એજન્સી, ટોક્યો
ઈરાનના પરમાણુ કેન્દ્રોની તપાસના મુદ્દે અમેરિકા અને ઇરાન વચ્ચે મતભેદો યથાવત્ રહ્યાં છે. યુએન પરમાણુ એજન્સીએ બુધવારે સંકેત આપ્યો હતો કે ઇરાનના પરમાણુ મથકોની તેના નિરીક્ષકો તપાસ કરશે. જોકે ઇરાને ભારપૂર્વક જણાવ્યું હતું કે અંતિમ શાંતિ કરાર થયા પછી જ આવી કોઇ મુલાકાત થશે.
પરમાણુ મથકની તપાસના મુદ્દે મંગળવારે ઇરાન અને અમેરિકાએ વિરોધાભાષી નિવેદનો આપ્યાં હતાં.
એક સપ્તાહ પહેલાં વચગાળાનો કરાર થયા બાદથી બંને દેશોના નેતાઓ વારંવાર જાહેરમાં આ કરારના અર્થઘટન અંગે વિરોધાભાષી નિવેદનો આપી રહ્યાં છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના વડા રાફેલ મારિયાનો ગ્રોસીએ પણ સ્વીકાર્યું હતું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જોકે મતભેદો માત્ર પરમાણુ મુદ્દા સુધી મર્યાદિત નથી, પરંતુ લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લા સાથેના ઇઝરાયલના સંઘર્ષ અને ઈરાન પરના પ્રતિબંધો હટ્યા બાદ મળનારા અબજો ડોલરના ઉપયોગ જેવા મુદ્દાઓ પર પણ મતભેદો છે. વચગાળાના શાંતિ કરાર પર હસ્તાક્ષર પછી બંને દેશો બાકીના મુદ્દાનો ઉકેલ 60 દિવસમાં લાવવા માટે સંમત થયા હતાં. આ વાટાઘાટો ખાનગીમાં થવાની હતી. જોકે બંને દેશોના નેતાઓ જાહેરમાં નિવેદનો આપી રહ્યાં છે, તેનાથી આ વિસ્તારમાં નાજૂક યુદ્ધવિરામ સામે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. ગ્રોસીએ જણાવ્યું હતું કે સમજૂતીપત્રમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પરમાણુ સામગ્રી અને પરમાણુ સુવિધાઓ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ IAEAની દેખરેખ હેઠળ રહેશે.
આ માટે અમારે નિરીક્ષણ કરવું જ પડશે. તે આવતીકાલે થાય, એક અઠવાડિયામાં થાય કે દસ દિવસમાં થાય, તે મહત્વનું છે, પરંતુ અનિવાર્ય નથી. આ નિરીક્ષણ થવાનું જ છે. આ તપાસો અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે કરાર અનુસાર ઈરાનના યુરેનિયમના જથ્થાને ઓછા સ્તરે રૂપાંતરિત કરવાની દરખાસ્ત છે. જોકે ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ઘારીબાદીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ઈરાને સ્વિટ્ઝર્લેન્ડમાં તેમની સાથે કોઈ બેઠક કરી નથી. આ મુદ્દાઓની સમીક્ષા અને નિર્ણય માત્ર અંતિમ કરારના માળખામાં જ થશે. ઇરાન પરના તમામ પ્રતિબંધો દૂર કરવા સહિતના વ્યવહારુ પગલાં લેવામાં આવે ત્યારે જ આ શક્ય બનશે.

