Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોદી @ 76  :   વિજ્ઞાન, ન્યાય અને વિકસિત ભારતનો સંકલ્પ

મોદી @ 76 : વિજ્ઞાન, ન્યાય અને વિકસિત ભારતનો સંકલ્પ

દ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસ (સ્થાપક કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી)

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 76 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે છેલ્લા બાર વર્ષમાં ભારતે પસંદ કરેલી વિકાસદિશાને માત્ર યોજનાઓની સંખ્યાથી નહીં, પરંતુ રાષ્ટ્રની વૈજ્ઞાનિક, ટેક્નોલોજિકલ અને સંસ્થાકીય ક્ષમતામાં આવેલા પરિવર્તનથી પણ જોવી જરૂરી છે. સ્વચ્છ ભારત, જનધન, ઉજ્જવલા, આયુષ્માન ભારત, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી પહેલોએ વિકાસને નાગરિકના જીવન સાથે જોડ્યો છે, જ્યારે UPI, અંતરિક્ષ વિજ્ઞાન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ઉભરતી ટેક્નોલોજીઓએ ભારતની નવી ક્ષમતાઓને દૃશ્યમાન બનાવી છે.

ફોરેન્સિક વિજ્ઞાનથી પુરાવા આધારિત ન્યાય

ફોરેન્સિક વિજ્ઞાન સાથે પાંચ દાયકાથી વધુ સમયથી સંકળાયેલા વ્યક્તિ તરીકે મારા માટે સૌથી ધ્યાનપાત્ર પરિવર્તનોમાંનું એક છે દેશની ફોજદારી ન્યાયવ્યવસ્થામાં વૈજ્ઞાનિક તપાસને મળતું વધતું સ્થાન. આજનો ગુનો માત્ર ભૌતિક crime scene પૂરતો મર્યાદિત રહ્યો નથી. સાયબર ક્રાઇમ, ડિજિટલ ફ્રોડ, ડીપફેક, નાર્કોટિક્સ, આતંકવાદ, ડિજિટલ પુરાવા અને આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધોએ તપાસની પદ્ધતિ જ બદલી નાખી છે. આવા સમયમાં અનુમાન કરતાં પુરાવો અને પરંપરાગત તપાસ કરતાં વૈજ્ઞાનિક તપાસ વધુ મહત્વપૂર્ણ બને છે.

નવી ફોજદારી કાયદાકીય વ્યવસ્થામાં ગંભીર ગુનાઓની તપાસમાં ફોરેન્સિક વિજ્ઞાનને આપવામાં આવેલું મહત્વ આ દિશામાં નોંધપાત્ર નીતિગત પરિવર્તન છે. પરંતુ કાયદાની જોગવાઇ પૂરતી નથી. તેના માટે પ્રશિક્ષિત ફોરેન્સિક નિષ્ણાતો, આધુનિક પ્રયોગશાળાઓ, ટેક્નોલોજી, સંશોધન અને તપાસ અધિકારીઓની સતત ક્ષમતા નિર્માણ જરૂરી છે. આ સંદર્ભમાં *National Forensic Sciences University* જેવી સંસ્થાની ભૂમિકા શિક્ષણ સુધી મર્યાદિત નથી. ફોરેન્સિક માનવસંસાધન તૈયાર કરવું, નવી ટેક્નોલોજી વિકસાવવી, તપાસ એજન્સીઓને તાલીમ આપવી અને વૈજ્ઞાનિક પુરાવા આધારિત ન્યાયવ્યવસ્થાને મજબૂત બનાવવી એ તેની રાષ્ટ્રીય જવાબદારી છે.

વૈજ્ઞાનિક ક્ષમતાથી વિકસિત ભારત

ચંદ્રયાન-3, આદિત્ય-L1, ગગનયાન, IndiaAI Mission, Quantum Mission અને સેમિકન્ડક્ટર ક્ષેત્રની મહત્ત્વાકાંક્ષા પણ એક વ્યાપક વિચાર તરફ સંકેત કરે છે: વિકસિત ભારત માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવો એટલો જ પૂરતો નથી, ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું સર્જન પણ થવું જોઈએ.

ભારતે G20 અને Global South જેવા વૈશ્વિક મંચો પર પોતાની ભૂમિકા વિસ્તારી છે, ત્યારે 2047ની યાત્રાની સાચી કસોટી આપણી આંતરિક સંસ્થાઓની ક્ષમતા રહેશે. એક વૈજ્ઞાનિક તરીકે મારી માન્યતા છે કે 'પુરાવો સત્યને મજબૂત કરે, સત્ય ન્યાયને સશક્ત બનાવે અને વૈજ્ઞાનિક ન્યાયવ્યવસ્થા સુરક્ષિત સમાજના નિર્માણમાં યોગદાન આપે.'

વિકસિત ભારત 2047નું સ્વપ્ન અંતે માત્ર આર્થિક સમૃદ્ધિનું નથી. તે 'વૈજ્ઞાનિક રીતે સક્ષમ, ટેક્નોલોજીકલ રીતે આત્મનિર્ભર, ન્યાયપૂર્ણ અને સુરક્ષિત ભારતના નિર્માણનો સંકલ્પ' પણ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay