Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કરમસદ-આણંદ મનપાના સર્વાંગી વિકાસ અંગેના પ્રકલ્પોને મંજૂરી અપાઈ

કરમસદ-આણંદ મનપાના સર્વાંગી વિકાસ અંગેના પ્રકલ્પોને મંજૂરી અપાઈ

નવગુજરાત સમય. આણંદ

રમસદ-આણંદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકારના આયોજન તથા સ્વચ્છતા અંગેના કરોડોના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. મનપામાં સમાવિષ્ટ ચાર ગામ ઉપરાંત કચરાના નિકાલ માટે નવું ટ્રાન્સફર સ્ટેશન બનાવવા નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં શહેરની સ્વચ્છતા, પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુખાકારી માટે સેનિટેશન વિભાગના વિવિધ મહત્વના પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા.

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મયુર સુથાર અને કમિશનર આર.એન.ડોડીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ખાસ કરીને શહેરમાં ગેરકાયદેસર રીતે ઠલવાતા કન્સ્ટ્રક્શન અને ડિમોલીશન (C&D) વેસ્ટના કાયમી નિકાલ માટે લાંભવેલ ખાતે આવેલા પ્રોસેસિંગ પ્લાન્ટની બાજુમાં એક સત્તાવાર C&D વેસ્ટ કલેક્શન સેન્ટર સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં કચરાના ગેરકાયદેસર નિકાલને રોકવા માટે નવા પબ્લિક હેલ્થ બાયલોઝ તૈયાર કરવા તેમજ દંડનીય વહીવટી ચાર્જમાં જરૂરી સુધારો કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર રીતે અધિકૃત કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના ઘનકચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ (SWM Rules-2026) અને નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોના ચુસ્ત અમલીકરણ અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. જે અંતર્ગત શહેરમાં બલ્ક વેસ્ટ જનરેટર (BWG) નું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવા અને નાગરિકોમાં "Reduce, Reuse & Recycle" (RRR) ના અભિગમ સાથે ઘરમાં જ કચરાનું વર્ગીકરણ (Segregation) કરવાની જાગૃતિ લાવવા માટે વોર્ડ સ્તરે આયોજન હાથ ધરાશે. વધુમાં, આગામી વર્ષ માટે શહેરના સફાઈ સાધનો અને જંતુનાશક દવાઓની વાર્ષિક ખરીદી માટે અંદાજિત રૂ.૧.૪૬ કરોડના ખર્ચ સાથે નવીન એજન્સી નક્કી કરવા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી સફાઈ વ્યવસ્શા વધુ સુદ્રઢ બની શકશે. શહેરી આંતરમાળખાકીય સુવિધાઓને આધુનિક બનાવવા માટે સીટી ઇજનેર વિભાગ હસ્તકના કરોડો રૂપિયાના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ તથા મહાનગરપાલિકાના આર્થિક સહયોગ સાથે રૂ.૩૫૮.૫૧ લાખના ખર્ચે ૭૯.૬૭ મેટ્રિક ટન ક્ષમતાનું આધુનિક ટ્રાન્સફર સ્ટેશન (મોડ્યુલ-૧) બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મહાનગરપાલિકાને મળવાપાત્ર આગવી ઓળખ ઘટકની સહાય મર્યાદા રૂ.૩૦ કરોડથી વધારીને રૂ.૫૦ કરોડ થતાં, બાકી રહેલી રૂ.૨૦ કરોડની રકમમાંથી બ્યુટીફીકેશનના નવા કામોનું આયોજન કરી સરકારમાં દરખાસ્ત મોકલવાનું નક્કી કરાયું છે. તેમજ જનભાગીદારી (૭૦:૨૦:૧૦) યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં પેવરબ્લોક, સી.સી.રોડ અને સ્ટ્રીટલાઈટના રૂ.૧.૨૭ કરોડના કામ ની મંજૂરી આપવામાં આવી છે.

નાગરિકોને પીવાના શુદ્ધ પાણીનો પૂરતો પુરવઠો પૂરો પાડવા માટે વોટર વર્કસ અને ડ્રેનેજ વિભાગ દ્વારા રજૂ કરાયેલા રૂ. ૧.૦૦ કરોડના સબમર્શીબલ પંપ-મોટર રિપેરિંગના વાર્ષિક કોન્ટ્રાક્ટને બહાલી અપાઈ છે. સાથોસાથ જિટોડીયામાં ભાથીજી મંદિર પાસે આવેલી ૩૦ થી ૩૫ વર્ષ જૂની જર્જરીત અને ભયજનક ૧.૨૦ લાખ લીટરની પાણીની ટાંકીને સલામતીના ભાગરૂપે તોડી પાડવાનો (ડિમોલીશન) નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામડી, જિટોડીયા, મોગરી અને લાંભવેલ વિસ્તારની પાણીની જૂની પાઇપલાઇનોના લીકેજના કાયમી નિવારણ અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રૂ.૭૯.૬૯ કરોડના ડી.પી.આર. (ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને જોડાણની કામગીરી) ને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી આગળની કાર્યવાહી ગતિમાન કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં રખડતાં કુતરાઓની સંખ્યા નિયંત્રણ માટે ડોગ સેન્સસ (Dog-Census) માટે રૂ. ૬.૦૦ લાખ તેમજ કૈલાશભૂમિ સ્મશાન ગૃહ ખાતે રૂ. ૧૭.૦૦ લાખના ખર્ચે નવી આધુનિક ગેસ ભઠ્ઠી ખરીદવાના પ્રસ્તાવને પણ મંજૂરીની મહોર મારવામાં આવી છે.

આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સંગાડા અને એસ.કે.ગરવાલ સહિત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay