નવગુજરાત સમય, રાજકોટ, વડોદરા
અષાઢી બીજના પાવન પર્વે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર,વડોદરા, ભરૂચ, અંકલેશ્વર સહિત વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. ઉપરાંત પરબધામમાં અષાઢી બીજે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકો ઉમટ્યા હતા.
અષાઢી બીજે રાજકોટ શહેરમાં ૮:૩૦ વાગ્યે કૈલાશધામ આશ્રમ નાનામૌવા ખાતેથી શરૂ થયેલી આ રથયાત્રા શહેરના ૨૨ કિલોમીટર લાંબા રૂટ પર ફરી હતી.
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા ત્યારે તેમના દર્શન કરવા માટે હજારો ભાવિકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. આ રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે ૪ ડીસીપી, ૬ એસીપી સહિત ૧૮૦૦થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. આ રથયાત્રાના પ્રારંભ પ્રસંગે રાજવી માંધાતાસિંહના હસ્તે પહિંદવિધિ કરવામાં આવી હતી.
ભાવનગરના સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરેથી દેશની ત્રીજી અને રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની ૪૧મી ભવ્ય રથયાત્રાનો શ્રદ્ધાભેર પ્રારંભ થયો હતો. આ રથયાત્રાના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ સોનાના સાવરણાથી પરંપરાગત 'છેડાપોરા' અને 'પહિંદ' વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા 45 વર્ષથી ચાલતી પરંપરા મુજબ આજે પણ વાજતે - ગાજતે ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા હતા. સાત કિલોમીટરના રૂટ પર હજારો ભક્તજનોએ ભગવાન જગન્નાથજી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. રથયાત્રાના આરંભમાં રૂટ પર કેટલાક ભાગમાં વરસાદ પડ્યો હતો. 45 ટન શીરો અને કોમી એકતાનો સંદેશ આ વર્ષે રથયાત્રાની સૌથી મોટી વિશેષતા મહાપ્રસાદ હતી.
ઇસ્કોનના ઉપ પ્રમુખ નિત્યાનંદજી સહિત સાધુ સંતોએ યાત્રાનો આરંભ કરવાની ઘોષણા કરી હતી. મેયર ગીતાબેન મકવાણા, વિધાનસભાના દંડક બાળુ શુકલ, સાંસદ હેમાંગ જોશી, પૂર્વ મેયર સુનિલ સોલંકી, ભરત ડાંગર, પૂર્વ મંત્રી જીતેન્દ્ર સુખડીયા, ભીખાભાઇ રબારી, સહિત મહાનુભાવોના હસ્તે પાહિંદ વિધિ બાદ બપોરે અઢી વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન સામે હિરકબાગ ખાતેથી રથયાત્રાનો શુભારંભ થયો હતો.

