એજન્સી. પેરિસ : જર્મન ટેનિસ સ્ટાર એલેક્ઝાન્ડર ઝ્વેરેવે સ્પષ્ટ કર્યું છે કે ભલે તેણે ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલ ગુમાવી હોય પરંતુ તે પોતાના ઓલિમ્પિક ગોલ્ડ મેડલને કોઈપણ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ સાથે સરખાવવા માંગતો નથી. 2021ની ટોક્યો ગેમ્સમાં મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા ઝ્વેરેવે મંગળવારે રાત્રે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યા બાદ આ વાત કહી હતી.
ક્વાર્ટર ફાઇનલમાં તેણે સ્પેનના રફેલ જોદારને 7-6, 6-1, 6-2થી હરાવ્યો હતો. મેચ બાદ તેને પૂછવામાં આવ્યું કે શું તે ગ્રાન્ડસ્લેમ જીતવા માટે પોતાનો ગોલ્ડ મેડલ આપી શકે છે ત્યારે તેણે કહ્યું હતું કે "બિલકુલ નહીં. મારા માટે ગોલ્ડ મેડલ જીતવું સૌથી અઘરું છે કેમ કે તમને ચાર વર્ષમાં એક જ વાર તક મળે છે. તમે તમારા દેશ માટે રમો છો, તમારા લોકો માટે રમો છો.
હું મારા ગોલ્ડ મેડલને ક્યારેય કોઈ પણ ચીજના બદલામાં આપી શકું નહીં. પરંતુ હા, મારી સિદ્ધિઓની યાદીમાં ગ્રાન્ડસ્લેમ ઉમેરવાનું મને ચોક્કસ ગમશે." ઝ્વેરેવ અત્યાર સુધી ત્રણ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમ્યો છે, પરંતુ એક પણ ટાઇટલ જીતી શક્યો નથી. 2020ની યુએસ ઓપન ફાઈનલમાં તે બે સેટની સરસાઈ હોવા છતાં ડોમનિક થીએમ સામે હારી ગયો હતો. ત્યારબાદ 2024ની ફ્રેન્ચ ઓપનમાં કાર્લોસ અલ્કારાઝ સામે અને 2025ની ઓસ્ટ્રેલિયન ઓપનમાં યાનિક સિન્નર સામે તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ફ્રેન્ચ ઓપનમાં અલ્કારાઝ ઈજાને કારણે બહાર છે, જ્યારે યોકોવિચ અને સિન્નર પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ત્યારે સેમિફાઈનલમાં ઝ્વેરેવનો સામનો 20 વર્ષીય જેકબ મેન્સિક સાથે થશે, જેણે આ અગાઉ માયામી ઓપનમાં યોકોવિચને જ હરાવીને માસ્ટર્સ ટાઇટલ જીત્યું હતું.

