નવગુજરાત સમય , અમદાવાદ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રદૂષિત પાણી અને વાસી-ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનાં બેફામ વેચાણને પગલે દક્ષિણ ઝોનમાં ઝાડા-ઊલટી સહિતનાં રોગચાળામાં ઉછાળાને જોઇ કમિશનરે સખત નારાજગી વ્યકત કર્યા બાદ દક્ષિણ ઝોનનાં જુદા જુદા વિભાગો એક સાથે કામે લાગ્યા હતા અને પાણીપૂરીની લારીઓ, જ્યુસ-સિકંજીની લારીઓ વગેરે ઉપાડી લીધા હતા.
ઉનાળાની આકરી ગરમીનાં કારણે શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં પોલ્યુશન તથા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનાં કારણે ઝાડાઉલ્ટી, કમળો, ટાઇફોઇડ તથા કોલેરા જેવા રોગચાળાનાં કેસ નોંધાતા રહે છે, પરંતુ દક્ષિણ ઝોનનાં બહેરામપુરા, દાણીલીમડા, લાંભા વગેરે વોર્ડમાં તો આ પ્રકારનાં ખાણીપીણીજન્ય રોગચાળામાં કોઇ ખાસ ઘટાડો જોવા મળતો નથી. મ્યુનિ.કમિશનરે સમીક્ષા બેઠકમાં ખાણીપીણીજન્ય રોગચાળાનાં આંકડા જોઇ સખત નારાજગી વ્યકત કરતાં દક્ષિણ ઝોનનાં ડે.કમિશનરે પણ તેમનાં હાથ નીચેનાં અધિકારીઓને ખખડાવ્યા હતા અને તમામને સંયુક્ત ડ્રાઇવ ચલાવવા તાકીદ કરી હતી. તેના પગલે દક્ષિણ ઝોનનાં હેલ્થ, સોલીડ વેસ્ટ અને એસ્ટેટ દબાણ ખાતાની ટીમોએ લાંભા તથા બહેરામપુરા વોર્ડમાં પાણીપૂરીની લારીઓ, જ્યુસ-સિકંજીની લારીઓ ઉપર તવાઇ બોલાવી હતી. હેલ્થ ખાતાની ટીમોએ ખાણીપીણીની લારીઓમાંથી બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરાવ્યો હતો, જ્યારે સોલીડ વેસ્ટ ખાતાએ સ્વચ્છતાનાં નિયમોનાં ભંગ બદલ નોટિસ ફટકારી દંડ વસુલવાની કાર્યવાહી કરી હતી.
બર્ડ હિટ અટકાવવા ફીશ-મટન માર્કેટ ઉપર તવાઇ
એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટીમાં નક્કી થયાં મુજબ, અસારવા તરફથી લેન્ડિંગ કરતાં પ્લેનને બર્ડ હિટથી બચાવવા માટે અસારવા હોળી ચકલા, ચમનપુરા ચાર રસ્તા અને ચામુંડા બ્રિજ નીચેનાં ફીશ માર્કેટ તથા મટન-ચીકન માર્કેટમાં મધ્ય ઝોન એસ્ટેટ ખાતાએ દબાણ હટાવ ઝુંબેશ આદરી લારી, કાઉન્ટર અન્ય પરચૂરણ સામાન જપ્ત કરી લીધો હતો અને ધંધાર્થીઓને ખુલ્લામાં ફીશ-મટન-ચીકન વેસ્ટ નહિ નાખવાની તાકીદ કરી હતી.

