Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મેઘરાજા વિફર્યા  :   મુંબઈમાં આઠનાં મોત, કેરળમાં પૂરનો ખતરો

મેઘરાજા વિફર્યા : મુંબઈમાં આઠનાં મોત, કેરળમાં પૂરનો ખતરો

વી દિલ્હી: ભારે વરસાદને પગલે દેશના અનેક રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. મુંબઈમાં મૂશળધાર વરસાદ અને તેજ પવનને કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ હતી, રસ્તાઓ પર પાણી ભરાયા હતાં અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં બે લોકોના મોત થયાં હતાં. ભારે વરસાદની આગાહીને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારે તમામ સરકારી, ખાનગી અને પાલિકા સંચાલિત શાળાઓ તથા કોલેજોમાં રજા જાહેર કરી હતી.

મુંબઈમાં વરસાદ અને તેને લગતી ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. માનખુર્દ વિસ્તારમાં ચાલનો એક ભાગ તૂટી પડતાં છ લોકોનાં મોત થયા હતા. એક વ્યક્તિને ઇજા પહોંચી છે. બીજી તરફ પૂર અને ભૂસ્ખલનનો ખતરો વધતાં કેરળમાં હાઈ એલર્ટ જાહેર કરાયો હતો, જ્યારે ઓડિશા અને હિમાચલપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ હતી.

દેશની આર્થિક રાજધાનીને ચોમાસાના પ્રકોપની સૌથી વધુ અસર થઈ હતી. 24 કલાકમાં આશરે 12 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર બન્યું હતું. મુંબઈમાં આખી રાત પડેલા ભારે વરસાદ અને તેજ પવનને કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રન-વે કામગીરી લગભગ એક કલાક માટે સ્થગિત કરવી પડી હતી. આનાથી ઇન્ડિગોની ચાર ફ્લાઇટ રદ કરાઈ હતી અને 13 આવનારી ફ્લાઇટોને અન્ય એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ મુંબઈથી રવાના થતી આશરે 90 ટકા ફ્લાઇટો સરેરાશ એક કલાકથી વધુ મોડી પડી હતી. એરપોર્ટ પર આવતી લગભગ અડધી ફ્લાઇટો પણ મોડી પડી હતી.

મુંબઈના ઘણા વિસ્તારોમાં 200 મિમીથી વધુ વરસાદ પડ્યા બાદ અને કેટલાંક વિસ્તારોમાં 24 કલાકમાં લગભગ 300 મીમી (આશરે 11.8 ઇંચ) વરસાદ નોંધાયા બાદ IMDએ 'રેડ એલર્ટ' યથાવત રાખ્યું હતું. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અને ટ્રાફિકજામ થયો હતો. વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી. કુર્લામાં દુકાન પર વૃક્ષ પડતાં 63 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું હતું. છેલ્લા એક સપ્તાહમાં વૃક્ષ પડવાની આ બીજી જીવલેણ ઘટના હતી.

ઓડિશાના તમામ જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હતાં. IMDએ સંબલપુર, અંગુલ, બૌધ, સોનપુર અને કંધમાલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યો હતો, જ્યારે અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યો હતો. દરિયામાં ઊંચા મોજાં અને ખરાબ હવામાનને કારણે માછીમારોને 7 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની અપાઈ હતી. પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ આગામી દિવસોમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ હતી. યુપી અને બિહારમાં પણ વરસાદ પડ્યો હતો. ગંગા એક્સપ્રેસવેનો થોડોક ભાગ ધોવાઇ ગયો હતો. હરિયાણા અને ઝારખંડમાં પણ ચોમાસું પ્રવેશી ગયું હતું અને વરસાદ પડ્યો હતો.

કેરળના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે વ્યાપક વરસાદ નોંધાયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયો હતો. કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીએ ભૂસ્ખલન અને અચાનક પૂર આવવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરી હતી. રાજ્યભરમાં ઇમર્જન્સી કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા હતાં.
હિમાચલપ્રદેશના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહ્યો હતો. આગામી બે દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો હતો. 1 જુલાઈથી રાજ્યમાં સામાન્ય કરતાં 63 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

બંગાળની ખાડી પર ડિપ્રેશન સર્જાયું, ભારે વરસાદની ધારણા
ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર સર્જાયેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે અને તે આગામી 24 કલાકમાં ઉત્તર ઓડિશા દરિયાકિનારાને પાર કરે તેવી શક્યતા છે. આનાથી આગામી દિવસોમાં પૂર્વ, મધ્ય અને ઉત્તર ભારતમાં ચોમાસુ સક્રિય રહેશે. આ સમયગાળામાં કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay