Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દિવાળીની પાર્ટી માટે મગાવેલો દારૂ નિરમા યુનિ.પાસેથી ઝડપાયો

દિવાળીની પાર્ટી માટે મગાવેલો દારૂ નિરમા યુનિ.પાસેથી ઝડપાયો

નવગુજરાત સમય , અમદાવાદ

અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન દારૂની પાર્ટી કરવા માટે મગાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થા સાથે સોલા પોલીસે એસ.જી. હાઈવે પરથી એક શખ્સને ઝડપી લીધો છે. નિરમા યુનિવર્સિટી સામે ખોટી નંબર પ્લેટ લગાવેલી સફેદ ક્રેટા કારમાંથી વિદેશી દારૂ અને બિયરની 1800 બોટલો મળી આવી હતી. પોલીસે 4.52 લાખના દારૂ સહિત કાર અને મોબાઇલ ફોન મળી કુલ 10.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સોલા પોલીસના પીઆઈ કે.એન.ભૂકણ અને પીએસઆઈ એસ.જે. દેસાઈને મળેલી બાતમીને આધારે રાત્રે એક વાગ્યે વૈષ્ણોદેવી બ્રિજ ઉતરતા નિરમા યુનિવર્સિટી સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ક્રેટા કારને રોકી તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 1800 બોટલ મળી આવી હતી. કારમાં ખોટી નંબર પ્લેટ પણ લગાવાઈ હતી.

પોલીસે કારચાલક ચેતન માળી (ઉં.વ. 44, રહે. ડીસા)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં દારૂનો જથ્થો રાણીપના જીતુ રાવળ ઉર્ફે જયઅંબેના કહેવાથી શામળાજી બોર્ડરથી લવાયો હોવાનું કબૂલ્યું હતું. આ દારૂનો જથ્થો ગુલબાઈ ટેકરા ખાતે રહેતી સોનલ નામની વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે દારૂ મગાવનાર અને મેળવનાર સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં દિવાળી દરમિયાન દારૂ-જુગાર અને અન્ય નશીલા પદાર્થોનો વેપલો કે હેરાફેરી થાય નહીં તેની તકેદારી માટે ખાસ સૂચના આપી છે અને પોલીસે સઘન પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay