નવગુજરાત સમય , અમદાવાદ
રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થઇ રહ્યો છે જો કે, હજુ જોઇએ તેટલો સિઝનનો વરસાદ થયો નથી. બીજી તરફ અમદાવાદમાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ નોંધાયું છે અને વરસાદ થયો નથી જેથી ગરમી અને અસહ્ય બફારાથી લોકો બેહાલ બન્યા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા રાજ્યના હવામાન અંગે આગામી ૭ દિવસનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ અને તેને અડીને આવેલા ઝારખંડ તથા ઉત્તરી ઓડિશા પર લો-પ્રેશર એરિયા સક્રિય છે, જે આગામી ૨૪ કલાકમાં ક્રમશઃ નબળું પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ યથાવત છે, જેના કારણે હાલ લોઅર લેવલ પર દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની વકી છે. જ્યારે અન્યત્ર હળવા ઝાપટાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી (યલો એલર્ટ) આપવામાં આવી છે. ખાસ કરીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 18 જુલાઇના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ (વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ) તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ (સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ) અને દીવમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે આગામી ૭ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ (બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર)માં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ૧૮ જુલાઈની સવાર સુધી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું હવામાન રહેશે.
12 તાલુકામાં એક ઈંચથી વધુ સાથે કુલ 78 તાલુકામાં વરસાદ
સુરત, આણંદઃ થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે ત્યારે ધીમી ધારે હેત વરસાવી રહ્યાં છે. દક્ષિણ-મધ્ય ગુજરાત, ચરોતર અને સૌરાષ્ટ્રમાં શુક્રવારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં કપરાડામાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના કામરેજમાં 2.13 ઈંચ, નવસારીના ખેરગામમાં 2.05 ઈંચ, આણંદના સોજીત્રામાં 1.89 ઈંચ, પેટલાદમાં 1.77 ઈંચ, વલસાડના નાનાપૌંઢામાં 1.46 ઈંચ, ભાવનગરમાં અને સુરતના પલસાણામાં 1.42 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 તાલુકામાં એક ઈંચથી વધુ સાથે કુલ 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, ચરોતર અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 3.35 ઈંચ નોંધાયો છે. જ્યારે ધરમપુરમાં 1.02 ઈંચ, ભરૂચના વાલિયામાં 0.98 ઈંચ, સુરતના બારડોલીમાં 0.98 ઈંચ, ડાંગના વઘઈમાં 0.94 ઈંચ પારડીમાં 0.79 ઈંચ, નર્મદાના સાગબારામાં 0.75 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, ભરૂચમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયો છે.
ચરોતરમાં આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આણંદના સોજીત્રામાં 1.89 ઈંચ અને પેટલાદમાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડાના માતરમાં 0.71 ઈંચ વરસાદ નોંધાયો છે. નડિયાદ, વસો, ખેડા શહેરમાં ઝાપટાં નોંધાયો છે. રાત્રે આણંદ શહેરમાં પણ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વાવેતર પર કાચા સોના જેવો વરસાદ પડી રહ્યો છે. તો કચ્છ અને જામનગર જિલ્લામાં કેટલાક તાલુકામાં પ્રથમ વખત વરસાદથી ખેડૂતોમાં આશા જન્મી છે.

