વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સંસ્કારી નગરી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. પીએમના આગમનને લઈને સમગ્ર વડોદરા શહેરમાં ઉત્સાહ અને થનગનાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ, વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
શહેરભરમાં થીમ આધારિત રોશની અને સુશોભન
એરપોર્ટથી લઈને કાર્યક્રમ સ્થળ પેવેલિયન ગ્રાઉન્ડ સુધીના સમગ્ર માર્ગને આકર્ષક રીતે શણગારવામાં આવ્યો છે.
'સ્વચ્છતાથી સ્વાગત' અને 'સેવાથી સ્વાગત'ના વિશિષ્ટ સ્લોગન સાથે વિવિધ થીમ આધારિત સુશોભન કરવામાં આવ્યું છે. વુડા (VUDA) સર્કલ ખાતે 'ડોર ટુ ડોર' કચરો એકત્રિત કરતા વાહનોનું વિશેષ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, જ્યારે મુખ્ય માર્ગો પર 'સ્વચ્છતા હી સેવા' અને 'વિકસિત ભારત'નો સંદેશ આપતા બેનરો અને પેઇન્ટિંગ્સ લગાવવામાં આવ્યા છે. ફતેગંજ વિસ્તારની સરકારી તેમજ ખાનગી દીવાલો પર ખાસ 'નમો 4 વિકસિત ભારત' અને સ્વચ્છતા અભિયાન દર્શાવતા ચિત્રો કંડારાયા છે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને રૂટ ડાઇવર્ઝન
વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી પેવેલિયન મેદાન સુધી પોલીસ કાફલા દ્વારા ભવ્ય રિહર્સલ અને કોન્વે યોજવામાં આવ્યો હતો. આજે મોડી સાંજથી જ સમગ્ર રૂટ પર અને કાર્યક્રમ સ્થળની ૧ કિલોમીટરની ત્રિજ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. સુચારુ સંચાલન માટે કાર્યક્રમ સ્થળની આસપાસ આવેલી તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
6000 મહેમાનો માટે બેઠક વ્યવસ્થા
મુખ્ય કાર્યક્રમ સ્થળ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે અંદાજે ૬,૦૦૦ લોકો બેસી શકે તેવી ભવ્ય વ્યવસ્થા ઊભી કરાઈ છે. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, સ્થાનિક મંત્રીઓ અને શહેર ભાજપ પ્રમુખે સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

