નવગુજરાત સમય, અમદાવાદ
ઇરાને કુવૈત પર હુમલો કરવાના અને અમેરિકા સાથે સમજૂતી પડી ભાંગવાના અહેવાલો વચ્ચે ક્રૂડના ભાવ પાછા વધતાં તેની રૂપિયા અને સોના-ચાંદીના ભાવ પર નકારાત્મક અસર થઈ હતી. ડોલર સામે રૂપિયો 31 પૈસા ઘટી 95.67 રહ્યો હતો તો અમદાવાદ ખાતે સોનું ~2,000 ઘટી ~1.60 લાખ હતું. ચાંદી ~2.60 લાખના સ્તરે સ્થિર હતી. રિઝર્વ બેન્કની એમપીસીની બેઠકમાં પોલિસી સ્ટેન્ડ યથાવત રહેવાની ધારણા હતી અને તેને કારણે રૂપિયા પર આંતરિક કરતાં બાંહ્ય પરિબળોની વધુ અસર જોવાઈ હતી.
ડોલર ઇન્ડેક્સમાં સુધારાની નકારાત્મક અસરે રૂપિયો ઇન્ટ્રા ડેમાં 95.80 સુધી નીચે સરક્યો હતો. ટેરિફ અંગેની જાહેરાત ગમે ત્યારે થવાની શક્યતાની પણ કોઈ અસર નહોતી.
ક્રૂડ વધતાં ડોલર ઇન્ડેક્સ 99ના સ્તરની ઉપર મજબૂત રહેતાં વૈશ્વિક સોનું 27 ડોલર ઘટી 4,464 ડોલર તો ચાંદી 75 સેન્ટ ઘટી 74.25 ડોલરની સપાટીએ ટ્રેડ થતાં હતા. ઇરાન સાથેના યુદ્ધની અનિશ્ચિતતા અને ક્રૂડની ઇન્વેન્ટરીના નીચા અંદાજને કારણે બ્રેન્ટ ક્રૂડ 2.8 ટકા વધી 98.73 ડોલર અને ડબલ્યુટીઆઈ 3.1 ટકા વધી 96.67 ડોલરની સપાટીએ ટ્રેડ થતાં હતા. ઓપેક દેશો દ્વારા ક્રૂડ ઉત્પાદન વધારવાના અહેવાલોની કોઈ અસર થઈ નહોતી. અમેરિકન ફેડરલ રિઝર્વની જુનમાં મળનારી બેઠકને કારણે પણ સોના અને ચાંદીમાં વધ્યા મથાળે સાવચેતી જોવાય છે, એમ એનાલિસ્ટોનું કહેવું હતું.
સોના-ચાંદી મહત્ત્વના ટેકાના સ્તરેઃ એમ્કે વેલ્થ
એમકે વેલ્થ મેનેજમેન્ટના મતે મધ્ય-પૂર્વમાં ભૂ-રાજકીય તણાવ અને યુએસ ડોલરમાં સતત મજબૂતાઇને કારણે સમયાંતરે અસ્થિરતા હોવા છતાં કિંમતી ધાતુઓ મહત્ત્વના સપોર્ટ લેવલે રહ્યા છે. સોનું હાલમાં $4,500ની નજીક તો ચાંદી $72 -77ની રેન્જમાં ટ્રેડ કરી રહી છે. બંને ધાતુઓ માટે મધ્યમથી લાંબા ગાળાના અંદાજ નક્કર છે, જે મેક્રોઇકોનોમિક અનિશ્ચિતતા, સેન્ટ્રલ બેંકની ખરીદી અને સંસ્થાકીય ફાળવણી આધારીત છે. સોનું અને ચાંદીને ટૂંકા ગાળાનાં ટ્રેડિંગ સાધનો કરતાં વધુ ને વધુ વ્યૂહાત્મક પોર્ટફોલિયો સંપત્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે. વર્તમાન પ્રવાહ સટ્ટાકીય સ્થિતિ કરતાં માળખાકીય ફાળવણી માગણી દ્વારા વધુ પ્રેરિત છે, એમ એમ્કે વેલ્થ મેનેજમેન્ટે જણાવ્યું હતું.

