Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોટાભાઈનો નાના સાથે વિશ્વાસઘાત, કરોડોની જમીન વેચી મારી

મોટાભાઈનો નાના સાથે વિશ્વાસઘાત, કરોડોની જમીન વેચી મારી

નવગુજરાત સમય , ગાંધીનગર

મોટા ભાઈએ નાના ભાઇ સાથે વિશ્વાસઘાત કરી વડિલોપાર્જિત કરોડોની જમીન બારોબાર વેચી મારી હોવાનો પારિવારિક કિસ્સો ગાંધીનગર તાલુકાના સોનીપુર ગામમાં બન્યો છે. નાના ભાઇના ખોટા અંગુઠાના નિશાન અને બનાવટી દસ્તાવેજ ઉભા કરી મોટા ભાઇએ કૌભાંડ આચર્યુ હતું. અંતે FSL રિપોર્ટના આધારે કલેક્ટરના હુકમથી પેથાપુર પોલીસે નોટરી, વકીલ સહિત 6 શખસો વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વિગત એવી છે કે સોનીપુર ગામના ભીખાજી જવરાજી ઠાકોર અને તેમના ભાઈઓની સંયુક્ત માલિકીની સોનીપુર ગામમાં સર્વે નંબર 417 અને 636 વાળી કિમતી વડિલોપાર્જિત જમીન છે. વર્ષ 2023માં ભીખાજી ઠાકોરને જાણવા મળ્યું હતું કે, તેમની આ માલિકીની જમીન શૈલેષભાઈ કનુભાઈ પટેલ નામના વ્યક્તિએ ખરીદી લીધી છે. જેથી ભીખાજીએ જમીનના રેકોર્ડની તપાસ એવી હકીકત સામે આવી હતી કે, ભીખાજીના મોટા ભાઈ કાંતિજી જવરાજી ઠાકોરે અન્ય આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી ભીખાજીની જાણ બહાર જમીનમાંથી તેમનો હક્ક જતો કરવા માટે એક નકલી 'હક્ક કમી લેખ' તૈયાર કરાવ્યો હતો. આ દસ્તાવેજમાં ભીખાજીના નામે કોઈ બીજી વ્યક્તિના ખોટા અંગૂઠાના નિશાન લેવામાં આવ્યા હતા.

કૌભાંડમાં સામેલ મળતીયાઓએ આચરેલુ કાવતરૂ

# ગગાજી સોમાજી ઠાકોરએ ભીખાજીના ખોટા અંગૂઠાના નિશાનની બાજુમાં પોતે ભીખાજીની ઓળખ આપી ખોટી સહી કરી હતી.

# મહેશજી ચંદુજી ઠાકોર અને હીરાજી હમીરજી ઠાકોરે નકલી દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહીઓ કરી હતી.

# રાજેશભાઈ પ્રહલાદભાઈ પટેલ (નોટરી)એ કાયદાના જાણકાર હોવા છતાં, ભીખાજી રૂબરૂ હાજર ન હોવા છતાં, અન્ય કોઈ વ્યક્તિના અંગૂઠાના નિશાનના આધારે આ હક્ક કમી લેખ પર સહી- સિક્કા કરી આપ્યા.

# શૈલેષભાઈ પટેલ (જમીન ખરીદનાર)એ જમીનનું ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ લીધા વગર કિંમતી જમીન વેચાણ લીધી.

FSLની તપાસમાં અંગૂઠાના નિશાન નકલી સાબિત થયા

છેતરપિંડી સામે ભીખાજી ઠાકોરે ન્યાય મેળવવા ગાંધીનગર કલેક્ટર કચેરીમાં પુરાવાઓ સાથે અરજી કરી હતી. તપાસ દરમિયાન અસલ હક્ક કમી લેખ અને ભીખાજીના અસલી અંગૂઠાના નિશાનના સેમ્પલ મેળવીને ગાંધીનગર વિજ્ઞાન પ્રયોગશાળા (FSL) માં મોકલવામાં આવ્યા હતા. FSLના વૈજ્ઞાનિક પરીક્ષણના રિપોર્ટમાં સ્પષ્ટ સાબિત થયું હતું કે દસ્તાવેજ પર કરવામાં આવેલા અંગૂઠાના નિશાન ભીખાજીના નથી અને તે નકલી છે.

કોની કોની સામે ગુનો દાખલ

FSL રિપોર્ટના આધારે કલેક્ટરે કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કરતા પેથાપુર પોલીસે ભીખાજીના સગા મોટા ભાઈ કાંતિજી ઠાકોર, નોટરી વકીલ રાજેશભાઈ પટેલ સહિત કુલ છ વ્યક્તિઓ સામે ઠગાઈ, જાળસાજી અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ કરોડોના જમીન કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay