નવગુજરાત સમય, હિંમતનગર
હિંમતનગરમાં મંગળવારે બપોરે માત્ર બે કલાકમાં ર ઈંચથી વધુ વરસાદ વરસતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. માત્ર ૨ ઇંચ વરસાદમાં સહકારી જીન, મોતીપુરા, શારદાકુંજ, બેરણા રોડ વિસ્તારમાં પાણી નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ઠેરઠેર રોડ ઉપર પાણી ભરાઇ ગયા હતા અને મસમોટા ભૂવાઓ પડી ગયા હતા. ૨ ઇંચ વરસાદમાં પાલિકા તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ છે.
બેરણા રોડ પર ભરાતા વરસાદી પાણીનો નિકાલ ન કરાતાં સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે.
મંગળવારે બપોરે વાતાવરણમાં અસહ્ય બાફ અને ઉકળાટ બાદ હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના બેરણા રોડ, સહકારી જીન, મોતીપુરા, મહાવીરનગર, ગાયત્રી મંદિર રોડ, મહાકાલી મંદિર રોડ વિસ્તારોમાં પાણી ફરી વળતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. બેરણા રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર લાઇન નાંખવામાં આવી હતી. પરંતુ યોગ્ય રીતે માટી પૂરાણ ન કરાતાં ભુવા અને ખાડા પડી જતાં કેટલીક ગાડીઓ ખાડા ફસાઇ ગઇ હતી. ત્રણ-ત્રણ ફૂટ ઉંડા ખાડા પડી જતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે પાલિકાના સત્તાધીશો આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લે, સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય કામગીરી કરવામાં આવે તેવું સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે.
દર વર્ષે ચોમાસામાં હિંમતનગરમાં નર્કાગાર જેવી સ્થિત સર્જાય છે. ત્યારે પાલિકા દ્વારા યોગ્ય દિશામાં કામગીરી કરાય તે જરૂરી છે. ગંદકી, કિચ્ચડથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત પણ ઉભી થઇ છે. ત્યારે આરોગ્યની ટીમ દ્વારા કિચ્ચડનો નિકાલ કરી યોગ્ય રીતે દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બીજી તરફ બે કલાક સુધી એકધારો પડેલા વરસાદને લીધે ગાંધી રોડ, ખાડીયા ચાર રસ્તા નજીક આવેલા કોમ્પ્લેક્સના ભોંયરાની દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓને માલ મિલકતને નુકસાન થવા પામ્યું છે.
પ્રાંતિજ : પ્રાંતિજના તાજપુર કુઈ, તાજપુર, મજરા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ સમગ્ર પંથકમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જ્યારે પ્રાંતિજ બજાર વચ્ચે પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકયો હતો. ગટર પણ કામ કરતી ન હતી અને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં સામાન્ય વરસાદ પડવાથી સાબરકોઠા બેન્કના ગેટ આગળ તેમજ તાલુકા પંચાયતના ગેટ આગળ વરસાદી પાણી ભરાતાં તંત્રની પોલ ખુલી ગઇ છે.
ભિલોડા : અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટાં વચ્ચે આજે સવારના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી જોવા મળી હતી, અને ગણતરીના કલાકોમાં જ વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતાં રોડ, રસ્તા પણ પાણી ફરી વળતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, વરસાદી માહોલથી વાતાવરણમાં શીતલહેર પ્રસરી હતી, ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
મોડાસા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગત રાત્રિએ વરસાદી ઝાપટાં પડ્યા બાદ સવારથી વરસાદે ધબધબાટી બોલાવી હતી. મોડાસાના સરડોઈ સહિત આજુબાજુના પંથકમાં ભારે વરસાદ ખાબકતાં ડુંગરનું પાણી નીચે ઉતરતા મુખ્યમાર્ગ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. માલપુરમાં ગણતરીની મિનિટોમાં એક ઇંચ વરસાદ પડતાં માર્ગ પર પાણી ફરી વળ્યાં હતા. શામળાજી પંથકમાં ધોધમાર વરસાદના પગલે વાતાવરણ સંપૂર્ણપણે ખુશનુમા બની ગયું છે.
મેઘરજ શહેર સહિત ધાંધિયા, વલુણા, બેડજ, રામગઢી, રેલ્લાવાડા, ઇસરી, કુણોલ પંથકમાં ધોધમાર વરસાદ પડતા લોકોમાં આનંદ છવાયો હતો. મેઘરજના આંબાવાડી વિસ્તારના માર્ગ પર વરસાદી પાણી ભરાતાં વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધનસુરા, બાયડ, સાઠંબા અને ભિલોડામાં વાવણી લાયક વરસાદથી ભૂમિપુત્રો ખુશ થયા હતા.
શામળાજીમાં મંદિર માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતાં દર્શનાર્થીઓ પરેશાન
ભિલોડા : શામળાજીમાં પડેલા ભારે વરસાદ બાદ મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં દર્શનાર્થીઓ અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મંદિર તરફ જતાં માર્ગ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે, કેટલીક જગ્યાએ કાર સહિતના નાના વાહનો અડધા સુધી પાણીમાં ડૂબી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ચાલકોને સાવચેતીપૂર્વક વાહનો પસાર કરવા પડ્યા હતા, જ્યારે પગપાળા દર્શનાર્થીઓને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ મંદિર સુધી પહોંચવું પડ્યું હતું.

