મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભિવંડીના દિવે-અંજુર ગામ નજીક NH-3 (નાશિક હાઇવે) ઉપર 100 મીટર લાંબો અને 1,405 મેટ્રિક ટન વજન ધરાવતો વિશાળ સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં પૂર્ણ કરવામાં આવેલો આ પ્રથમ સ્ટીલ બ્રિજ છે.
તમિલનાડુથી મહારાષ્ટ્ર: 'મેક ઇન ઇન્ડિયા'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ
આ બ્રિજની મુખ્ય વિશેષતા એ છે કે તેનું નિર્માણ લોન્ચિંગ સ્થળથી અંદાજે 1,300 કિલોમીટર દૂર તમિલનાડુના ત્રિચી ખાતે આવેલી વર્કશોપમાં કરવામાં આવ્યું હતું.
તૈયાર સ્ટીલ માળખાને ટ્રેલર્સ દ્વારા મહારાષ્ટ્ર લાવવામાં આવ્યું અને સાઇટ પર તેનું એસેમ્બલી કરીને સ્થાપન કરાયું.
બ્રિજના નિર્માણમાં ડિઝાઇન, ડ્રોઇંગ અને નિર્ધારિત ધોરણો અનુસાર ચોકસાઈપૂર્વક કટિંગ, ડ્રિલિંગ, વેલ્ડિંગ અને પેઇન્ટિંગનું કાર્ય કરવામાં આવ્યું છે.
સ્ટીલની દરેક પ્રોડક્શન બેચનું અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ (UT) કરવામાં આવ્યું હતું અને વેલ્ડર તથા સુપરવાઇઝર્સને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા પ્રમાણિત કરાયા છે.
હાઇ-સ્પીડ રેલ માટે ચોકસાઈપૂર્ણ એન્જિનિયરિંગ
સાઇટ પર આ 100 મીટર લાંબા બ્રિજને જમીનથી લગભગ 17.5 મીટરની ઊંચાઈએ કામચલાઉ ટ્રેસ્ટલ્સ પર 22 સ્કિડ એરેન્જમેન્ટ અને 54,076 Tor-Shear Type High Strength Bolts (TTHSB)ની મદદથી એસેમ્બલ કરવામાં આવ્યો.
બ્રિજની ટકાઉ ક્ષમતા અને વાઇબ્રેશન કંટ્રોલને મજબૂત કરવા C5 પ્રોટેક્ટિવ પેઇન્ટિંગ સિસ્ટમ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સની જોગવાઈ કરાઈ છે.
એસેમ્બલી પૂર્ણ થયા બાદ બે હોલો જેક્સ (દરેકની ક્ષમતા 150 મેટ્રિક ટન) અને પ્રી-ટેન્શન કરાયેલા Macalloy Barsની મદદથી ઓટોમેટિક મિકેનિઝમ દ્વારા બ્રિજને નિર્ધારિત સ્થાન પર ખસેડવામાં આવ્યો.
હાઇવે પરના વાહનવ્યવહારને ન્યૂનતમ અસુવિધા થાય તે માટે આ કામગીરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાત્રિના ટ્રાફિક બ્લોક દરમિયાન અત્યંત સાવચેતીપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
વિશેષતા
બ્રિજની લંબાઈ: 100 મીટર
મુખ્ય બ્રિજનું વજન: 1,405 મેટ્રિક ટન
બ્રિજની ઊંચાઈ: 14 મીટર
બ્રિજની પહોળાઈ: 14 મીટર
નોંધનીય છે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 28 સ્ટીલ બ્રિજ પ્રસ્તાવિત છે, જેમાંથી અત્યાર સુધીમાં 16 સ્ટીલ બ્રિજનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે.

