Ahmedabad: ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં તાજેતરમાં થયેલા ધરખમ ફેરફારોના ભાગરૂપે હવે જિલ્લા કક્ષાએ નિમણૂકોનો દોર શરૂ થયો છે. રાજ્યના ડીજીપી (DGP) દ્વારા એકસાથે 500થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની બદલીના આદેશ બાદ, અમદાવાદ ગ્રામ્યમાં બદલી થઈને આવેલા 17 પીઆઇને આજે નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટે આ નિમણૂકોના સત્તાવાર આદેશ જારી કર્યા છે.
ખાલી પડેલા પોલીસ મથકોમાં કાયમી પોસ્ટિંગ
ડીજીપી દ્વારા કરવામાં આવેલી સામૂહિક બદલીઓમાં અમદાવાદ ગ્રામ્યના અનેક અનુભવી પીઆઇની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી હતી. આ બદલીઓને કારણે જિલ્લાના મહત્વના પોલીસ સ્ટેશનોમાં જગ્યાઓ ખાલી પડી હતી અથવા ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા ગાડું ગબડાવવામાં આવતું હતું. આ વહીવટી શૂન્યાવકાશને ભરવા માટે, એસ.પી. ઓમ પ્રકાશ જાટે અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા 17 પીઆઇને તાત્કાલિક અસરથી અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કર્યા છે. આ નિમણૂકથી ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.
અમદાવાદ શહેરમાં પણ નિમણૂકોની રાહ
અમદાવાદ ગ્રામ્યમાં નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં પણ આવા જ ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં શહેરના અનેક પોલીસ મથકો ઇન્ચાર્જ પીઆઇના હવાલે છે. અન્ય જિલ્લાઓ કે શહેરોમાંથી બદલી થઈને આવેલા અનેક પીઆઇ અત્યારે વેટિંગમાં છે અને નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં શહેર પોલીસ કમિશનર દ્વારા પણ ખાલી પડેલા પોલીસ સ્ટેશનોમાં નવા અધિકારીઓના પોસ્ટિંગના ઓર્ડર જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

