એજન્સી, નવી દિલ્હી
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ ચાર અને પાંચમી સપ્ટેમ્બરે બેલ્જિયમના બ્રસેલ્સમાં યોજાનાર ડાયમંડ લીગની ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. નીરજે આ સિઝનના પાંચ ક્વોલિફાઇંગ મુકાબલા પૈકી માત્ર બેમાં જ ભાગ લીધો હતો. તે પછી પણ તે ટોપ-૬માં રહેતાં ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. નીરજ ચોપરાએ આ સિઝનમાં ૧૯ જૂને દોહા અને ૨૧ ઓગસ્ટે લુસનેમાં યોજાયેલા ક્વોલિફાઇંગ મુકાબલામાં ભાગ લીધો હતો અને ૧૨ પોઇન્ટ મેળવ્યા હતા.
જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહ્યો હતો.
ગુરુવારે ઝુરિખમાં સિરીઝના ૧૪મા અને અંતિમ ચરણની સમાપ્તિ બાદ પોઇન્ટ ટેબલ અપડેટ કરાયું હતું. આ વર્ષે થયેલી ૧૪ ડાયમંડ લીગ સ્પર્ધામાંથી પાંચમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધા સામેલ હતી પરંતુ નીરજે તેમાંથી માત્ર બે સ્પર્ધામાં ભાગ લીધો હતો. હવે પાંચમી સપ્ટેમ્બરે બ્રેસલ્સમાં ભાલા ફેંકની સ્પર્ધા યોજાશે. વિજેતાને ટ્રોફીની સાથે ઓછામાં ઓછા ૩૦ હજાર અમેરિકન ડોલર ઇનામી રાશિ તરીકે મળશે. જ્યારે આઠમા સ્થાને રહેનાર ખેલાડીને ૧૦૦૦ અમેરિકન ડોલર મળશે. જો પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાને ડાયમંડ પ્લસ સ્પર્ધામાં ગણવામાં આવશે તો તેના વિજેતાને ૬૦ હજાર અમેરિકન ડોલર ઇનામી રકમ મળશે.
શ્રીલંકાના યુવા સ્ટાર રુમેશ ફતિરાગે ૩૯ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. તેણે ડાયમંડ લીગની પાંચ ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લીધો હતો જે પૈકી ચારમાં વિજેતા બન્યો હતો જ્યારે એકમાં બીજા સ્થાને રહ્યો હતો. પથિરાગે ગુરુવારે જ્યુરિખમાં ૯૨.૦૭ના થ્રો સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. આ સિઝનમાં તેનો બીજો ૯૦ મીટરથી વધુનો થ્રો હતો. આ પહેલાં તેણે રોમમાં ૯૨.૬૨ મીટરનો થ્રો કર્ોયો હતો. આ સિઝનમાં અત્યાર સુધી ૯૦ મીટરથી વધુનો ્થ્રો કરનારો બીજો ખેલાડી જર્મનીનો જુલિયન વેબર છે. તેણે આ મહિનાની શરૂઆતમાં બર્મિઘમમાં યુરોપિયન ચેમ્પિયનશિપમાં ૯૦.૪૦ મીટરનો થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે, તે પછી ઇજાને કારણે ડાયમંડ લીગના એકેય ક્વોલિફિકેશન મુકાબલામાં ભાગ લઈ શક્યો નહોતો. જેના કારણે તે હવે ફાઇનલમાં પણ નહીં રમી શકે.
નીરજ ચોપડા પ્રથમવાર યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઇ કરી શકે તેમ છે. આ સ્પર્ધા ૧૧થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન બુડાપેસ્ટમાં યોજાશે. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ૮ ખેલાડી ભાગ લેશે. નીરજ ચોપડા અત્યારે સાતમા સ્થાને છે જ્યારે અન્ય એક ભારતીય ખેલાડી સચિન યાદવ આઠમા ક્રમે છે.

