ટીલ કંપનીના માલિકે વેપારીની સોંપારી આપી
આશીષકુમાર બાકોલીયા અગાઉ ફીજી ખાતેની દયાલ સ્ટીલ કંપનીમાં ફાયનાન્સ મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેમની કંપનીમાં આરોપી વિક્રમપ્રતાપ સિંઘ પણ નોકરી કરતો હોવાથી બન્ને એક બીજાને સારી રીતે ઓળખતા હતા. આશીષ ભારત પરત આવી ગયો હોવાથી જુની અદાવત રાખી સ્ટીલ કંપનીના માલિક જય દયાલે તેને પતાવી દેવા વિક્રમને સોંપારી આપી 20 એપ્રિલ, 2026ના રોજ ભારત મોકલ્યો હતો. વિક્રમપ્રતાપ તેના વતન છત્તીસગઢના દુર્ગ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં તેને કુખ્યાત ગુરજીતસિંહ ગુરૂદયાલસિંહ ભટ્ઠીનો સંપર્ક કર્યો અને વેપારીને પતાવી દેવા માટે તેને રૂ. 50 હજાર આપવાનું નક્કી કર્યું હતુ.

વેપારીની રેકી કરવા માટે બન્ને આરોપીઓ 3 વખત વડોદરા આવ્યાં
વેપારી આશિષકુમારની દરેક હિલચાલ ઉપર નજર રાખવા માટે આરોપી વિક્રમપ્રતાપ અને ગુરજીતસિંહ જુન મહિનાની 12, 18 અને 25 તારીખે વડોદરા આવ્યાં હતા. રેકી કરવા માટે તેમણે ઝારખંડથી બાઇક ચોરી કરી અને ચાર દિવસનો બાઇક પર પ્રવાસ કરી વડોદરા પહોંચ્યાં હતા. રેકી કર્યા બાદ પરત છત્તીસગઢ જવા માટે રેલવે સ્ટેશન ઉપર બાઇક પાર્ક ટ્રેન મારફતે વતન પહોંચતા
ઘટનાને અંજામ આપતા પહેલા ધુરંધર ફિલ્મ જોઇ
કોન્ટ્રાક્ટ કિલીંગ કરવા માટે વિક્રમ તેના સાગરીત ગુરજીતસિંહ સાથે ગત તા. 25 જુન, 2026ના રોજ વડોદરા પહોંચ્યો હતો. જ્યાં તેને પરિવાર ચાર રસ્તા પાસે આવેલા પુજા કોમ્પલેક્ષના થીયેટરમાં એક ફિલ્મ જોઇ હતી. ત્યારબાદ ઘટનાને અંજામ આપતા પહેલા બન્નેએ તરસાલી સ્થિત બંસલ મોલ ખાતે ધુરંધર ફિલ્મ જોઇ ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતુ.
હથિયાર, બાઇક અને અન્ય ખર્ચ માટે ફીજીથી રૂપિયા આવતા
ઝડપાયેલા બન્ને આરોપીઓની પોલીસે પુછતાછ કરતા ફીજીના દયાલ સ્ટીલ કંપનીના માલિક જય દલાલે આશિષની હત્યા કરવા માટે વિક્રમને સોંપારી આપી ભારત મોકલ્યો હતો. વેપારીની હત્યા કરવા માટે બંદુક, બાઇક અને અન્ય જરૂરીયાત માટેની રકમ જય દલાલ પુરી પાજતો હોવાની હકીકત જણાવી હતી.
વિક્રમ ફીજી ભાગે એ પહેલાજ પોલીસે ઝડપી લીધો
વેપારીની હત્યા કરવા માટે ફીજીથી ભારત આવેલા વિક્રમપ્રતાપ સિંઘ તેના સાગરીત સાથે ઘટનાને અંજામ આપી બન્ને ટ્રેન મારફતે છત્તીસગઢ પહોંચી ગયા હતા. જ્યાં અગાઉથીજ વિક્રમે તા. 7 જુલાઇની ફીજી પરત જવા માટે ફ્લાઇટની ટિકિટ કઢાવી રાખી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
વિક્રમની પત્નીની બેન્ક ખાતામાં ફીજીથી રૂપિયા મોકલાતા
પોલીસે તપાસ કરતા વિક્રમની પત્નીની બેન્ક ખાતામાંથી રૂ 2,72,000ની રકમ મળી આવી હતી. જે અંગેની પુછતાછ કરતા ફીજીના જય દલાલના કોન્ટેક્ટથી આ રકમ મેળવી હોવાની હકીકત બહાર આવી હતી.
સ્ટીલ કંપનીના માલિક જય દયાલને ભારત લાવવા પ્રક્રિયા કરાશે
વેપારીની હત્યા કરવા માટે ફીજીની સ્ટીલ કંપનીના માલિકે તેના કર્મચારીને સોંપારી આપી હતી. જોકે આ સોંપારીની રકમ કેટલી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી કરી છે. આ સાથે ગુનાનો ભેદ ઉકેલાતા વેપારીની હત્યા કરવા માટે સોંપારી આપનાર ફીજીની સ્ટીલ કંપનીના માલિક જય દયાલને ભારત લાવી તેની સામે કાર્યવાહી કરવા કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.
વડોદરા: ફીજીની સ્ટીલ કંપનીના માલિકે આપી હતી સોંપારી, જાણો વાઘોડીયા ફાયરીંગનો સમગ્ર સમગ્ર મામલો

