એજન્સી, નવી દિલ્હી
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ જાહેર કરેલા આંકડા અનુસાર જુલાઈ મહિનામાં ભારતી એરટેલે સૌથી વધુ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. એરટેલે 26.9 લાખ યુઝર્સ ઉમેર્યા છે. રિલાયન્સ જિયો ખાસ પાછળ નથી. તેણે જુલાઈમાં 24.5 લાખ યુઝર્સનો ઉમેરો કર્યો છે. વોડાફોન આઇડિયાએ 2,40,114 સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે, જ્યારે સરકારી માલિકીની બીએસએનએલે 1,68,874 યુઝર્સ ઉમેર્યા છે.
એરટેલ અને જિયોએ મળીને જુલાઈ દરમિયાન મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સમાં થયેલા કુલ 55.4 લાખના નેટ વધારામાંથી લગભગ 51.4 લાખનો હિસ્સો નોંધાવ્યો હતો. દેશમાં કુલ વાયરલેસ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા જૂનના અંતે 128.238 કરોડથી વધીને જુલાઈના અંતે 128.792 કરોડ થઈ હતી.
એરટેલે જુલાઈ મહિના દરમિયાન 26.9 લાખ મોબાઇલ યુઝર્સ ઉમેરતાં તેનો સબ્સ્ક્રાઇબર બેઝ વધીને 48.949 કરોડ થયો હતો, જ્યારે જિયોએ 24.5 લાખ યુઝર્સ ઉમેરતાં તેનો સબ્સ્ક્રાઇબર બેઝ 50.603 કરોડ થયો હતો. વોડાફોન આઇડિયાનો સબ્સ્ક્રાઇબર બેઝ 2,40,114 યુઝર્સ ઉમેરાયા બાદ તેનો કુલ બેઝ વધીને 19.906 કરોડ થયો હતો.બીએસએનએલનો બેઝ 1,68,874 યુઝર્સના વધારા સાથે 9.318 કરોડ થયો હતો. બીજી તરફ, MTNLએ જુલાઈમાં 5,744 સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા હતા.
જુલાઈના આંકડા વોડાફોન આઇડિયા માટે સતત સુધારો દર્શાવે છે. મહિના દરમિયાન તેના સબ્સ્ક્રાઇબર બેઝમાં 0.12 ટકાનો વધારો થયો હતો. તેની સરખામણીમાં એરટેલના સબસ્ક્રાઈબર બેઝમાં 0.55 ટકા, જિયોમાં 0.49 ટકા અને BSNLમાં 0.18 ટકાનો વધારો નોંધાયો હતો. 5G ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA)માં જિયોનો વધારો સૌથી વધુ રહ્યો હતો. જિયોએ જુલાઈ દરમિયાન તેના 5G FWA બેઝમાં 1,55,869 સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા હતા, જેના પરિણામે તેનો કુલ બેઝ વધીને 92.7 લાખ થયો હતો. એરટેલે 1,16,951 5G FWA યુઝર્સ ઉમેરતાં તેનો બેઝ વધીને 39.4 લાખ થયો હતો. બંને ઓપરેટરોએ મળીને મહિના દરમિયાન 2,72,820 5G FWA યુઝર્સ ઉમેર્યા હતા. જિયોએ તેની UBR આધારિત FWA સેવામાં પણ 2,04,320 સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા હતા, જેના પરિણામે જુલાઈના અંતે આ બેઝ વધીને 51.4 લાખ થયો હતો. વાયરલેસ અને વાયરલાઇન બંને કનેક્શન્સને સમાવતો કુલ ટેલિકોમ સબ્સ્ક્રાઇબર બેઝ જુલાઈના અંતે 62 લાખ વધીને 135.4 કરોડ થયો હતો.

