એજન્સી, નાગોયા
સેમિફાઇનલમાં શ્રીલંકાને આસાનથી કચડી નાખીને ફાઇનલમાં પ્રવેશેલી ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમીને એશિયન ગેમ્સ ક્રિકેટ ઇવેન્ટની ફાઇનલમાં રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની માફખ આ ફાઇનલ પણ રોમાંચક બને તેવી સંભાવના છે. ભારતીય સમય મુજબ શનિવારે સવારે 10.30 કલાકે ફાઇનલનો પ્રારંભ થશે.
વર્લ્ડ ચેમ્પિયન ભારત તેના સૌથી મોટા ટી20 સ્ટાર્સના કાફલા સાથે આ મેચમાં રમનારું છે. એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ સ્પર્ધાની સૌથી રાજકીય રીતે ચર્ચાસ્પદ બનેલી ફાઇનલ મેચમાં હશે જેમાં ભારતીય ટીમ પાકિસ્તાનને મેદાન પર અને મેદાન બહાર સખત સંદેશ આપવા આતુર હશે.
22 યાર્ડની પિચ પર કે તેની બહાર સહેજ પણ છૂટછાટ આપવામાં આવશે નહીં. ગયા વર્ષે એશિયા કપ દરમિયાન શરૂ થયેલા ટ્રેન્ડની જેમ અહીં પણ ખેલાડીઓ હાથ મિલાવે તેની શક્યતા નહિવત છે. જ્યારે બીજી તરફ વોલીબોલ, ટેબલ ટેનિસ કે હોકીના ખેલાડીઓએ પોતાની મેચો પૂરી થયા પછી એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા અને ભેટી પડ્યા હતા.એવું બહુ ઓછું બને છે કે માત્ર બે મેચ જીતીને કોઈ ટીમ ગોલ્ડ મેડલ જીતી જાય પરંતુ સતત વરસાદને કારણે ભારત અને પાકિસ્તાન બંને પોતાની સંબંધિત સેમિફાઇનલમાં આસાનીથી જીત મેળવીને ફાઇનલમાં પહોંચ્યા હતા.
કામચલાઉ હેડ કોચ વીવીએસ લક્ષ્મણ અને નવા ટી20 કેપ્ટન શ્રેયસ માટે સાહિબઝાદા ફરહાનની આગેવાની હેઠળની બીજી હરોળની પાકિસ્તાની ટીમ સામેની આ ફાઇનલ મેચ આસાન મનાય છે. જોકે તેમાં ય સહેજ પણ પગ લપસ્યો તો તે ખૂબ જ શરમનાક માનવામાં આવશે. ખાસ કરીને ભારતે પોતાના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સહિતની પોતાની મુખ્ય ટીમને એક એવી સ્પર્ધામાં મોકલવાનો નિર્ણય કર્યો છે જેને હળવા શબ્દોમાં પણ ઉચ્ચ સ્તરીય કહી શકાય તેમ નથી.તેથી લક્ષ્મણ અને શ્રેયસ જાણે છે કે ગોલ્ડ મેડલ જીતવાથી તેમને બહુ પ્રશંસા નહીં મળે પરંતુ પાકિસ્તાનની યુવા ટીમ અને ભૂતકાળની ક્રિકેટ ટીમ જેવો સ્ટાર પાવર સ્પષ્ટપણે નથી તેવી ટીમ સામે સિલ્વર મેડલ મેળવવો તેમને બિલકુલ મંજૂર નહીં હોય.

