નવગુજરાત સમય , ગાંધીનગર
ગુજરાતમાં આ વર્ષે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં કરવામાં આવશે. જેમાં ૪ હજારથી વધુ નાગરીકો સહભાગી થશે. આ વર્ષે 'યોગા ફોર હેલ્ધી એજિંગ' થીમ પર વિશેષ કાર્યક્રમો યોજાશે.
આ સંદર્ભે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦થી વધુ મોટા કાર્યક્રમોનું સફળ આયોજન થઈ ચૂક્યું છે. આગામી યોગ દિવસ સુધીમાં સમગ્ર રાજ્યમાં શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો, ઇન્ડસ્ટ્રીઝ, બગીચાઓ અને જાહેર માર્ગો પર મળીને કુલ ૨૪,૦૦૦ જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે યોગ દિવસે સમગ્ર રાજ્યમાંથી ૧.૨૫ કરોડથી પણ વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેવાના છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૪ જૂનથી ૨૦ જૂન સુધી 'યોગ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. સફાઈ કર્મચારીઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન્સ અને ખેડૂતો જેવા સમાજના વિવિધ વર્ગો આવરી લઈને ૧૨ જેટલા વિશેષ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાંથી ૧૦ કાર્યક્રમો સંપન્ન થઈ ચૂક્યા છે અને બાકીના ૨ કાર્યક્રમો આગામી બે દિવસમાં યોજાશે. આ ઉપરાંત, ૧૭ મહાનગરપાલિકાઓ, ૩૩ જિલ્લાઓના તમામ તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. આ અનુસંધાને આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ૫,૦૦૦થી વધુ સભ્યોએ ઉત્સાહપૂર્વક જોડાઈને સામૂહિક યોગ કર્યા હતા.

