નવગુજરાત સમય, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના રાજકારણના સ્તંભ અને આદિવાસી સમાજના મસિહા ગણાતા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ છોટુભાઈ રાઠવાનું આજે વહેલી સવારે 82 વર્ષની ઉંમરે ઉમરવા ખાતેના નિવાસસ્થાને દુઃખદ નિધન થયું છે. તેમના અવસાનથી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પાવી જેતપુરના ઉમરવાના વતની મોહનસિંહ રાઠવાએ છોટાઉદેપુર અને પાવીજેતપુર વિસ્તારમાંથી કુલ 11 ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી હતી.
લગભગ 55 વર્ષ સુધી તેઓ સક્રિય રાજકારણમાં રહીને પ્રજાની વચ્ચે રહ્યા. પૂર્વ વનમંત્રી તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી હતી. શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ખ્યાતિ મેળવનાર મોહનસિંહ રાઠવાએ આદિવાસી અસ્મિતા, સ્વાભિમાન, શિક્ષણ અને હક્કોની લડતને જ પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું હતું. તેઓ માત્ર નેતા નહોતા, પરંતુ લાખો લોકો માટે આશા અને પ્રેરણાના પ્રતીક હતા.તેમના નિધનના સમાચારથી આદિવાસી પટ્ટામાં શોકની ગાઢ છાયા પ્રસરી ગઈ છે. જિલ્લાના નેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને સામાન્ય નાગરિકોએ ભારે હૈયે અને ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
સ્વ. મોહનસિંહ રાઠવાની અંતિમયાત્રા આજે સાંજે ચાર વાગ્યે પાવીજેતપુર ખાતેથી નીકળી હતી. પાવીજેતપુર સ્મશાન ખાતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ વિદાય આપવા સમાજના અગ્રણીઓ, અનુયાયીઓ અને વિવિધ ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોહનસિંહ રાઠવાના નિધનથી માત્ર એક વ્યક્તિનો અંત નથી આવ્યો, પરંતુ આદિવાસી ચેતનાના એક ઉજ્જવળ યુગનો અધ્યાય પૂર્ણ થયો છે. તેમનું સંઘર્ષ અને સમાજસેવાનું યોગદાન આવનારી પેઢીઓ માટે સદાય પ્રેરણાસ્ત્રોત બની રહેશે.વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોહનસિંહ રાઠવાએ મોટો રાજકીય નિર્ણય લીધો હતો. તે કોંગ્રેસનો સાથ છોડીને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પક્ષ પલટા બાદ ભાજપ દ્વારા તેમના પરિવાર પર ભરોસો મૂકીને તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી હતી.
તેમના એક પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાએ પિતાના પગલે ચાલીને તેઓ ચૂંટણી લડ્યા અને હાલમાં છોટા ઉદેપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય (MLA) તરીકે કાર્યરત છે. જ્યારે અન્ય પુત્ર રણજીત રાઠવાના પણ સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવે છે અને તેઓ હાલ બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

