Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બંગાળ ઈલેક્શન માટે BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર, રોજગાર-મહિલા સુરક્ષા પર રહેશે વિશેષ ફોકસ

બંગાળ ઈલેક્શન માટે BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર, રોજગાર-મહિલા સુરક્ષા પર રહેશે વિશેષ ફોકસ

BJP sankalp patra

શ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનું ચૂંટણીલક્ષી ઘોષણાપત્ર જાહેર કર્યું છે. કોલકાતામાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો 'સંકલ્પ પત્ર' લોન્ચ કર્યો હતો. આ વખતે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાને 'ભરોસા પત્ર' નામ આપ્યું છે, જેમાં "ભરોસે કા શપથ પ્રકાશ, ભય નહીં ભરોસા" ના નારા સાથે બંગાળની જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભાજપના આ સંકલ્પ પત્રમાં મુખ્યત્વે ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવી, મહિલાઓની સુરક્ષા અને રાજ્યના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પક્ષે બંગાળની જનતાને રોજગાર વધારવા, પલાયન અટકાવવા અને સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો લાવવાના મોટા વાયદાઓ કર્યા છે. આ ઉપરાંત, ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો આ ઘોષણાપત્રમાં સ્થાન પામી છે.

ઘોષણાપત્ર જાહેર કરતા અમિત શાહે મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 15 વર્ષમાં મમતા બેનર્જીએ બંગાળની જનતાને માત્ર નિરાશા જ આપી છે, પરંતુ હવે ભાજપ બંગાળમાં નવી આશા અને ભરોસો લાવશે. શાહે વધુમાં ઉમેર્યું કે, બંગાળની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના શાસનથી કંટાળી ગયા છે.

આજે અમિત શાહ પશ્ચિમ મેદિનીપુરમાં બે મોટી જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. બપોરે 3 વાગ્યે તેઓ ડેબરા ખાતે અને સાંજે 5 વાગ્યે ખડગપુર સદરમાં ચૂંટણી રેલીને સંબોધશે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં, 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ યોજાવાની છે, જ્યારે 4 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

BJP આ સંકલ્પ પત્રમાં સામેલ 4 મુખ્ય વાતો

મહિલાઓ અને સુરક્ષા પર વિશેષ ધ્યાન

ભાજપે મહિલા મતદારોને રીઝવવા માટે મોટું કાર્ડ ખેલ્યું છે. 'ભરોસા પત્ર' માં વચન આપવામાં આવ્યું છે કે જો ભાજપ સત્તા પર આવશે, તો મહિલા લાભાર્થીઓને દર મહિને 3,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદાકીય વ્યવસ્થા અને એન્ટી-રોમિયો સ્ક્વોડ જેવી પહેલની પણ ચર્ચા કરવામાં આવી છે.

ઘૂસણખોરી અને રાષ્ટ્રીય સુરક્ષા

અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું છે કે બંગાળમાં ગેરકાયદેસર ઘૂસણખોરી એક ગંભીર સમસ્યા છે. સંકલ્પ પત્રમાં વચન અપાયું છે કે ભાજપ સરકાર બનતાની સાથે જ સરહદો પર 'નેશનલ સિક્યુરિટી ગ્રિડ' મજબૂત કરવામાં આવશે, જેથી માણસો તો શું, પક્ષી પણ પરવાનગી વગર સરહદ પાર ન કરી શકે. ઘૂસણખોરી રોકીને સ્થાનિક નાગરિકોના હકોનું રક્ષણ કરવાની ખાતરી આપવામાં આવી છે.

ખેડૂતો અને યુવાનો માટે રોજગાર

ખેડૂતો માટે ભાજપે આર્થિક પેકેજ અને કૃષિ માળખાગત સુવિધાઓમાં સુધારાના વાયદા કર્યા છે. યુવાનો માટે રાજ્યમાં નવા ઔદ્યોગિક ઝોન સ્થાપવા અને આઈટી હબ વિકસાવવાની વાત કહેવામાં આવી છે જેથી બંગાળના પ્રતિભાશાળી યુવાનોએ રોજગારી માટે અન્ય રાજ્યોમાં પલાયન ન કરવું પડે. પક્ષે 'સોનાર બંગલા' (સુવર્ણ બંગાળ) ના વિઝન સાથે ઔદ્યોગિક પુનરુત્થાનની ખાતરી આપી છે.

ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને હેલ્થકેર

ભાજપે 'આયુષ્માન ભારત' યોજનાને પશ્ચિમ બંગાળમાં સંપૂર્ણપણે લાગુ કરવાનું વચન આપ્યું છે, જેનો લાભ અત્યાર સુધી બંગાળના લોકોને મળી રહ્યો ન હતો. સાથે જ, મમતા સરકારના શાસનમાં થયેલા કથિત ભરતી કૌભાંડો અને ભ્રષ્ટાચારની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાની અને દોષિતોને જેલ ભેગા કરવાની વાત પણ સંકલ્પ પત્રમાં મુખ્યત્વે મૂકવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati