Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગેસ લાઇન બંધ કરવા, હોસ્પિટલમાં મદદના બહાને લાખોની છેતરપિંડી

ગેસ લાઇન બંધ કરવા, હોસ્પિટલમાં મદદના બહાને લાખોની છેતરપિંડી

નવગુજરાત સમય , અમદાવાદ

સાયબર ક્રાઇમના ગુનાની તપાસ કરતી વિવિધ એજન્સીઓ સાયબર માફિયાઓની કમર તોડી નાખતી હોવાનો ભલે દાવો કરતી હોય પરંતુ આ દાવા વચ્ચે હકીકત કંઇક અલગ જ છે. હજુ પણ શહેરમાં રહેતા નિર્દોષ નાગરિકો સાથે ગઠિયાઓ વિવિધ મોડસ ઓપરેન્ડી મારફતે તેમની લાખો રૂપિયાની મતા લૂંટી રહ્યા છે. તેવામાં શહેરમાં રહેતા લોકો સાથે બિલ અપડેટ, ગેસ લાઇન બંધ કરવા, હોસ્પિટલમાં મદદ માટે, ફોન હેક કરીને કે એપીકે ફાઇલ મોકલીને ગઠિયાઓએ નાગરિકોની લાખો રૂપિયાની મતા લૂંટી લીધી હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે.

દિન પ્રતિદિન વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓ મામલે વિવિધ પોલીસ સ્ટેશનોમાં આ મામલે ફરિયાદો નોંધાતા પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

કિસ્સો 1 : વૃદ્ધની જાણબહાર ગઠિયાઓએ 4.71 લાખ મેળવી લીધા

સેટેલાઇટ જોધપુરમાં રહેતા વૃદ્ધ અગાઉ કાપડનો વેપાર કરતા હતા. તેમના ખાતામાંથી તેમની જાણબહાર સાયબર ગઠિયાઓએ છ જેટલા ટ્રાન્ઝેક્શન કરીને 4.71 લાખ મેળવી લીધા હતા. આ નાણાં ફાયનાન્સ કંપનીના મરચંટ એકાઉન્ટમાં થયા હોવાની જાણ થતાં તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કિસ્સો 2 : હોસ્પિટલમાં મદદના બહાને યુવતી સાથે 55 હજારનું ફ્રોડ

થલતેજમાં રહેતી 36 વર્ષીય યુવતીના પિતા હેતપુર ગામ પાસેનું ક્રિકેટ ગ્રાઉન્ટ ભાડે રમવા આપે છે. કોઇ ગઠિયાએ ફોન કરીને તમારા પિતાને ગ્રાઉન્ડના ભાડાનું પેમેન્ટ જતુ ન હોવાનું કહીને યુવતીને ઓનલાઇન નાણાં મોકલ્યાનો ખોટો ફોટો મોકલ્યો હતો. બાદમાં હોસ્પિટલમાં નાણાંની જરૂર હોવાનું કહીને ખોટી રજૂઆત કરીને યુવતી પાસેથી 55 હજાર અન્ય નંબર પર ટ્રાન્સફર કરાવીને ફોન મૂકી દીધો હતો. આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કિસ્સો 3 : ગેસ લાઇન બંધ થવાના નામે ફ્રોડ

આંબાવાડીમાં રહેતા વૃદ્ધ કેમિકલનો વેપાર કરે છે. થોડા દિવસો પહેલા એક શખ્સે અદાણી ગેસના નામે બિલ અપડેટ ન કર્યુ હોવાથી ગેસ સર્વિસ બંધ થઇ જશે તેવો મેસેજ કર્યો હતો. તેમણે બિલ ભરાઇ ગયું હોવાની જાણ કરવા ફોન કરતા ગઠિયાઓએ અપડેટ કરવાના નામે લિંક મોકલીને કુલ રૂ. 1.63 લાખ પડાવી લીધા હતા. આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કિસ્સો 4 : ફોન હેક કરી નાણાં મેળવી લીધા

સરસપુરમાં રહેતી પરિણીતા ફોનમાં ગીતો સાંભળતી હતી. ત્યારે અચાનક તેનો ફોન અપડેટ થવા લાગ્યો હતો. ગઠિયાઓએ ફોન હેક કરીને રૂ. 40 હજાર મેળવી લેતા શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કિસ્સો 5 : નર્સે ઓનલાઇન હેલ્પલાઇન નંબર શોધતા 75 હજારનું ફ્રોડ

