Thursday, 22 Oct, 8.45 am નવગુજરાત સમય

આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનની માઠી: સૈન્યની એકહથ્થુશાહી અને ગુંડાગીરી સામે પોલીસનો બળવો

એજન્સી > કરાંચી

પાકિસ્તાનમાં સૈન્યની એકહથ્થુશાહી અને ગુંડાગીરીથી વાજ આવી જઇને પોલીસ જેવી પોલીસે પણ બળવો પોકારી દીધો છે. સિંધ પ્રાંતનું લગભગ આખેઆખું પોલીસતંત્ર રજા પર ઉતરી ગયું છે. એક તરફ ઇમરાન સરકાર સામે એક થઇને આંદોલન ચાલુ કરનારા તમામ વિપક્ષો પહેલીવાર શાસનમાં સૈન્યની દખલ સામે ખુલ્લેઆમ બોલવા લાગ્યા છે ત્યાં પોલીસે પણ સૈન્ય સામે બળવો પોકારતાં દેશમાં આંતરિક યુદ્ધ અને અરાજકતાનો માહોલ પેદા થયો છે. પાકિસ્તાની સૈન્યના વડા કમર જાવેદ બાજવાએ પોલીસનો રોષ થાળે પાડવા માટે સમગ્ર પ્રકરણ અંગે તપાસના આદેશો આપ્યા છે. વિપક્ષોએ સાથે મળીને ઇમરાન સરકાર સામે રેલી યોજી હતી. આ રેલીથી ઉશ્કેરાયેલી સરકારે સૈન્યને વિપક્ષી નેતાઓ પર તૂટી પડવા આદેશો આપ્યા હતા. તેને પગલે વિપક્ષી નેતા મરિયમ નવાઝ શરીફના પતિ સફદર અવાનની તેમના હોટલ રૂમનો દરવાજો તોડીને ધરપકડ કરવામાં આવી હતી.

સફદરની ધરપકડ કરાવવા માટે પાકિસ્તાની સૈન્યની અર્ધલશ્કરી પાંખ એવી પાક રેન્જર્સના કમાન્ડો સિંધ પ્રાંતનતા આઇજીપી મુશ્તાક મહેરનું અપહરણ કરીને લઇ ગયા હતા અને તેમને બળજબરીથી ધરપકડના હુકમો પર સહી કરવા ફરજ પાડી હતી. સિંધ પ્રાંતની સરકારે સફદરની ધરપકડના આદેશ આપ્યા ન હતા. આથી આવા આદેશ પર સહી કરાવવા આર્મીની સૂચનાથી પાક રેન્જર્સએ આ અપહરણનો કારસો ઘડ્યો હતો. આઇજીપી જેવા આઇજીપીનું અપહરણ કરવાની હદે પાક રેન્જર્સ જતાં તમામ પોલીસ અધિકારીઓ ધૂંધવાઇ ઉઠ્યા હતા અને તમામ ટોચના અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરી ગયા હતા. તેને પગલે કોઇ આદેશ કે સૂચના આપનારું નહીં હોવાથી તેમની હાથ નીચેના જુનિયર પોલીસ કર્મચારીઓએ પણ કામગીરી ઠપ કરી દીધી હતી.

25 DIG, 30 ASP સહિતનું સમગ્ર તંત્ર રજા પર

સૈન્યની ગુંડાગીરી સામે ખુદ પોલીસે બળવો પોકાર્યો છે. સિંધનું સમગ્ર પોલીસ તંત્ર રજા પર ઉતરી ગયું છે. ત્રણ એડિશનલ IG, પચ્ચીસ DIG, ૩૦ SSP અને સંખ્યાબંધ SP, DSP અને SHO સમગ્ર સિંધમાં રજા પર ઉતરી ગયા છે. કોઇ આદેશો આપનારું ના રહ્યું હોવાથી સિંધના તમામ જુનિયર પોલીસ કર્મચારીઓએ કામ અટકાવી દેતાં સમગ્ર પોલીસ તંત્ર ભાંગી પડ્યું હોય તેવી હાલત સર્જાઇ છે.
સૈન્ય સામે ખુદ પોલીસની સોશિયલ મીડિયા પોસ્ટ

સિંધ પોલીસે આર્મી સામેનો તેનો બળવો જરા પણ છૂપાવ્યો નથી. સિંધ પોલીસના સત્તાવાર હેન્ડલ પરથી જ લશ્કર સામે ધડાધડ પોસ્ટ થઇ રહી છે. સિંધ પોલીસના જણાવ્યા અનુસાર ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્વયંભૂ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા રજાનું પગલું લીધું છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay
Top