નવગુજરાત સમય, પાલનપુર
યાત્રાધામ અંબાજી ખાતેના મંદિરે છેલ્લા ઘણાં સમયથી માર્બલની ચમક વાતાવરણની અસરથી ઓછી થઈ જતાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માર્બલ્સ ઘસાઈનું કામ શરૂ કરાયું છે.
શક્તિપીઠ અંબાજીને ગોલ્ડન ટેમ્પલ બનાવવામાં 140 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અંદાજે 61 ફૂટ સુધી મંદિર સોનાથી મઢવામાં આવ્યું છે તેમજ આગામી સમયમાં સમગ્ર મંદિરને સંપૂર્ણ સુવર્ણથી મઢવાનું આયોજન થઈ રહ્યું છે.
અંબાજી મંદિરનો આગળના ઘુમ્મટમાં અંબાજીના ખાણમાંથી નીકળતા માર્બલ્સનો ઉપયોગ થયેલો છે. છેલ્લા ઘણાં સમયથી વાતાવરણની અસરથી આ માર્બલની ચમક ઓછી થઈ જતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માર્બલ્સ ઘસાઈ કામ છેલ્લા ત્રણ મહિનાથી કરાવડાવી રહ્યું છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ રોજના 25થી 30 કારીગરો મંદિરના ટોચના ભાગથી મંદિરના ચાચરચોક સુધીના ભાગની ઘસાઈકામ કરી રહ્યા છે. બપોરના ગરમીના સમયે આ કારીગરો મંદિરના નીચેના ભાગે કાર્ય કરી રહ્યા છે. જેના લીધે અંબાજી મંદિર હવે ઘસાઈ કામના લીધે દૂર દૂરથી સફેદ રંગના લીધે ચમકતું જોવા મળે છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે.
ઘસાઈ બાદ પોલીશ કરાશે: વહીવટદાર
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં મંદિર ખાતે ઘસાઈ કામગીરી ચાલી રહી છે અને ત્યારબાદ મંદિર પર પોલિશ કામ કરવામાં આવશે, જેથી મંદિરની સુંદરતામાં વધારો થશે.