મૂળ મહેસાણાના કડા ગામની યુવતી ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે અને થલતેજમાં રહે છે. યુવતીએ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી ટેડીબિયર મંગાવ્યા બાદ રિફંડ મેળવવા માટે ગુગલ ઉપર હેલ્પલાઇન નંબર સર્ચ કર્યો હતો. જેમા આપેલા નંબર ઉપર તેણે ફોન ઉપર વાત કરી ત્યારે સામેવાળાએ કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહીને તમામ વિગતો મેળવી લીધી હતી. બાદમાં ગઠિયાઓએ વોટ્સએપ ઉપર એક એપીકે ફાઈલ મોકલી હતી. જે ફાઈલ ખોલતાની સાથે જ યુવતીનો ફોન હેક થઈ ગયો હતો અને બેંક એકાઉન્ટમાંથી 75 હજાર ઉપડી ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કિસ્સો 6 : ફોન હેક કરીને 2.07 લાખનું ફ્રોડ

વાડજમાં રહેતા વ્યક્તિ ફોનમાં વીડિયો જોતા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેમના ફોનમાં અપડેટના નામે ફોન હેક કરી લીધો હતો. જે બાદ ભોગ બનનારે ફોન ચાલુ કરતા તેમના બેંક એકાઉન્ટમાંથી 2.07 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કિસ્સો 7 : BGMI ગેમમાં યુસી રિફંડના નામે ગઠિયાએ ગેમ અને ઇમેઇલ આઇડી-પાસવર્ડ બદલી નાખ્યા

શહેરની પ્રતિષ્ઠિત હોસ્પિટલના ડોક્ટર ફોનમાં BGMI ગેમ રમતા હતા. કોઇ શખ્સે ફોન કરીને પોતે મોરબીથી બોલતો હોવાનું કહીને ગેમમાં યુસી રિફંડ કરાવી આપવાનું કહીને સ્ક્રીન શેરિંગનો એક્સેસ મેળવી લીધો હતો. ચાલુ ફોને ડોક્ટરનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો અને તેમના ઇમેઇલ આઇડી પાસવર્ડ બદલી નાખ્યા હતા. ગઠિયાએ ગેમનું આઇડી પણ હેક કરી નાખ્યું હતું. ડોક્ટરે તપાસ કરતા આ ગઠિયાએ ઇમેઇલ આઇડી મારફતે ખાનગી ડેટા પણ મેળવી લીધો હોવાની શંકા આધારે ડોક્ટરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કિસ્સો 8: પેન્શનની જાહેરાત જોનાર વ્યક્તિએ 98000 ગુમાવ્યા

ખોખરામાં રહેતા એક વ્યક્તિએ ફેસબુકમાં બેન્કની પેન્શનને લગતી જાહેરાત જોઈ તેમાં માહિતી ભરી હતી. બાદમાં એક apk લિંક આવી હતી, જે ઓપન કર્યા બાદ ગઠિયાએ ફોન કરીને બેંકમાંથી બોલતો હોવાનું કહીને સિટીઝન પેન્શન કાર્ડ બનાવવા માટે ગૂગલ પેનો પિન નંબર માગીને 98 હજારનું ફ્રોડ કર્યું હતું. ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કિસ્સો 9 : બેંક કર્મીના નામે ગઠિયાએ 53 હજાર મેળવી લીધા

ગોમતીપુરમાં રહેતો એક વ્યક્તિ ઉત્તરપ્રદેશ વતનમાં ગયો હતો. ત્યારે ATMમાં પૈસા લેવા જતા નાણાં વિડ્રો ન થતાં તેમણે બેંકનો સંપર્ક કરીને ફોર્મ ભર્યું હતું. જે બાદ તેમને બેંકના નામે ફોન કરીને ગઠિયાએ પૈસા પાછા મેળવવા માટે લિંક મોકલી હતી. લિંક ઓપન કરતા જ એક એપ્લિકેશન ડાઉનલોડ થઇ હતી અને ત્યારબાદ ખાતામાંથી 53 હજાર રૂપિયા ઉપડી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay