અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આંદામાનમાં ચોમાસુ વહેલું બેસવાનું પૂર્વાનુમાન છે. સાનુકૂળ પરિબળોના કારણે 16 મે આંદામાનમાં ચોમાસું બેસવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. સામાન્ય રીતે આંદામાનમાં 18 મેના રોજ ચોમાસુ બેસતું હોય છે. આંદામાનમાં ચોમાસુ બેસી ગયા બાદ કેરળ તરફ આગળ વધતું હોય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે. આ વર્ષે દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા વહેલું બેસવાની શક્યતા છે.
રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા
ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. ચોમાસું મોડું શરૂ થવા અંગે હાલ કોઈ નકારાત્મક સમાચાર સામે નથી આવ્યા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 15 જૂને ચોમાસું બેસવાની જાહેરાત કરવામાં આવી છે. જો ચોમાસું વહેલું બેસશે તો લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પોતાના નિર્ધારિત સમય કરતા વહેલું આવી શકે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પોતાના નિર્ધારિત સમય કરતા વહેલું આવી શકે છે. મે મહિનાના અંત સુધીમાં જ દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત થઈ જશે અને લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી શકે છે.
આજે સુરેન્દ્રનગર અને કચ્છમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, અમરેલીમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આજે પણ અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે.
આજે કચ્છ અને સુરેંદ્રનગરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, પાટણ, વડોદરા, ગાંધીનગર, અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે પણ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો 41થી 45 ડિગ્રીની આસપાસ રહેશે.
- રાજયમાં હાલમાં ગરમીથી નહીં મળે કોઈ રાહત, ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી
આગામી 3 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં આકરી ગરમી પડશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
Author : gujarati.abplive.com

