Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AMCના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં સંચાલન-મેઈન્ટેનન્સમાં ધાંધિયા યથાવત્

AMCના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં સંચાલન-મેઈન્ટેનન્સમાં ધાંધિયા યથાવત્

સિદ્ધાર્થ આચાર્ય , અમદાવાદ

હેરનાં પૂર્વ વિસ્તારની અનેક ફેક્ટરીઓનાં ગેરકાયદે ગટર જોડાણો ઉપરાંત મ્યુનિ.નાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિયમાનુસાર સંચાલન નહિ કરીને ગટરનાં પાણી યોગ્ય રીતે ટ્રીટ કર્યા વગર નદીમાં છોડવાનાં કારણે સાબરમતી નદી પ્રદૂષિત નદી બની ગઈ હોવાની ગંભીર નોંધ હાઈકોર્ટે લીધી છે તેમ છતાં હજુ પણ મ્યુનિ.નાં કેટલાક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સમાં રીતસરનાં ધાંધિયા ચાલી રહ્યાં છે.

મ્યુનિ.નાં વિશ્વસનીય સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કરવાનું ગજુ મ્યુનિ.નાં વોટર એન્ડ સુઅરેજ વિભાગનું નથી અને ઈજનેર અધિકારીઓ આવી બધી જવાબદારી લેવાને બદલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) બનાવડાવીને તેનાં ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સનાં કોન્ટ્રાક્ટ અપાય છે. એટલું જ નહિ, STPનાં કોન્ટ્રાક્ટરો પણ રાજકીય વગ ધરાવતા હોવાથી ઈજનેર અધિકારીઓ ઘણી બધી બાબતે આંખ આડા કાન કરવા મજબૂર બનતા હોય છે.

STPનાં ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સનાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે ત્યારે અનેક પ્રકારની શરતો સાથે આપવામાં આવે છે. તેમાં ખાસ કરીને પ્લાન્ટમાં ગટરનાં પાણી ટ્રીટ કરીને નિયમ મુજબ BOD-COD તથા TSSનાં નિર્ધારિત લેવલ જાળવવાની શરત મહત્ત્વની હોય છે, ત્યારબાદ દરેક પ્લાન્ટમાં જુદા જુદા પ્રકારની લાયકાત ધરાવતાં કર્મચારીઓની નિમણૂક કરવાની શરત પણ હોય છે, પરંતુ કેટલાક STPમાંથી ગટરનાં પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવે છે. તેમાં BOD વગેરે ધારાધોરણ જળવાતા નથી તેવું રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એટલું જ નહિ, નિયમ મુજબનાં ધારાધોરણો નહિ જાળવવા બદલ STPનાં ઓપરેશન એન્ડ મેઈન્ટેનનાં કોન્ટ્રાક્ટ લેનારા કોન્ટ્રાક્ટરોને હેવી પેનલ્ટી પણ કરાતી નથી. તેવી જ રીતે ટેન્ડરની શરત મુજબ પ્લાન્ટ ઈન્ચાર્જ, મિકેનિકલ-ઈલેક્ટ્રિકલ એન્જિનિયર, ઈલેક્ટ્રિશિયન, પ્લાન્ટ ઓપરેટર, હેલ્પર, માળી અને સિક્યુરિટી જેવા જરૂરી કર્મચારીઓ પણ રાખવામાં આવતા નથી અને કર્મચારીઓનો વીમો લેવામાં પણ ધાંધિયા કરવામાં આવે છે.

મ્યુનિ.નાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ યોગ્ય રીતે તેમજ ટેન્ડરની શરતોનું પાલન થાય છે કે નહિ તે જોવાની જવાબદારી વોટર અને ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના STP ખાતાની છે અને નિયમિત રીતે જુદા જુદા પ્લાન્ટની મુલાકાત લેવાની સાથે ગટરનાં ગંદા પાણીનાં ટ્રીટમેન્ટ બરોબર થાય છે કે નહિ તે પણ ચકાસવાનું હોય છે, પરંતુ STP ખાતાનાં અધિકારી પણ વગ ધરાવતાં કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડરની શરતોનું પાલન કરાવવામાં અને પેનલ્ટી કરવામાં ઉણા ઉતરી રહ્યાં છે.

ટ્રીટ પાણીનાં સેમ્પલ પણ રેન્ડમ લેવાય છે! કોનો રિપોર્ટ સાચો?

મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, વાસણા ખાતેનાં ૧૨૬ MLDનાં STPમાંથી ટ્રીટેડ વોટરમાં BOD-COD-TSSનાં લેવલ જાળવવા માટે મ્યુનિ.ની સેન્ટ્રલ લેબોરેટરીમાં રેન્ડમ રીતે રિપોર્ટ કરવા જણાવાયું છે, આ ઉપરાંત ટેન્ડર શરતમાં કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની લેબ બનાવી તેમાં તેમણે જાતે રિપોર્ટ તૈયાર કરી રજૂ કરવાનો હોય છે. તેથી ઘણીવાર સેન્ટ્રલ લેબોરેટરીનો રિપોર્ટ તથા કોન્ટ્રાક્ટરની લેબનો રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલાં પેરામીટરમાં ફેરફાર જોવા મળે છે. સેન્ટ્રલ લેબનાં રિપોર્ટ સાથે ટેન્ડર શરત મુજબ જાળવવાનાં થતાં લેવલની સરખામણી કરવામાં આવતાં તેમાં ઘણી વિસંગતતા જણાઈ આવી છે. આ સિવાય ટેન્ડરની શરત અનુસાર, GPCB દ્વારા મંજૂર થર્ડ પાર્ટી લેબોરેટરીમાં ટ્રીટેડ વોટરનાં ટેસ્ટીંગ કરાવવાનાં થાય છે તે પણ થાય છે કે કેમ તે તપાસનો વિષય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay