ગીરમાં સતત હૂમલાઃ સિંહોને નહીં માણસોએ સુધરવાની જરૂર છે
તાજતેરમાં ગીર અભયારણ્યમાં સિંહો દ્વારા માણસો પર થતા હુમલાઓની ઘટનાઓ ખૂબ ચર્ચામાં આવી ગઈ છે. જેના પગલે સ્વાભાવિક બેઠકો અને નિવેદનોનો દોર શરૂ થયો છે. આવી ઘટના બાદ પહેલી પ્રતિક્રિયાના ભાગરૂપે હુમલો કરનાર સિંહને શોધીને પાંજરે પૂરીને વન વિભાગ મોટી કામગીરી કર્યાનો સંતોષ માની લે છે પણ સિંહો અને તેમના સ્વભાવને જાણનારાઓ કહી રહ્યાં છે કે, આવી ઘટનાઓ ત્યાં સુધી નહીં રોકાય કે જ્યાં સુધી માણસ નહીં સુધરે.
અભ્યારણ્ય વિસ્તારમાં દબાણ વધી ગયું છે, વધી રહ્યું છે એટલે સિંહો હવે આ દબાણવાળા વિસ્તારોમાં ભ્રમણ કરવા લાગ્યા છે. એમાં લોકો દ્વારા સિંહોને થતી પજવણી વધી ગઈ છે. સિંહોનો સ્વભાવ છે કે તે જ્યાં સુધી તેની સુરક્ષા ન જોખમ કે તેની ખાનગી પળોમાં ખલેલ ન પહોંચાડાય ત્યાં સુધી તે ક્યારેય પહેલા માણસ પર હુમલો કરતો નથી. હવે તાજેતરના માણસો પરના સિંહોના હુમલાઓના કિસ્સામાં ક્યાંક આગળ - પાછળ સિંહોની પજવણી થઈ છે અને ત્યારબાદ જ સિંહના હુમલાની ઘટનાઓ ઘટી છે. એમાં પછી પજવે છે કોણ અને હુમલાઓ ભોગ બને છે, કોણ? એવુ જરૂર બન્યું છે. અત્યારે તો ગીરના સિંહોનું 'નગર ભ્રમણ' અને વન વિભાગની 'પંચાત' ગાંધીનગરમાં એસી કેબિનોમાં ચર્ચાઓમાં વ્યસ્ત છે. જયારે લોકો મજાકમાં કહેવા લાગ્યા છે કે, હાલ સરકારની નવી નવી નીતિઓ જાહેર કરવાની સીઝનમાં ગીરના જંગલોમાંથી સિંહોએ માનવ વસ્તી તરફ કૂચ કરવાની પોતાની 'નવી વન્ય નીતિ' જાહેર કરી દીધી હોય એમ લાગે છે. હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે જંગલના રાજાને અભયારણ્ય કરતાં ગામડાની શેરીઓ, રેસિડેન્શિયલ સોસાયટીઓ અને ખેતરો વધુ અનુકૂળ આવી રહ્યા છે. જાણે સિંહો પણ હવે 'સ્માર્ટ સિટી' અને 'ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ'નો હિસ્સો બનવા માંગતા હોય! આ તરફ, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ મેરેથોન બેઠકો કરીને માત્ર 'જાગૃતિ અભિયાન'ના પત્રકો વહેંચવામાં વ્યસ્ત છે.
સુરતની બગડેલી સૂરતને ઠીક કરવાની મહા મથામણ
સુરતમાં નાસીરનગર ભૂતિયા ડિમોલિશનની ચર્ચા હમણાં થયેલા જળતાંડવમાં સ્વાભાવિક રીતે દબાઇ ગઇ છે. હાલ તો સુરતના જળતાંડવમાં વર્તમાન મ્યુનિસિપલ કમિશનર નાગરાજનને મદદ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ સુરતમાં જડબેસલાક કામગીરી કરનાર અને ચૂંટાયેલી સ્થાનિક પાંખને પણ મર્યાદામાં રાખનાર ગુજરાત ઊર્જા વિકાસ નિગમ (જીયુએનએએલ)ના એમડી શાલિની અગ્રવાલને મિશન મોડમાં ઓએસડી મુક્યા છે. આ સનદી અધિકારીએ ગાંધીનગરથી સૂચના મળતાં જ તુરત જ સુરત પહોંચીને પળનો વિલંબ કર્યા વગર જળભરાવગ્રસ્ત વિસ્તારોમાં હોડીમાં ફરીને જાત નિરીક્ષણ કરી જરૂરી વિગતો સાથે સમગ્ર તંત્રને યુદ્ધના ધોરણે ગીયરઅપ કર્યું. સાથે જનપ્રતિનિધિઓ ખાસ કરીને સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની વેદના, રોષ અને રજૂઆતો સાંભળી બે હાથ જોડી શક્ય એટલી ત્વરાએ સહાય અને બચાવની વ્યવસ્થા કરી. પરંતુ વાત હાલ તો શાલિની અગ્રવાલની સુરતીઓ કરી રહ્યા છે. તંત્ર આળસમાં હવે શું કરવું એની રાહમાં બેઠું હતું એમાં જ અગ્રવાલે મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર, પોલીસ સહિતના વિભાગો સાથે બેઠકો યોજીને દરેકને જવાબદારી સોંપી એક સાથે કામે લગાડતાં સુરત ફરીથી સુરતની સૂરત બદલાઇ રહી છે. એમણે વરસતા વરસાદ અને જળભરાવ સ્થિતિમાં કામ કરનાર મ્યુનિસિપલ કર્મચારીઓ સહિતના સ્ટાફની પીઠ થાબડી હતી. આમ, સુરતીઓ શાલિની અગ્રવાલની કામની પ્રશંસા કરી રહ્યા છે સાથે દબાતા સ્વરે કહી રહ્યા છે કે તેઓ સુરત હતા ત્યારે નાસીરનગરના ગેરકાયદે બાંધકામોને હટાવવા મથતાં તત્વોને સ્હેજપણ દાદ આપી ન હતી.
પ્રજાના પ્રશ્નો વેઇટિંગમાં, અધિકારીઓ નવી નીતિઓના ઘડતરમાં વ્યસ્ત
સચિવાલયમાં આજકાલ કાગળની ફાઈલોના યથાયોગ્ય નિકાલની સંખ્યા કરતાં નવી પોલિસીઓ કે જૂની નીતિઓમાં સુધારા વધુ ઝડપથી થઈ રહ્યાં છે. જાણે સ્વર્ણિમ સંકુલમાં કોઈ નીતિ બનાવવાની ઓટોમેટિક ફેક્ટરી શરૂ થઈ ગઈ હોય, એવી સ્થિતિ સર્જાઈ છે. જાન્યુઆરી-૨૦૨૭માં યોજાનારી 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ'ની પૂર્વતૈયારીના ભાગરૂપે આખું સરકારી તંત્ર હાંફતું-હાફતુ દોડી રહ્યું છે. હજી ગત સપ્તાહે ઉધોગ વિભાગે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી અને વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા અને તેમની ટીમે માંડ હાશકારો લીધો હશે કે ત્યાં તો આ સપ્તાહે ગરમાગરમ 'ડેટા સેન્ટર પોલિસી' માર્કેટમાં મૂકી દેવાઈ છે. જેને તૈયાર કરવામાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના નાનાથી લઇ મોટા અધિકારીઓ હાંફી ગયા છે. દરમ્યાનમાં મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં હવે નવી ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશન પોલિસી બનાવવાની સૂચના જારી કરી દીધી છે. આવી તો બીજી 8-10 નવી સંભવિત પોલિસીઓના ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યાં છે. જે આગામી પસાર થનારા મહિનાઓમાં જાહેર કરાશે ત્યારે સચિવાલયના કોરિડોરમાં ચર્ચા છે કે, આગામી સમયમાં એટલી બધી નવી પોલિસીઓ અને તેના ડ્રાફ્ટ લોન્ચ થવાના છે કે સામાન્ય પ્રજાને એમ લાગશે કે, હવે તો આ નીતિઓ વાંચવી કે પોતાના ઘરનું બજેટ સંભાળવું ? પ્રજાના રોજબરોજના કામોની ફાઈલો પર ભલે 'વેઇટિંગ લિસ્ટ'નું પાટિયું વાગેલું રહે, સાહેબો વાયબ્રન્ટના ટાર્ગેટ પૂરા કરવામાં રાત-દિવસ એક કરી રહ્યા છે.
અધિકારીઓએ વિદેશ પ્રવાસ માટે અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ની તૈયારીઓ શરૂ થવાની સાથે જ આઈએએસ અધિકારીઓએ વિદેશ પ્રવાસ માટે લોબિંગ શરૂ કરી દીધું છે.સરકાર ટૂંક સમયમાં વિવિધ સમિતિઓની રચના કરશે અને વીજીજીએસના પ્રચાર-પ્રસાર માટે અધિકારીઓને વિવિધ દેશોની મુલાકાતે મોકલવામાં આવશે. યુદ્ધની પરિસ્થિતિને કારણે છેલ્લા કેટલાક સમયથી વિદેશ પ્રવાસો થયા નથી, જેના કારણે ઘણા અધિકારીઓ આવા પ્રવાસો ચૂકી રહ્યા છે. જોકે, તાજેતરમાં કેટલાક અધિકારીઓ વ્યક્તિગત રજાઓ ગાળવા વિદેશી સ્થળોની મુલાકાતે ગયા હતા.
હવે અમદાવાદ શહેર તેના વિસ્તારના વ્યાપથી જ ભારે હાંફી ગયું છે
અમદાવાદ મહાનગરનો વ્યાપ બે દશકમાં બે વખત વધ્યો, એ વખતે બૃહદ અમદાવાદ મહાનગર તરીકે વિકાસ કરવાનો પ્રસ્તાવ સરકારે તૈયાર કર્યો હતો. પરંતુ કોણ જાણે કેમ એ અભરાઇ પર મુકાયો. એ વખતે બે ભાગ પાડીને બે મ્યુનિસિપલ કમિશનરને નિયત વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવનાર હતી. હવે સ્થિતિ એવી છે કે નવા વિસ્તારો ઉમેરાયા પછી જૂના વિસ્તારોમાં વિકાસ કામો વિલંબમાં મુકાઇ રહ્યા છે અને નવા વિસ્તારોમાં પૂરતું ધ્યાન અપાતું નથી. મ્યુનિસિપલ તંત્રમાં હવે નવા વિસ્તારોનો ભાર સહન કરવાની શક્તિ રહી નથી એ સ્પષ્ટ થઇ રહ્યું છે. હવે નવો ડ્રાફ્ટ પ્લાન તૈયાર થઇ રહ્યો છે જે કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેઇમ્સને ધ્યાનમાં રાખીને વિસ્તાર અને વિકાસ પર ભાર મુકવામાં આવનાર છે. હાલ શહેરને ફરતે બે રિંગ રોડ બન્યા છે તેની આસપાસના વિકાસથી બન્ને રિંગ રોડ સિટી રોડ જેવા થઇ ગયા છે ત્યારે હવે ત્રીજા રિંગ રોડ માટેની તૈયારીઓ શરૂ થઇ છે. અગાઉના બન્ને રિંગ રોડ માટે જે તે વખતના ઔડા ચેરમેન સુરેન્દ્ર પટેલ સહિતના સત્તાધિશો એવી કુનેહપૂર્વક કામગીરી કરી એકપણ લિટિગેશન વગર જમીન સંપાદિત કરવામાં સફળ રહ્યા હતા. હવે ત્રીજો રિંગ રોડ વિચારાય છે એ જમીનોના સંપાદનમાં લિટિગેશનો વધારે થાય એની ચિંતા અત્યારથી તંત્રને સતાવીરહી છે. તંત્રમાં બેઠેલાં અધિકારીઓ પણ માને છે કે હાલ બન્ને રિંગ રોડની આસપાસમાં ચાલીરહેલા વિકાસ ઝડપથી પૂરો કરવામાં આવે તે જરૂરી છે. બે દશક અગાઉ ટ્રાન્સોપોર્ટનગર અને લોજીસ્ટીક પાર્ક્સ માટે જગાઓ પણ પસંદ થયા પછી હવે નવેસરથી ફાઇલ પરની ધૂળ ખંખેરવામાં આવી રહી છે. આખરે આ બધો ભાર અમદાવાદના નાગરિકો પર આવી રહ્યો છે.
