એજન્સી, બેંગલુરુ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમારે કર્ણાટકના મુખ્યમંત્રીપદના શપથ લઈને રાજ્ય સરકારનું નેતૃત્વ સંભાળી લીધું છે. સાથે જ, ડૉ. જી. પરમેશ્વરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત, અન્ય 12 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. ડી.કે. શિવકુમારની સાથે શપથ લેનારા નેતાઓમાં સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયા અને મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેનો પણ સમાવેશ થાય છે.
બંનેએ ડી.કે. શિવકુમારની કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે.
બેંગલુરુ સ્થિત લોક ભવનના ગ્લાસ હાઉસમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે બંને મુખ્યમંત્રીની સાથે મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી પદના શપથ સાથે ડી.કે. શિવકુમારનું વર્ષો જૂનું રાજકીય સ્વપ્ન પૂરું થયું છે. આઠ વાર ધારાસભ્ય રહી ચૂકેલા શિવકુમાર લાંબા સમયથી રાજ્યની સર્વોચ્ચ ખુરશી સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ હતા.
કર્ણાટકના રાજકારણમાં શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે નેતૃત્વને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. આ પ્રકરણનો અંત ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડની સૂચના પર સિદ્ધારમૈયાએ 28 મેના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું.
સિદ્ધારમૈયાએ પદ છોડ્યા બાદ મુખ્યમંત્રી પદનો રસ્તો સાફ થઈ ગયો અને કોંગ્રેસના 'સંકટમોચક' મનાતા ડી.કે. શિવકુમારને રાજ્યનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસ હવે કર્ણાટકમાં નવા રાજકીય અધ્યાયની શરૂઆત કરી રહી છે.

