Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
100 મેડિકલ કોલેજને દર્દીઓ-સ્ટાફ સહિતના મુદ્દે NMCની નોટિસ

100 મેડિકલ કોલેજને દર્દીઓ-સ્ટાફ સહિતના મુદ્દે NMCની નોટિસ

નવગુજરાત સમય , અમદાવાદ

નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા તાજેતરમાં પૂરતાં દર્દીઓની સંખ્યા, સ્ટાફ સહિતના મુદ્દે રાજ્ય સહિત દેશની અંદાજે 100થી વધુ મેડિકલ કોલેજોને નોટિસ આપીને 45 દિવસમાં ક્ષતિઓની પૂર્તિ કરવા તાકીદ કરવામાં આવી છે. આમ, ન થાય તો આગામી વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સામે પ્રતિબંધ સહિતના પગલાંની ચીમકી પણ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

ધો.12 પછી મેડિકલમાં પ્રવેશ માટે આગામી દિવસોમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે જે તે કોલેજની મંજૂરી સમયે જે વ્યવસ્થાની બાંયેધરી આપવામાં આવી હતી તે પૂર્ણ કરવામાં આવી છે કે નહી તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. સૂત્રો કહે છે કે, નિયમ પ્રમાણે જે તે કોલેજને 150 બેઠકની મંજૂરી હોય તો તેની પાસે દરરોજ 800 દર્દીઓની ઓપીડી હોવી જરૂરી છે. આ ઉપરાંત જેટલી ઓપીડી હોય તેના 80 ટકા દર્દીઓ દાખલ થયેલા હોવા જરૂરી છે. એટલે કે 800ની દરરોજની ઓપીડી હોય તો તેની સામે 80 ટકા પ્રમાણે 480 દર્દીઓ જે તે હોસ્પિટલમાં દાખલ થયેલા હોવા જરૂરી છે.

આ સિવાય 150 બેઠકની મંજૂરીની સામે 204 વ્યકિત એટલે કે ડોક્ટરોનો સ્ટાફ હોવો જરૂરી છે. હાલની સ્થિતિ એવી છે કે, મેડિકલ કોલેજની મંજૂરી મળ્યા પછી અનેક કોલેજોમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન જ થતું નથી. કેટલીક કોલેજોમાં દરરોજની 800ની ઓપીડી પણ નથી અને તેની સામે 480 દર્દીઓ દાખલ થયેલા પણ હોતા નથી. આમ, કમીશન સમક્ષ પહોંચેલી ફરિયાદો અને રજૂઆતના આધારે તાજેતરમાં કેટલીક મેડિકલ કોલેજોને નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્યમાં જૂનાગઢ, જામનગર મેડિકલ કોલેજની સાથે કુલ ચારથી વધુ કોલેજોમાં પણ નિયમ પ્રમાણે દર્દીઓની સંખ્યા ખાસ કરીને ઓપીડીમાં અને દાખલ દર્દીઓની સંખ્યા જળવાતી ન હોવાના મુદ્દે નોટિસ આપવામાં આવી હતી. સૂત્રો કહે છે કે, નોટિસની સાથે આગામી 45 દિવસમાં કમિશન દ્વારા જે ક્ષતિઓ દર્શાવવામાં આવી છે તેની પૂર્તતા કરવા પણ તાકીદ કરવામાં આવી છે.મહત્વની વાત એ કે, ભૂતકાળમાં કેટલીક કોલેજો દ્વારા ભૂતિયા દર્દીઓ દર્શાવવામાં આવતાં હોવાની વિગતો પણ બહાર આવી હતી. આ ઉપરાંત દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ગોટાળા કરવામાં આવતાં હોવાની ફરિયાદો નેશનલ મેડિકલ કમિશન સુધી પહોંચી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay