નવગુજરાત સમય, રાજકોટ
રાજકોટમાં યુવતી સાથે મૈત્રી કરારથી રહેતા એક પરણિત યુવકે પોતાની ફ્રેન્ડના ઘરેથી ૧૨મા માળેથી પટકાતા ચકચાર મચી છે. આ યુવક વોર્ડ 17માં ભાજપનો આગેવાન હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના રૈયાગામ સ્મશાન નજીકની 13 માળની પામ યુનિવર્સ બિલ્ડીંગના 12મા માળેથી નિમેષ ભંડેરી (ઉં.૪૨) નામના યુવકના નીચે પટકાતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
આ યુવક ગત મોડી રાત્રે ડિવોર્સી લિવ-ઇન પાર્ટનરની બહેનપણીના ઘરે પહોંચ્યો હતો. બાદમાં પોણા બે વાગ્યે આસપાસ આ ઘટના બની હતી. પોલીસ તપાસમાં યુવકે જીવન લીલા સંકેલી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, નિમેષ બે સંતાનનો પિતા છે. તે છેલ્લા અઢી વર્ષથી ડિવોર્સી મહિલા સાથે મૈત્રી કરાર કરીને સાથે રહેતો હતો. નિમેષ મહિલાના ઘરેથી પામ યુનિવર્સ બિલ્ડીંગમાં રહેતી ડિવોર્સી મહિલાની બહેનપણીના ઘરે ગયો હતો. જ્યાં નિમેષ બિલ્ડીંગના નીચેના ભાગે પછડાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.
નિમેષના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. કૌટુંબિક વિવાદના કારણે માતા-પિતાએ નિમેષને છેલ્લા બે વર્ષથી ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને હાલમાં તેમના પત્ની રેખા પોતાના બે બાળકો સાથે સાસુ-સસરા સાથે જ રહે છે. નિમેષ ભંડેરી રાજકોટ શહેર ભાજપમાં વોર્ડ નંબર 17ના આગેવાન છે. અગાઉ તે આ જ વોર્ડમાં કિશાન મોરચામાં સભ્ય તરીકે જવાબદારી નિભાવતા હતો.

