Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Monsoon India  :   આનંદો! ચોમાસુ દેશભરમાં પહોંચ્યું

Monsoon India : આનંદો! ચોમાસુ દેશભરમાં પહોંચ્યું

એજન્સી, નવી દિલ્હી

નૈઋત્યના ચોમાસાએ સામાન્ય રીતે 8 જુલાઈની તારીખના એક દિવસ પછી ગુરુવારે સમગ્ર દેશને આવરી લીધો હતો. જોકે હવે ચોમાસાનો સક્રિય તબક્કો પૂરો થયો છે અને શુક્રવારથી વરસાદનું પ્રમાણ ધીમે-ધીમે ઘટશે. વધુમાં 15 જુલાઈથી દેશના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે, એમ ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું.

30 જૂન સુધી દેશમાં વરસાદની ખાધ 40 ટકા હતી, જે હવે 9 જુલાઈ સુધીમાં ઘટીને 14 ટકા થઈ હતી. શરૂઆતમાં ચોમાસાની ગતિ ધીમી રહી હતી અને લગભગ બે સપ્તાહ સુધી વરસાદમાં વિરામ રહ્યો હતો. જોકે જૂનના અંતિમ દિવસો અને જુલાઈની શરૂઆતમાં થયેલા ભારે વરસાદને કારણે વરસાદની ખાધમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2021 પછી આ પ્રથમ વખત છે જ્યારે ચોમાસાએ સમગ્ર દેશને આવરી લેવામાં આટલો વિલંબ કર્યો છે.

આ વર્ષે ચોમાસું 4 જૂને કેરળમાં પહોંચ્યું હતું, જ્યારે તેની સામાન્ય તારીખ 1 જૂન છે. એટલે કે ચોમાસાનું કેરળમાં આગમન પણ ત્રણ દિવસ મોડું થયું હતું. આ પછી લગભગ બે સપ્તાહ સુધી તેની ગતિ ધીમી રહી હતી, પરંતુ જૂનના અંતમાં તે ફરી સક્રિય બન્યું હતું.

જોકે આઇએમડીએ આગાહી કરી હતી કે ચોમાસાનો સક્રિય તબક્કો હવે પૂરો થયો છે અને શુક્રવારથી વરસાદમાં ધીમે ધીમે ઘટાડો થવાની ધારણા છે. 15 જુલાઈથી વરસાદ સામાન્યથી ઓછો રહેવાની ધારણા છે.

આઇએમડીએ તેના નેશનલ બુલિટનમાં જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ ગુરુવારે અરબ સાગર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં આગળ વધ્યું હતું. તેથી તેને 9 જુલાઈ સુધી સમગ્ર દેશને આવરી લીધો હતો. દક્ષિણ પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં મજબૂત લો-પ્રેશર છે, જેનાથી 10 જુલાઈ સુધી પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે ગુરુવારે હિમાચલપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay