- સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યમાં તેના અમલની તૈયારીઓ શરૂઃ ડીલરો પણ 10 દિવસ સુધી વેચી શકશે
- અનેક લોકોએ BS-4 વાહનો ખરીદ્યા બાદ લોકડાઉન આવી જતાં રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હતું
નવગુજરાત સમય > અમદાવાદ
રાજ્યમાં ૩૧ માર્ચ સુધી BS-4 વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવનાર હતું.
પરંતુ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિના પગલે જે વાહનચાલકોએ BS-4 વાહન ખરીદી લીધા હશે પરંતુ તેનું રજિસ્ટ્રેશન બાકી હશે તેમને ૩૧ માર્ચ પછી પણ રજિસ્ટ્રેશનની મંજૂરી અપાશે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ તેનો અમલ કરાશે. આ ઉપરાંત લોકડાઉન ખુલ્યા બાદ ૧૦ દિવસ સુધી ડીલરો BS-4 વાહનોનું વેચાણ કરી શકશે તેવું પણ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હોઈ ડીલરોને પણ રાહત થઈ છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં BS-4 વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશન માટે ૩૧ માર્ચ, ૨૦૨૦ની છેલ્લી મુદ્દત અપાઈ હતી. આ મુદ્દત બાદ દેશમાં કોઈપણ BS-4 વાહનનું વેચાણ કે રજિસ્ટ્રેશન નહીં થાય તેમ સ્પષ્ટ જણાવાયું હતું. જેના પગલે ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પણ પરિપત્ર કરી રાજ્યમાં ૩૧ માર્ચ સુધી જ BS-4 વાહનોના વેચાણની મંજૂરી અપાઈ હતી અને રજિસ્ટ્રેશન આ સમયગાળા દરમિયાન જ કરી લેવા તાકીદ કરવામાં આવી હતી.
જોકે, સમગ્ર દેશ કોરોના વાયરસના ભરડામાં આવી જતાં લોકડાઉનની સ્થિતિ ઉદભવી હતી અને હાલમાં સમગ્ર દેશ લોકડાઉન છે ત્યારે BS-4 વાહનોને લઈને ભારે મુંઝવણ હતી. જેને લઈને ડીલરો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને મુદ્દત વધારવામાં આવે તે માટે જણાવાયું હતું. જેના પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સથી આ કેસની સુનાવણી કરવામાં આવી હતી અને ચુકાદામાં છૂટછાટ આપવામાં આવી હતી. જેનો અમલ આગામી દિવસોમાં ગુજરાતમાં થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
દેશમાં ૩૧ માર્ચ સુધી BS-4 વાહનોના વેચાણની છુટ હતી. જોકે, લોકડાઉનની સ્થિતિના પગલે તેમાં સામાન્ય છુટ અપાઈ છે. જે મુજબ લોકડાઉન પૂર્ણ થયા બાદ ડીલરો પોતાની પાસે રહેલા BS-4ના સ્ટોકમાંથી ૧૦ ટકા જેટલા વાહનો ૧૦ દિવસમાં વેચી શકશે તેવી છુટ અપાઈ છે. આ ઉપરાંત જે BS-4 વાહનો લોકોએ ખરીદી લીધા છે અને લોકડાઉનની સ્થિતિના પગલે વાહનોનું નિયત સમયમાં રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી તેઓ ૩૧ માર્ચ પછી પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
દેશમાં 8.35 લાખ BS-4 વાહનોનું વેચાણ બાકી
હાલમાં સમગ્ર દેશમાં ખૂબ જ મોટી સંખ્યામાં BS-4 વાહનોનું વેચાણ બાકી હોવાનું જાણવા મળે છે. જેમાં સૌથી વધુ ૭ લાખ જેટલા ટુ- વ્હીલરનું વેચાણ થયું નથી. આ ઉપરાંત ૧૫ હજાર પેસેન્જર કાર, ૧૨ હજાર કોમર્શિયલ વાહન મળી કુલ ૮.૩૫ લાખ યુનિટ વેચાયા વગરના બાકી પડ્યા છે. લોકડાઉન બાદ ડીલરોને ૧૦ દિવસનો સમય વાહનો વેચવા માટે મળશે જેમાં તેઓ વિવિધ લોભામણી સ્કીમો રજૂ કરી વાહનો વેચવાનો પ્રયાસ કરશે.
