નવગુજરાત સમય , ગાંધીનગર, દહેગામ
કલોલ અને દહેગામ પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો આજે ચૂંટાયા હતા. તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કલોલ પાલિકાની કુલ ૪૪ બેઠકમાંથી ભાજપે ૩૬ બેઠક અને કોંગ્રેસે ૮ બેઠક મેળવી હતી. તેમજ દહેગામ પાલિકાની કુલ ૨૮ બેઠકમાંથી ભાજપને ૧૭ બેઠક તેમજ કોંગ્રેસે ૧૧ બેઠકો મેળવી હતી. આમ ગાંધીનગર જિલ્લાની બન્ને નગરપાલિકાની કુલ 72માંથી 53 બેઠક મેળવી ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા છે.
કલોલ પાલિકાના સભાખંડમાં 19 મેને મંગળવારના રોજ ચુંટાયેલા પ્રતિનિધિઓની પ્રથમ બેઠક યોજાઈ હતી. તેમાં ચૂંટાયેલા હોદ્દેદારોમાં કલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે જયશ્રીબેન હર્ષદભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે દિલીપ અનિલકુમાર પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વિમલ પોપટલાલ પ્રજાપતિ, સાસક્ષ પક્ષના નેતા તરીકે કૃણાલભાઈ શંભુભાઈ દેસાઈ અને દંડક તરીકે ધર્મેન્દ્રભાઈ ચંદુભાઈ વ્યાસનો સમાવેશ થાય છે. તેના પગલે કાઉન્સિલરો અને ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જ્યારે દહેગામ પાલિકામાં હોદ્દેદારોની ચૂંટણી માટે બપોરે પ્રમથ સામાન્ય સભા યોજવામાં આવી હતી. તેમાં પ્રમુખ પદે નેહાબેન કિંજલભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે રાકેશભાઈ નારણભાઈ રબારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે સુરેશસિંહ રમેશસિંહ ચૌહાણ, શાસક પક્ષના નેતા પદે દિપેશભાઈ રોહિતભાઈ અમીન અને દંડક ઘનશ્યામભાઈ બ્રહ્મભટ્ટની નીમણૂંક કરવામાં આવી હતી. ભાજપ સંગઠનના આગેવાનો તેમજ સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. નવી ટીમમાં પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા તરીકે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
કલોલમાં સફાઈ કામદારોના સુપરવાઇઝરનો પુત્ર ઉપપ્રમુખ બન્યો
કલોલ નગરપાલિકામાં સફાઈ કામદારના સુપરવાઈઝર અનિલકુમાર પરમારના પુત્ર દિલીપભાઈએ પ્રથમ વખત ચૂંટણી ઝંપલાવી વિજય હાંસલ કર્યો હતો. ત્યાર બાદ આજે યોજાયેલી પાલિકાની પ્રથમ બેઠકમાં તેમને ઉપપ્રમુખ પદનો હોદ્દો મળ્યો છે. તેના પગલે કલોલ સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લા અને તાલુકાના દલિત સમાજમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

