નવગુજરાત સમય , અમદાવાદ
શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં સમાવાયેલાં બોપલ, ઘુમા, હેબતપુર વગેરે વિકસી રહેલાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાની ગંભીર સમસ્યાનાં ઉકેલ માટે મ્યુનિ.શાસક ભાજપે ૫૭ કરોડનાં બે પ્રોજેક્ટ અમલમાં મુકવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડ્યો ત્યારે બોપલ, ઘુમા, શેલા, હેબતપુર સહિતનાં વિસ્તારોમાં રોડ ઉપર અને સોસાયટીઓમાં કેડસમાણા વરસાદી પાણી ભરાઇ ગયાં હતા અને લોકોને ઘર ખાલી કરી બીજે રહેવા જવાની ફરજ પડી હતી તેમજ માલમિલકતને ખાસુ નુકશાન થયું હતું.
બોપલ-ઘુમામાં જળબંબાકારનાં દ્રશ્યોએ દેશભરમાં ચકચાર મચાવી હતી, બીજી બાજુ આ વિસ્તારના નાગરિકો મ્યુનિ. સત્તાધીશો ઉપર સખત રોષે ભરાયા હતા. જેને ઠારવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારનાં સાંસદ અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને મેદાનમાં ઉતરવુ પડ્યું હતું.
અમિતભાઇ શાહે આ વિસ્તારોનાં નાગરિકોને વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી અને મ્યુનિ.સત્તાધીશોને આવતાં ચોમાસા પહેલાં જે કંઇ કરવુ પડે તે કરવાની તાકીદ કરી હતી તેવુ સ્વીકારતાં મ્યુનિ. વોટર કમિટીનાં ચેરમેન ધરમશીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇની સૂચના બાદ આ બધા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યાના ઉકેલ માટે આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેના ભાગરૂપે ડ્રેનેજ પ્રોજેક્ટ ખાતા દ્વારા દરખાસ્ત તૈયાર કરી કમિટી સમક્ષ લાવવામાં આવી હતી. જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનનાં બોપલ-ઘુમા વિસ્તારમાં ૩૦૦ એમ.એમથી લઇને ૨૪૦૦ એમ.એમની મોટી સ્ટોર્મ વોટર લાઇનનુ નેટવર્ક નાખવાની સાથે ઘુમા ગામ તળાવ, ઘુમા-૧ તળાવ અને રત્ના તળાવ સુધી સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવશે અને તેમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે.
એટલુ જ નહીં રત્ના તળાવ અને ઘુમા તળાવ ઓવરફ્લો થાય તો વરસાદી પાણીનો નિકાલ કરવા માટે બોપલ તળાવ પાસે અને રત્ના તળાવ પાસે પંપીગ સ્ટેશન બનાવી તેનો નિકાલ ગોતા ગોધાવી કેનાલમાં કરવામાં આવશે.આ પ્રોજેક્ટ માટે ૩૨.૦૭ કરોડનુ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યુ છે.
તેવી જ રીતે ઉત્તર પશ્ચિમ ઝોનમાં સમાવાયેલાં બોપલ-ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીનાં નિકાલ માટે બોપલ-ઘુમા વિસ્તારમાં પણ સ્ટોર્મ વોટર લાઇન નેટવર્કની કામગીરી ઉપરાંત રાજથાળ, ચેબલી, સૂર્યાશ્રીજી અને બોપલ તળાવને ઇન્ટરલીંક કરવામાં આવશે. આ વિસ્તારમા પણ ૨૪૦૦ એમએમની મોટી સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવશે. આ વિસ્તારનાં વરસાદી પાણીને પણ તળાવ અને ગોતા ગોધાવી કેનાલમાં નિકાલ કરવામાં આવશે, આ બન્ને પ્રોજેક્ટ પૂરો થયા બાદ બોપલ-ઘુમાનાં નાગરિકોને વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યામાંથી છુટકારો મળશે તેમ વોટર કમિટી ચેરમેન ધરમશી દેસાઇએ જણાવ્યું હતું.
હેબતપુરમાં વરસાદી પાણીનુ પંપીગ સ્ટેશન બનાવાશે
વોટર કમિટી ચેરમેન ધરમશી દેસાઇએ વધુ માહિતી આપતાં કહ્યું કે, ઉ.પશ્ચિમ ઝોનમાં હેબતપુર વિસ્તારમાં પાંચ તળાવ આવેલાં છે, જેમાં વરસાદી પાણીનાં નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ સમયે આ તળાવો ઓવરફ્લો ના થાય તે માટે ૮.૫૯ કરોડનાં ખર્ચે સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશન અને રાઇઝીંગ લાઇનનો પ્રોજેક્ટ હાથ ધરાશે. પંપીગ સ્ટેશન થકી વરસાદી પાણીનો ગોતા ગોધાવી કેનાલમાં નિકાલ કરવામાં આવશે.

