નવગુજરાત સમય , ગાંધીનગર
ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિપ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં સિંહસદન અને દેવાળીયા સફારી પાર્ક ખાતે 'જય-વીરુ'ને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું. આ આઇકોનિક સિંહ બેલડી નથવાણીના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને એટલે જ આ બેલડીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ રૂપે આ બેકલાઇટ બોર્ડ મુકવામાં આવ્યા છે.
આ પ્રસંગે જૂનાગઢ વાઇલ્ડલાઇફ સર્કલના વન સંરક્ષક રામ રતન નાલા અને વન અધિકારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે સિંહપ્રેમી પરિમલ નથવાણીએ કહ્યું હતું કે 'અમે ઇચ્છીએ છીએ કે સાસણ ગીરની મુલાકાત લેનારા દરેક પ્રવાસી અને વન્યજીવન પ્રેમી જય-વીરુના વારસાને સારી રીતે જાણે. તે બંને ગીરના જંગલની અત્યાર સુધીની સૌથી નીડર, ભવ્ય અને અવિભાજ્ય સિંહ બેલડીઓમાં સ્થાન ધરાવતા હતા. તેઓ ગીરનું સાચું ગૌરવ હતા અને આ સ્મૃતિ દ્વારા અમે તેમને અમર બનાવવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.' નથવાણીએ આ સિંહજોડી સાથે જોડાયેલી પોતાની ઊંડી અંગત લાગણીઓને જણાવતા એ યાદ કર્યું હતું કે તેઓ વન વિભાગના અધિકારીઓ સાથે તેમના નામકરણમાં સક્રિય રીતે સામેલ હતા - જે બાબત આ શ્રદ્ધાંજલિને ભાવનાત્મક બનાવે છે.ગયા વર્ષે અન્ય સિંહો સાથે પોતાના સીમાડા માટેની અથડામણ બાદ જય- વીરુનું અવસાન થયું હતું. ગત 7 ઓગસ્ટ 2025ના રોજ તે બંનેના મૃત્યુ પછી તુરત જ નથવાણીએ 'જય-વીરુની જોડી' નામના એક ભાવનાત્મક લોક-શૈલીના ગાયન અને 'જય-વીરુની અમર ગાથા' નામની એક સંવેદનાત્મક દસ્તાવેજી રજૂ કરી હતી. આ બંને પ્રોજેક્ટ્સે બંને ડાલામથ્થાની પરસ્પરની ભાવના, અતૂટ બંધન અને અમિટ વારસાની સુંદર રીતે પ્રસ્તુતિ કરી હતી.

