નવગુજરાત સમય , અમદાવાદ
શહેરમાં એટીએમ કેન્દ્રો પર મદદ કરવાના બહાને ભોળા નાગરિકોના એટીએમ કાર્ડ બદલીને બેંક ખાતામાંથી રોકડા રૂપિયા સેરવી લેતી ગેંગ ફરી સક્રિય થઈ છે. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી આવી જ એક ચિટર ગેંગનો ભોગ બની છે. જેમાં ભૂલાભાઈ ચાર રસ્તા નજીક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં મદદ કરવાના બહાને બે અજાણ્યા શખ્સોએ યુવતીનું ડેબિટ કાર્ડ બદલી નાખી, તેનો પિન નંબર જાણી લઈ ખાતામાંથી રૂ.
૧૭,૦૦૦ ઉપાડી લઇ પલાયન થઇ ગયા હતા. આ મામલે યુવતીએ કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
બહેરામપુરાના પરીક્ષિતલાલનગરની ચાલીમાં રહેતી અને એક પ્રિન્ટિંગ કંપનીમાં નોકરી કરતી હેતાલી રાકેશભાઈ ચાવડા નામની યુવતીનું એસબીઆઈની શાહઆલમ બ્રાન્ચમાં સેવિંગ ખાતું છે. ગત ૧૪ મે ૨૦૨૬ ના રોજ રાત્રે આશરે આઠ વાગ્યાના સુમારે હેતાલી ભૂલાભાઈ ચાર રસ્તા નજીક એસબીઆઈના એટીએમ પર પૈસા ઉપાડવા માટે ગઈ હતી. તેણે એટીએમમાં કાર્ડ નાખી પ્રોસેસ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ડિસ્પ્લે પર 'પાસવર્ડ ખોટો છે' તેવો મેસેજ દેખાયો હતો. હેતાલી જ્યારે મુંઝવણમાં હતી, ત્યારે એટીએમ કેન્દ્રની અંદર જ ઉભેલા બે અજાણ્યા ઇસમોમાંથી એકે તેની નજીક આવીને સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે, 'તમારું એટીએમ કાર્ડ મને આપો, હું તમને પૈસા ઉપાડી આપું.'
ગઠિયાની વાતોમાં આવીને હેતાલીએ વિશ્વાસ રાખીને પોતાનું ડેબિટ કાર્ડ તેને આપી દીધું હતું. કાર્ડ હાથમાં લેતાની સાથે જ બંને અજાણ્યા શખ્સો અંદરોઅંદર કંઈક વાતો કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓએ હેતાલીને વાતોમાં પરોવી રાખી તેની નજર ચૂકવી દીધી હતી અને તેનું અસલી કાર્ડ પોતાની પાસે રાખીને તેના જેવું જ દેખાતું બીજું નકલી ડેબિટ કાર્ડ હેતાલીના હાથમાં પધરાવી દીધું હતું. આ ચાલાક ગઠિયાઓએ યુવતી જ્યારે પ્રોસેસ કરતી હતી ત્યારે જ તેનો સિક્રેટ પિન નંબર પણ જોઈ લીધો હતો. કાર્ડ પાછું આપીને બંને જણા ત્યાંથી સગેવગે થઈ ગયા હતા. યુવતી એટીએમ કાર્ડ લઈને ઘરે પરત ફરી હતી. જો કે, બીજા દિવસે એટલે કે ૧૫ મેના રોજ જ્યારે તેણે પોતાના મોબાઈલ ફોનમાં 'ગૂગલ પે' એપ્લિકેશન ખોલીને બેંક બેલેન્સ ચેક કર્યું, ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. તેના ખાતામાંથી કોઈએ રૂ. ૧૭,૦૦૦ ઉપાડી લીધા હોવાનું ટ્રાન્ઝેક્શન બતાવી રહ્યું હતું.
આ અંગે ખાતરી કરવા માટે હેતાલી તાત્કાલિક શાહઆલમ ખાતેની એસબીઆઈ બેંકમાં દોડી ગઈ હતી અને પાસબુકમાં એન્ટ્રી કરાવી હતી. બેંક રેકોર્ડમાં પણ સ્પષ્ટ થયું કે તેના એટીએમ કાર્ડથી રૂ. ૧૭,૦૦૦નું વિડ્રોવલ થયું છે આ સાંભળીને તેણે પોતાની પાસે રહેલું કાર્ડ ચેક કરતાં ખબર પડી કે તે કાર્ડ તેનું નહોતું પરંતુ કોઈ અન્ય વ્યક્તિનું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