મીટિંગમાં ટી-શર્ટ પહેરીને આવેલાં સિનિયર મ્યુનિ. ઓફિસરને 'શો કોઝ'
ટી-શર્ટ પહેરીને મહેસાણાની બેઠકમાં હાજર રહેલા સિનિયર મ્યુનિસિપલ ઓફિસરને અપાયેલી 'કારણ દર્શાવો'(શો કોઝ) નોટિસ સત્તાના વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. શહેરની માળખાકીય સુવિધાઓ અંગે યોજાયેલી બેઠકમાં સંબંધિત અધિકારી ટી-શર્ટ પહેરીને પહોંચ્યા હતા. બેઠકના અધ્યક્ષસ્થાને રહેલા એડિશનલ કલેક્ટરને આ બાબત પસંદ પડી નહોતી.બીજા જ દિવસે તેમણે સરકારી ડ્રેસ કોડના ઉલ્લંઘન બદલ કારણ દર્શાવો નોટિસ ફટકારી હતી.આ ઘટનાએ વિધાનસભાના એક પૂર્વ અધ્યક્ષની યાદ તાજી કરી દીધી, જેમણે ગૃહમાં ટી-શર્ટ અને જીન્સ પહેરીને આવેલા કોંગ્રેસના એક ધારાસભ્યને ઠપકો આપ્યો હતો.
વન-પર્યાવરણ સચિવ વિનોદ રાવને વધુ એક મહત્ત્વની જવાબદારી સોંપાઇ
વન અને પર્યાવરણ વિભાગના સચિવ વિનોદ રાવને વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ માટે ક્ષતિપૂર્તિરૂપે કરવામાં આવનાર વનીકરણ (કમ્પેન્સેટરી અફોરેસ્ટેશન) માટે જમીન ફાળવણીની સમગ્ર પ્રક્રિયાનું તેઓ નિરીક્ષણ કરશે.આ હેતુસર તમામ વિભાગોના સચિવોને તેમની સાથે સંકલન સાધવા માટે સૂચના આપવામાં આવી છે. ચીફ સેક્રેટરી મનોજ દાસે તમામ સચિવોને રાજ્યના બજેટમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સને અંતિમ સ્વરૂપ આપી ચોમાસા પહેલાં જ તેના કામો ફાળવી દેવા નિર્દેશ આપ્યો છે. જમીન ફાળવણી તેમજ અન્ય જરૂરી મંજૂરીઓ જેવા મુદ્દાઓમાં સચિવોને સીધા મુખ્ય સચિવનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.'વધુ હરિયાળું રાજ્ય વિકસાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે,' એમ એક અધિકારીએ ટિપ્પણી કરી.
એ.બી. ચૌધરીને ઘરભેગા કરાયા પણ ઓપરેશન ગંગાજળની ગતિ હજુ ધીમી
રાજ્યમાં સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચારમાં રત હોવાની વિગતો અવારનવાર બહાર આવતી રહે છે તેમ છતાં હજુ ઓપરેશન ગંગાજળનો પ્રવાહ કોણ અટકાવી રહ્યું છે તેની સચિવાલયમાં ભારે ચર્ચા છે. ગત વર્ષે અનેક અધિકારીઓને ઘરભેગા કર્યા બાદ 2026માં તેની ગતિ ધીમી પડી ગઇ છે. રહી રહીને સરકારે જેમના ઘરેથી 1.76 કરોડ રૂપિયાની રોકડ મળી હતી તેવા ઉર્જા વિભાગના વિદ્યુત નિરીક્ષક એ.બી. ચૌધરીને તાત્કાલિક અસરથી નિવૃત કરી દીધા છે. જો કે સરકારી તંત્ર દ્વારા અધિકારીઓ ફરજ ઉપર રહીને ભ્રષ્ટાચાર કરે છે અને છેવટે પકડાય ત્યાં સુધી વિભાગ દ્વારા કોઇ મોનિટરીંગ કેમ કરાતું નથી તે સવાલ વણઉકલ્યો છે. ભૂતકાળમાં પણ કલેક્ટર કક્ષાએ બેફામ ભ્રષ્ટાચાર થતો હોય અને દિલ્હીને ખબર પડે પણ ગાંધીનગરમાં કોઇને જાણ સુધ્ધાં ન થાય તેવા બનાવો બનેલા છે. વહીવટી તંત્રમાં અનેક અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે પરંતુ તેનો નિકાલ વહેલી તકે થતો નથી. હવે નિવૃતિના છેલ્લા સમયે ચાર્જશીટ નહીં આપવા પણ સૂચના જાહેર કરાઇ છે. તે સંજોગોમાં ઓપરેશન ગંગાજળ અવિરત નહીં ચાલે તો ભ્રષ્ટાચારીઓને મોકળુ મેદાન મળશે તેમ સચિવાલયના જ અનેક અધિકારીઓ માની રહ્યા છે.

