Monday, 25 Jan, 10.45 am નવગુજરાત સમય

રાષ્ટ્રીય
કાશ્મીર-હિમાચલમાં ફરી હિમવર્ષાઃ ઠંડી વધવાની આગાહી

એજન્સી > નવી િદલ્હી

ઉત્તરભારતમાં આગામી ત્રણથી ચાર દિવસમાં લોકોને નવેસરથી ઠંડીનો અનુભવ કરવો પડશે. મેદાની ભાગોમાં આની અસર વધુ દેખાશે તેમ ભારતના હવામાન વિભાગે રવિવારે કહ્યું હતું. આકરી હિમવર્ષાને કારણે ભારે ઠંડી હોવાથી જમ્મુ-કાશ્મીરમાં બે લોકોના મોત થયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પશ્ચિમી બાજુના ડિસ્ટર્બન્સની હિલચાલ જમ્મુ-કાશ્મીર બાજુ થઇ હતી. ૨૫ જાન્યુઆરીની આજુબાજુ સૂકા પવનો લોકોને ભારે ઠંડીનો અહેસાસ કરાવે તેવી સ્થિતિ છે. આ સ્થિતિ ઉત્તર ભારત અને આજુબાજુના વિસ્તારોમાં દેખાય તેમ છે. મધ્ય અને પશ્ચિમ ભારતમાં પણ ઠંડીનો ચમકારો થશે.

હાલની ઠંડીના સકંજામાં આવેલા ભારતમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશ, ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોમાં ૨૬ જાન્યુઆરી સુધી ધુમ્મસ છવાયેલું રહી શકે છે. જોકે તે પછી તેમાં ઘટાડો આવી શકે છે. હવામાન વિભાગે કહ્યું હતું કે 'રાજસ્થાનના અનેક ભાગોમાં ઠંડીનું આકરી મોજું ફરી શકે છે. એવી જ રીતે પંજાબ અને હરિયાણામાં પણ ૨૫-૨૭ જાન્યુઆરી સુધી આવી સ્થિતિનું નિર્માણ થશે.'આગામી ત્રણ દિવસમાં ઉત્તરપ્રદેશમાં પણ અનેક વિસ્તારોમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. આમ ઉત્તરભારતમાં પંજાબ અને હરિયાણા પણ બે દિવસ સુધી આકરી ઠંડીના સકંજામાં રહે તેવી શક્યતા છે.

કાશ્મીરમાં મોટાભાગના સ્થળોમાં લઘુત્તમ તાપમાન હિમવર્ષા બાદ ઘટી ગયું હતું. હવામાન વિભાગે કહ્યું હતું કે રવિવારે હવામાનમાં તબક્કાવાર સુધારો થશે અને મહિનાના અંત સુધી તે મુખ્યત્વે સુકો રહેશે. શ્રીનગર અને કાઝીગુંદને બાદ કરતાં કાશ્મીર ખીણમાં રાત્રિનું તાપમાન શનિવાર રાત્રે ગગડી ગયું હતું. રાત્રિ દરમિયાન અત્યંત હળવી હિમવર્ષા અને વરસાદ ખીણના અનેક વિસ્તારોમાં થઇ હતી. અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ તરીકે પહેલગામ ટુરિસ્ટ રિસોર્ટમાં રાત્રિું તાપમાન માઇનસ ૧૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કુપવાડામાં પણ તાપમાન માઇનસ ૪.૨ ડિગ્રી રહ્યું હતું.

હિમાચલ પ્રદેશના કુફરી, ભારમોર, કાલ્પા અને કીલોંગમાં ભારે હિમવર્ષા થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રાજ્યના અનેક ભાગોમાં હળવો વરસાદ પડ્યો છે. માત્ર કીલોંગમાં જ ૨૪ કલાકમાં ૧૫ સીએમ હિમવર્ષા થઇ છે. કાંગરામાં ૨૫.૪ એમ એમ વરસાદ ખાબકી ગયો છે. ધરમશાળામાં પણ ૧૫ એમએમ જેવો વરસાદ પડી જતાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે.

હિમવર્ષાથી હાઇવે બંધ થતાં વાહનમાં ફસાયેલા બેનાં મોત

જમ્મુ: જમ્મુ શ્રીનગર હાઇવે પર ભારે હિમવર્ષાને કારણે સેંકડો વાહનો ફસાયાં હતાં. તેમાંથી બનિહાલ પાસે બે દિવસથી અટકેલી એક ટ્રકમાંથી બેના મૃતદેહ મળી આવ્યા હતા. ભારે હિમવર્ષાને પગલે બેદિવસ બંધ રહેલો આ માર્ગ રવિવારે બપોર પછી ખુલ્લો મૂકાયો હતો. કુપવાડા જિલ્લાના ક્રાલપોરા ગામના બે યુવક શાબિર અહમદ મીર અને માજિદ ગુલઝાર મીલ શ્રીનગર જવા નીકળ્યા હતા. પરંતુ, હિમવર્ષાને કારણે શનિવાર સવારથી હાઇવે બંધ થઇ ગયો હતો. તેના કારણે તેમનું વાહન જવાહર ટનલ પાસે જ સપડાઇ ગયું હતું. રવિવાર બપોર પછી ટ્રાફિક માટે હાઇવે ખૂલ્યો ત્યારે બંને વાહનમાં બેભાન હાલતમાં જણાયા હતા. તેમને નજીકનકી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવથી ઉશ્કેરાયેલા કેટલાક વાહન ચાલકોએ બનિહાલમાં રસ્તા રોકો આંદોલન કરી દેખાવો યોજ્યા હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay
Top