નવગુજરાત સમય, રાજપીપળા
નર્મદા જિલ્લામાં હિન્દુ નેતા પ્રવીણ તોગડિયા મુલાકાતે આવી પહોંચ્યા હતા. એમણે પોતાના પ્રવાસ દરમિયાન 'અબ તો હિન્દુ હી આગે' ના નારા સાથે હિન્દુઓને દરેક ક્ષેત્રે આગળ વધારવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જિલ્લાના વિવિધ સ્થળોએ હિન્દુ સંગઠનોના કાર્યકરો સાથે બેઠકો યોજી હતી અને હિન્દુ સમાજને શિક્ષણ સહિત દરેક ક્ષેત્રે આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી.
પ્રવીણ તોગડિયાએ 'અબ તો હિન્દુ હી આગે'ના નારા સાથે હિન્દુ સમાજને દરેક ક્ષેત્રે પ્રગતિશીલ બનાવવાની વાત કરી હતી. તેમણે 'અમારું ઘર, હિન્દુ ઘર, સુખી ઘર' ના સંકલ્પને આગળ ધપાવવાની વાત કરતાં જણાવ્યું હતું કે, રામમંદિર બાદ હિન્દુ સમાજની પ્રગતિ અને ઉત્થાન તેમના માટે મહત્ત્વના મુદ્દા છે. તેમણે હિન્દુઓ માટે શિક્ષણ સસ્તું બને અને હિન્દુઓની રક્ષા થાય તે જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. હિન્દુત્વ ચૂંટણીનો મુદ્દો છે કે કેમ તેવા સવાલના જવાબમાં પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે, 'આ સવાલ રાજકારણીઓને પૂછો, હું તો કેન્સરનો ડૉક્ટર છું.' આ દરમિયાન તેમણે સાંસદ મનસુખ વસાવાને યાદ કરતાં તેમને પોતાના જૂના સાથી ગણાવ્યા હતા.
'ઝેન જી' અને 'કોક્રોચ જનતા પાર્ટી'ના આંદોલન અંગે પૂછાયેલા સવાલના જવાબમાં પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો બંધારણીય અધિકાર છે. કોઈપણ મુદ્દે સમર્થન કરવું હોય કે વિરોધ કરવો હોય, બંને માટે લોકોને બંધારણીય અધિકાર મળેલો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેકની વાત સાંભળવી કેટલી યોગ્ય છે તેનો નિર્ણય સમજદાર જનતા કરશે.
નર્મદા જિલ્લાની આ મુલાકાત દરમિયાન પ્રવીણ તોગડિયાએ હિન્દુ સંગઠનો સાથે સંવાદ સાધ્યો હતો અને હિન્દુ સમાજના શિક્ષણ, સુરક્ષા તથા સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

